બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
પુણેના યશ ચિલવાર નામના યુવાને બૉમ્બે હાઈ કોર્ટમાં કરેલી જનહિતની અરજીમાં માગણી કરી છે કે દારૂ પીવાથી કૅન્સરની બીમારી થાય છે એટલે દારૂની બૉટલ પર ફરજિયાત કૅન્સર વૉર્નિંગ લખવામાં આવે. આ અરજીની ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ ભારતીય ડાંગરેની ખંડપીઠે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપરાંત ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ને આ બાબતે જવાબ નોંધાવવાનો નિર્દેશ આપ્યો હતો.
૨૪ વર્ષના યુવાન યશ ચિલવારે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના ૨૦૨૪ની પચીસ જૂનનો રિપોર્ટ અને પૅન અમેરિકન હેલ્થ ઑર્ગેનાઇઝના રિપોર્ટનો હવાલો આપ્યો છે જેમાં દારૂ પીવાથી ૩૦ લાખ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું કહેવામાં આવ્યું છે. WHOએ આલ્કોહોલનું સેવન કરવાથી કૅન્સર થતું હોવાનું નોંધ્યું છે. આ માહિતી દારૂની બૉટલના લેબલમાં નથી લખવામાં આવતી. આયરલૅન્ડ અને દક્ષિણ કોરિયાએ દારૂની બૉટલો પર કૅન્સરની વૉર્નિંગ લખવાની શરૂઆત કરી દીધી છે. ઉપરાંત અમેરિકાના સર્જ્યન-જનરલે કહ્યું છે કે દારૂ પીવાથી ૭ પ્રકારનાં કૅન્સર થાય છે. આથી સિગારેટ અને તંબાકુના પૅકેટ પર ડેન્જરસ પ્રોડક્ટ્સ લખેલું હોય છે એવી રીતે દારૂની બૉટલ પર પણ કૅન્સરની વૉર્નિંગ લખવી જરૂરી છે.


