કરોડો લોકોએ જ્યાં પવિત્ર સ્નાન કર્યું હતું એ ત્રિવેણી સંગમના પાણી માટે રાજ ઠાકરેએ કર્યું વિવાદાસ્પદ વિધાન
MNSના ૧૯મા સ્થાપના દિવસે ગઈ કાલે પુણેના ચિંચવડમાં આયોજિત સભામાં રાજ ઠાકરેએ સંબોધન કર્યું હતું.
મહાકુંભમાંથી જળ લઈને આવેલા પાર્ટીના નેતાને આવું કહ્યું હોવાનું ખુદ MNSના ચીફે ગઈ કાલે એક કાર્યક્રમમાં કહ્યું
બાળાસાહેબની શિવસેનામાંથી અલગ થઈને ૧૯ વર્ષ પહેલાં પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની સ્થાપના કરનારા રાજ ઠાકરેએ ગઈ કાલે પક્ષના સ્થાપના દિવસે પુણેના ચિંચવડમાં આયોજિત કાર્યક્રમમાં કુંભમેળામાં કરોડો શ્રદ્ધાળુઓએ કરેલા પવિત્ર સ્નાન અને ગંગાજળની મજાક ઉડાવી હતી. રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘મુંબઈમાં પક્ષની બેઠક હતી ત્યારે કેટલાક પદાધિકારીઓ બેઠકમાં હાજર નહોતા રહ્યા. ત્યાર બાદ મીટિંગમાં હાજર ન રહેવાનું કારણ પૂછ્યું તો બીમારી, અમુકતમુક કારણો આપ્યાં; પણ પાંચ-છ જણે કહ્યું કે તેઓ કુંભમાં ગયા હતા. આ સાંભળીને મેં તેમને કહ્યું હતું કે ગધેડાઓ પાપ શા માટે કરો છો? કુંભમાં તેમણે સ્નાન કર્યું હતું કે નહીં એ પણ પૂછ્યું હતું. અમારા બાળા નાંદગાંવકર કમંડલમાં પાણી લઈને મારી પાસે આવ્યા હતા. મેં કહ્યું હતું કે હટ, હું આ પાણી નહીં પીઉં. મેં સોશ્યલ મીડિયામાં કુંભમાં સ્નાન કરવા ગયેલી મહિલાઓ અને પુરુષોને શરીર ઘસતા જોયાં હતાં. બાળા નાંદગાંવકરે આવું પાણી મને પીવાનું કહ્યું હતું. કોણ પીશે આવું પાણી? કોરોના મહામારી આવી હતી એની સાથે કોઈને કંઈ લેવાદેવા નથી. બે વર્ષ મોઢા પર માસ્ક પહેરીને ફર્યા અને કુંભમાં જઈને સ્નાન કરે છે. મેં અનેક સ્વિમિંગ-પૂલ જોયા છે જે ઉદ્ઘાટન વખતે બ્લુ હતા અને બાદમાં એમાં શેવાળ બાઝી જતાં ગ્રીન થઈ ગયા હતા. કોણ જઈને એ ગંગામાં નાહવા પડશે? શ્રદ્ધાનો પણ કોઈ અર્થ હોવો જોઈએ. આ દેશમાં એક પણ નદી સ્વચ્છ નથી. આમ છતાં આપણે કેટલીક નદીને માતા કહીએ છીએ. વિદેશમાં જાઉં છું ત્યારે સ્વચ્છ નદી જોઉં છું. તેઓ નદીને માતા નથી કહેતા તો પણ નદી સ્વચ્છ હોય છે. આપણે ત્યાં બધું પ્રદૂષણ નદીમાં ઠલવાય છે. કોઈ સ્નાન કરે છે, કોઈ કપડાં ધૂએ છે. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારથી ગંગા સ્વચ્છ થશે એવું સાંભળતો આવ્યો છું. રાજ કપૂરે ગંગા નદી પર ફિલ્મ બનાવી હતી. લોકોને લાગ્યું હતું કે ગંગા સાફ થઈ ગઈ. એ સમયે ગંગા જુદી ગંગા હતી. લોકો કહે છે એવી ગંગા સાફ હશે તો હું પણ સ્નાન કરવા તૈયાર છું, પણ ગંગા સાફ થવાની નથી. આ બધી શ્રદ્ધા, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો.’

