જોકે આ મીટિંગ ટ્રાફિક જૅમ અને પાર્કિંગની અછત વિશે હતી એવો દાવો કર્યો MNSના ચીફે
દેવેન્દ્ર ફડણવીસને મળ્યા પછી રાજ ઠાકરેએ પત્રકારોને સંબોધ્યા હતા.
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં શિવસેના (UBT)ના ૧૯ અને રાજ ઠાકરેના બે ઉમેદવારો ઊભા હતા, પણ ૨૧માંથી એક પણ ઉમેદવાર જીતી ન આવતાં તેઓ સાથે મળીને લડ્યા હોય એવી આ પહેલી જ ચૂંટણીમાં કારમી હાર ચર્ચાનો વિષય બની છે ત્યારે ગઈ કાલે રાજ ઠાકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના વર્ષા બંગલામાં જઈને મળ્યા હતા. તેમની વચ્ચે ૫૦ મિનિટ સુધી બેઠક ચાલી હતી. એથી રાજ્યના રાજકારણમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે એવો અંદેશો રાજકીય નિરીક્ષકોએ જતાવ્યો હતો.
રાજ ઠાકરેએ જોકે એ મુલાકાત બાદ પોતાના ઘરે શિવતીર્થ પર પત્રકારોને સંબોધ્યા હતા. મુખ્ય પ્રધાન સાથેની બેઠકની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘બેઠકમાં અમે ટ્રાફિક જૅમ અને પાર્કિંગ-પ્લેસના મુદ્દે વાત કરી હતી. એ બેઠકમાં મુંબઈના પોલીસ-કમિશનર અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યનાં અનેક શહેરોમાં રીડેવલપમેન્ટ અને વિકાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ ચાલી રહ્યાં છે જેમાં ગેરકાયદે બાંધકામો પણ થઈ રહ્યાં છે. આપણે ત્યાં મૂળભૂત સમસ્યાઓ બાબતે લોકો ધ્યાન નથી આપતા. પાર્કિંગ માટે સરકાર દ્વારા હજી પ્રયાસ થવા જોઈએ. એ બાબતે કામ નથી થયું એમ નથી, પણ એમાં બહુ સફળતા નથી મળી. બહારથી આવનારા લોકોને પાર્કિંગ વિશે કોઈ માહિતી નથી હોતી એટલે ટ્રાફિક બાબતે યંત્રણા હોવી જોઈએ. મોટી રકમનો દંડ અને જો ધરપકડ થાય તો લોકો ગભરાઈ જાય છે. એથી દારૂ પીને ડ્રાઇવ કરવાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. કાયદો ન અનુસરવાની વૃત્તિ હાલ વધી રહી છે જેને કારણે સમસ્યાઓ વધુ જટિલ થતી જાય છે. એકાદ સમસ્યા જો કાબૂની બહાર જતી રહે તો પછી એના પર નિયંત્રણ મેળવવું અઘરું થઈ જાય છે.’
ADVERTISEMENT
મેદાનની નીચે પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે
રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાનને પાર્કિંગ માટે પ્લાન રજૂ કર્યો છે. રમવાનાં મેદાનોની નીચે જો અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવે તો બાળકોને રમવા પણ મળે અને મેદાનની નીચે વાહનો પણ પાર્ક કરી શકાય. પાર્કિંગ ક્યાં હોવું જોઈએ અને ક્યાં નહીં એનો પ્લાન મેં સરકારને આપ્યો છે.’


