શિવસેના-UBT અને MNSના સમર્થનની પૅનલને ૨૧ બેઠકમાંથી એકેય ન મળી
ઠાકરે-બ્રધર્સ
કી હાઇલાઇટ્સ
- આશિષ શેલારે ટોણો મારતાં કહ્યું કે ઝીરો વત્તા ઝીરોનો ટોટલ ઝીરો જ થાય
- એકનાથ શિંદેએ કહ્યું કે જનતાના કલ્યાણનાં કામ ન કરો તો એ બ્રૅન્ડની બૅન્ડ વગાડી દે છે
- દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ, રાજ ઠાકરે રાજકારણ રમ્યા એટલે લોકોએ તેમને રિજેક્ટ કર્યા
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કર્મચારીઓની પેઢી તરીકે જાણીતી BEST એમ્પ્લૉઈઝ કો-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી ઠાકરેબંધુઓ માટે લિટમસ ટેસ્ટ સમાન હતી. પહેલી વાર શિવસેના-UBT અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) સાથે મળીને ચૂંટણી લડી હતી જેમાં તેમને કારમો પરાજય મળ્યો છે. ૯ વર્ષ બાદ ૨૧ બેઠક માટે યોજાયેલી આ ચૂંટણીમાં ઠાકરેબંધુઓએ મળીને ઉત્કર્ષ નામે પૅનલ બનાવી હતી જેમાં ૧૮ સીટ પર શિવસેનાના સમર્થનવાળા અને બે સીટ પર MNSના સમર્થનવાળા ઉમેદવારો હતા, જ્યારે એક સીટ પર અન્ય ઉમેદવાર ચૂંટણી લડ્યો હતો, જેમાંથી એક પણ સીટ પર તેમના ઉમેદવારો જીતી શક્યા નહોતા.
ઠાકરે-બ્રધર્સ હાર્યા બાદ વોટચોરી અને પૈસા આપીને સીટો ખરીદી હોવાના આક્ષેપો અને આરોપો થયા એની સામે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ ચૂંટણીમાં રાજકારણને મહત્ત્વ આપવાની જરૂર જ નહોતી છતાં ઠાકરેબંધુઓએ રાજકારણ કર્યું, એ લોકોને ગમ્યું નથી. લોકોએ તેમને રિજેક્ટ કર્યા છે એ સાબિત થયું છે.’
ADVERTISEMENT
શિવસેના-UBTના નેતા સુહાસ સામંતે કહ્યું હતું કે ‘૧૫,૦૦૦માંથી ૧૨,૦૦૦ કર્મચારીઓ અમારા સપોર્ટમાં હતા. કૅશ-ફૉર-વોટ નીતિ અપનાવીને તેમણે અમારા મતદારોને તેમની તરફ કરી દીધા છે.’
MNSના સંદીપ દેશપાંડેએ પણ પૈસા આપીને મત ખરીદાયા હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં શ્રમિક ઉત્કર્ષ સભાના પ્રસાદ લાડે કહ્યું હતું કે ભ્રષ્ટાચારથી કંટાળીને લોકોએ વોટ-ફૉર- ચેન્જ માટે આ નિર્ણય લીધો છે.
મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે રાજ્યમાં થનારી ચૂંટણીમાં કર્મચારીઓ અને મઝદૂર સંગઠનો અમારી સાથે હોવાનો આ શુભ સંકેત છે. આશિષ શેલારે ઠાકરે-બ્રધર્સની ઠેકડી ઉડાડતાં કહ્યું હતું કે તમે ઝીરો વત્તા ઝીરો કરશો તો પરિણામ ઝીરો જ આવશે, આ મુંબઈ અને મરાઠી માણસોનો વિજય છે.
શિવસેના-UBTના નેતા સંજય રાઉતે જોકે આ પરાજયને હળવાશથી લઈને કહ્યું હતું કે ‘ફાઇનલ ટેસ્ટની વાત તો દૂરની છે, આ તો પ્રિલિમ એક્ઝામ પણ નહોતી, ઠાકરે બ્રૅન્ડ છે અને હંમેશાં બ્રૅન્ડ જ રહેશે.’
આ સંદર્ભમાં આ પરાજય પાછી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટોણો મારતાં કહ્યું હતું કે ‘જો કોઈ જનતાના કલ્યાણ માટે કામ ન કરે તો પ્રજા બ્રૅન્ડની બૅન્ડ વગાડી દે છે.’
જીત્યું કોણ?
સોમવારે યોજાયેલી આ ચૂંટણીમાં કુલ પાંચ પૅનલોના ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી શશાંક રાવ પૅનલને સૌથી વધુ ૧૪ બેઠક પર વિજય મળ્યો છે. આ સિવાયની ૭ સીટ પર BJPના પ્રસાદ લાડ અને પ્રવીણ દરેકરની પૅનલ શ્રમિક ઉત્કર્ષ સભાના સભ્યો જીત્યા હતા. આ ચૂંટણીમાં ૧૫,૦૯૩ પાત્ર મતદારો હતા જેમાંથી સોમવારે ૧૨,૩૬૬ લોકોએ વોટ આપ્યા હતા અને મંગળવારે પરિણામ જાહેર થયાં હતાં. BEST એમ્પ્લૉઈઝ કૉ-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિક સપ્લાય એમ બન્ને ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે.


