પુણેની જૈન હૉસ્ટેલનો સોદો રદ કરવાની જાહેરાત પછી પણ બિલ્ડર અને ટ્રસ્ટીઓએ કૅન્સલેશન ડીડ જમા કર્યું ન હોવાથી આચાર્ય ગુપ્તીનંદી મહારાજનું અલ્ટિમેટમ
દેવેન્દ્ર ફડણવીસ
પુણેની શેઠ હીરાચંદ નેમચંદ જૈન હૉસ્ટેલની બહુચર્ચિત ડીલ હજી સુધી સત્તાવાર રીતે રદ થઈ નથી. ૧૫ દિવસમાં જો ડીલ રદ ન થાય તો જૈન ધર્મગુરુ આચાર્ય ગુપ્તીનંદી મહારાજે ફરીથી આમરણાંત ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી છે. ગોખલે લૅન્ડમાર્ક LLP સાથેનો સોદો રદ કરવા માટે અગાઉ પણ આચાર્ય ગુપ્તીનંદી મહારાજે આંદોલનનો સહારો લીધો હતો. મોટા પાયે જૈન સંસ્થાઓએ આ સોદાનો વિરોધ કર્યો હતો. અંતે ગોખલે બિલ્ડર્સ અને ટ્રસ્ટીઓએ સોદો રદ કર્યો હતો. જોકે સ્ટેટ રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમની પાસે હજી સુધી કૅન્સલેશન ડીડ પહોંચ્યું નહોતું. જો ડીડની પ્રક્રિયા વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો ૧૫ દિવસ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર ભૂખહડતાળ પર ઊતરવાની આચાર્ય ગુપ્તીનંદી મહારાજે ચેતવણી આપી હતી.
શું છે આખો મામલો?
પુણેના મૉડલ કૉલોની વિસ્તારમાં આવેલી હૉસ્ટેલ માટે ગોખલે બિલ્ડર્સ અને શેઠ હીરાચંદ નેમચંદ જૈન છાત્રાલયના ટ્રસ્ટીઓએ સેલ ડીડ કર્યું હતું. ૩.૫ એકરમાં વિસ્તરેલી આ મિલકત માટે ૨૩૦ કરોડ રૂપિયાનો સોદો ૮ ઑક્ટોબરે કરવામાં આવ્યો હતો. જોકે આ સોદાનો જૈન સમાજ તેમ જ છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને પછી તો આ મુદ્દો રાજકીય બની ગયો હતો. અંતે ટ્રસ્ટી અને બિલ્ડર આ સોદો રદ કરવા તૈયાર થયા હતા.


