અન્નપૂર્ણા ગેસ્ટહાઉસ પર થાણેની ક્રાઇમ બ્રાન્ચનો દરોડો : ૧૫ યુવતીઓને સુધારગૃહમાં મોકલવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTC) અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કલ્યાણના મહાત્મા ફુલે ચોક પોલીસ-સ્ટેશનની હદમાં આવેલી મેઇન માર્કેટ પાસેના અન્નપૂર્ણા ગેસ્ટહાઉસ પર શુક્રવારે સાંજે દરોડો પાડીને દેહવ્યાપારના મોટા રૅકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે આ ગેસ્ટહાઉસનો માલિક, મૅનેજર અને વેઇટર મળીને ગ્રાહકોને દેહવ્યાપાર માટે યુવતીઓ પૂરી પાડી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે બોગસ ગ્રાહક મોકલીને ગેસ્ટહાઉસમાં દરોડો પાડ્યો હતો અને ૧૫ યુવતીઓને સુધારગૃહમાં મોકલીને મૅનેજર અને વેઇટરની ધરપકડ કરી છે. તેમની સામે મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
થાણેના AHTCના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે છેલ્લાં પચીસ વર્ષથી ગેસ્ટહાઉસના માલિક, મૅનેજર અને વેઇટર દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક ગુપ્તપણે આ ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. ઘટનાસ્થળ પરથી મૅનેજર અને વેઇટરની ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અને માલિક વૉન્ટેડ છે. તે હાલ રાજસ્થાનના પાલી અથવા રાજસમંદ જિલ્લામાં છુપાયેલો હોવાનું મનાઈ રહ્યું છે અને તેની સઘન શોધખોળ ચાલુ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ રૅકેટમાં સંડોવાયેલા અન્ય દલાલો, ભાગીદારો તેમ જ સહાયકોની તપાસ કરવામાં આવી રહી છે અને સુધારગૃહમાં મોકલવામાં આવેલી ૧૫ યુવતીઓમાંથી કોઈ બંગલાદેશી નાગરિક છે કે નહીં એની પણ સઘન તપાસ ચાલી રહી છે.’
