રસ્તા પર કચરો વીણવાનું અને ઑફિસમાં સાફસફાઈનું કામ કરતી તામિલ મહિલા પાસે ત્રણ વર્ષથી રાખડી બંધાવે છે ટૂલ્સના જૈન વેપારી.
સંદીપ શાહને રાખડી બાંધી રહેલી તામિલ આનંદી મણિશંકર
તામિલનાડુના ચેન્નઈથી મુંબઈમાં રોજીરોટી રળવા આવેલી ૪૦ વર્ષની આનંદી છેલ્લાં ત્રણ વર્ષથી જીવદયાપ્રેમી અને સાઉથ મુંબઈના અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં ટૂલ્સનો બિઝનેસ કરતા જૈન સંદીપ શાહને રાખડી બાંધી રહી છે. તેણે કહ્યું હતું કે ‘મારો ભાઈ ચેન્નઈમાં માનસિક રીતે અક્ષમ છે, પણ મુંબઈમાં આવ્યા પછી સંદીપભાઈ મારું બહેનથી પણ વિશેષ ધ્યાન રાખે છે. મુંબઈમાં મને આવો સહારો મળી જશે એવું મેં સપનામાં પણ ધાર્યું નહોતું. હું તેમને છેલ્લાં ત્રણ વર્ષથી રાખડી બાંધું છું.’
આનંદી મુંબઈ આવ્યા પછી તેનું જીવન નજીકની એક મસ્જિદમાં વિતાવી રહી છે. તે અબ્દુલ રહેમાન સ્ટ્રીટની આસપાસના વિસ્તારોમાં કચરો વીણવાની સાથે જૈન વેપારી સંદીપ શાહને ત્યાં રોજ સવારે ઑફિસનું સાફસફાઈનું કામ કરવા જાય છે. કોવિડના કપરા સમયમાં આનંદીને સંદીપ શાહ તરફથી આર્થિક સહાય મળતી હતી. ત્યારથી આનંદી સંદીપ શાહને તેનો મોટો ભાઈ બનાવીને તેમને રાખડી બાંધી રહી છે. સૌથી વધુ મહત્ત્વનું તો એ છે કે સંદીપ શાહ આર્થિક રીતે નબળા વર્ગની એક મહિલાને બહેન બનાવી તેની પાસે રાખડી બંધાવીને ગર્વ અનુભવી રહ્યા છે. તેઓ આને માનવધર્મ કહે છે.
ADVERTISEMENT
સંદીપ શાહે આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આનંદીને બે બાળકો છે. આનંદી મુંબઈની ફુટપાથ પર રહીને ચેન્નઈ પૈસા મોકલીને તેનાં બાળકોનું ભરણપોષણ કરી રહી છે. આનંદી અહીં હાર્ડ વર્ક કરીને તેનાં બે બાળકોને ચેન્નઈમાં કૉલેજમાં ભણાવી રહી છે. તેણે કયારેય હાથ લાંબો કર્યો નથી, પણ મને વાત-વાતમાં ખબર પડી કે કોરાના પછી આનંદી આર્થિક તંગી અનુભવી રહી છે અને તેનાં બાળકોની કૉલેજની ફી ભરવાની છે. ત્યારે મેં તેને આર્થિક સહાય કરી હતી. એનાથી પ્રભાવિત થઈને આનંદી રક્ષાબંધનના તહેવારમાં મને રાખડી બાંધી રહી છે.’
ચેન્નઈમાં મારો ભાઈ છે, પણ તે માનસિક રીતે અક્ષમ છે એમ જણાવતાં આનંદી મણિશંકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો એક દીકરો અને દીકરી ચેન્નઈની કૉલેજમાં ભણે છે. દીકરી ભણવામાં હોશિયાર છે. બંને બાળકોને ભણવાની ફી અને મોબાઇલની જરૂરિયાત હતી ત્યારે સંદીપસરે મને મોબાઇલ લઈ આપ્યો હતો અને કૉલેજમાં ફી ભરવામાં પણ સહાય કરી હતી. તેઓ એક ભાઈની રીતે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને મને કટોકટીના સમયમાં સહાયરૂપ થાય છે. તેઓ જીવનમાં બહુ જ તરક્કી કરે એવી હું રાખડી બાંધતી વખતે તેમને શુભેચ્છા આપું છું.’


