BMCની સ્કૂલોમાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં AIથી લઈને સામાજિક દૂષણ વિરોધી સંદેશ સુધીના વિષયોની કલરફુલ દુનિયા સર્જી બાળકોએ
રંગોળી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્કૂલોમાં આ વર્ષે રંગોળીની સ્પર્ધામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), સામાજિક દૂષણ અને ભારતની સાંસ્કૃતિક હસ્તીઓ વગેરે જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. એન. એમ. જોશી માર્ગ પર આવેલી BMCની સ્કૂલમાં ગુરુવારે અને શુક્રવારે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૬૦ બાળકોએ એમાં ભાગ લીધો હતો. પહેલું ઇનામ જીતનાર આઠમા ધોરણની કુર્લામાં રહેતી રાગિણી ચૌરસિયાએ વિરાટ કોહલીનું પોર્ટ્રેટ બનાવ્યું હતું.
રાગિણી સ્કેચ-આર્ટિસ્ટ છે અને ક્રિકેટની ફૅન છે. તેણે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે તે આ સ્પર્ધામાં તેને ગમતા ક્રિકેટ-હીરો વિરાટ કોહલીનો સ્કેચ રંગોળીમાં બનાવશે. રાગિણીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હું ઘરે અને સ્પર્ધામાં રંગોળી બનાવતી હોઉં છું જેને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું મોટી થઈને સ્કૂલમાં આર્ટ ટીચર બનવા માગું છું. હું મારા પોતાના કેટલાક પ્રોજેક્ટ પણ ચાલુ કરીશ.’
ADVERTISEMENT
બીજું ઇનામ મેળવનાર માનખુર્દની અંતરા પવારે મંડાલા આર્ટમાં સુંદર શેડ ઊપસાવ્યા હતા, જ્યારે ત્રીજું ઇનામ મેળવનાર રિયા શાહે તેની રંગોળીમાં મોબાઇલ ફોનના દૂષણને ઉજાગર કર્યું હતું.
- અદિતિ અલુરકર


