મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે વિવાદનો મધપૂડો છંછેડ્યો
પૃથ્વીરાજ ચવાણ
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા પૃથ્વીરાજ ચવાણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે છેલ્લે-છેલ્લે BJPમાં બહુ જ અસ્વસ્થ હતા અને BJP છોડીને કૉન્ગ્રેસમાં આવવા માગતા હતા એવું ચોંકાવનારું નિવેદન કર્યું છે.
પૃથ્વીરાજ ચવાણે એક ન્યુઝ-ચૅનલને કહ્યું હતું કે ‘ગોપીનાથ મુંડે છેલ્લે-છેલ્લે BJPમાં બહુ જ અસ્વસ્થ હતા અને કૉન્ગ્રેસમાં આવવા માગતા હતા. હું એ વખતે મુખ્ય પ્રધાન હતો. અમારું બધું નક્કી પણ થઈ ગયું હતું. મેં સોનિયા ગાંધીની પરવાનગી પણ લીધી હતી. એ વખતે તેમણે (ગોપીનાથ મુંડેએ) કહ્યું હતું કે મારે એ માટે સંસદસભ્ય તરીકે રાજીનામું આપવું પડશે, મને પ્રધાન બનાવો નહીં તો મારે ચૂંટણી લડવી પડશે કારણ કે નાગપુરના એ બન્ને (BJPના જ બે અન્ય નેતા) મને ચૂંટી નહીં કાઢે. એ વખતે ત્યાં જાતિવાદનું જોર હતું. મેં તેમને કહ્યું કે કશો વાંધો નહીં, કૅબિનટ પ્રધાન નહીં બનાવી શકાય તો રાજ્યસ્તરના પ્રધાન બનાવી શકાશે. અમારું બધું નક્કી હતું. તે મારી પાસે ગુપ્ત રીતે આવ્યા હતા. એ વખતે હું કોઈને જાણ ન થાય એ માટે મહારાષ્ટ્ર સદન (દિલ્હી)માં ન રહેતાં એક હોટેલમાં રહ્યો હતો. એ વખતે માણિકરાવ ઠાકરે અધ્યક્ષ હતા. અમારું નક્કી જ હતું. રાતે બે વાગ્યે અમે બેઠકો કરી હતી જેમાં અહમદ પટેલ પણ હતા. મૅડમ સોનિયા ગાંધીની પણ પરવાનગી લઈ લીધી હતી. એ વખતે તેઓ BJP (વિરોધ પક્ષ)ના ઉપનેતાપદે, મોટા પદ પર હતા. એ વખતે તે બહુ અસ્વસ્થ હતા. તેમણે મને ઘણું બધું કહ્યું પણ એ કંઈ નહીં કહું. એ પછી હું વડા પ્રધાન મનમોહન સિંહને મળવા ગયો. એ વખતે મારી જિંદગીની સૌથી મોટી રાજકીય ભૂલ મેં કરી હતી. મેં વડા પ્રધાનને ન પૂછતાં સોનિયા ગાંધીને જ પૂછીને તેમને (ગોપીનાથ મુંડેને) હા પાડી દીધી હતી. મનમોહન સિંહે મને પૂછ્યું કે તમે બારોબાર તેમને આ આશ્વાસન આપી દીધું છે? મેં હા કહી. મેં કહ્યું કે મેં મૅડમ (સોનિયા ગાંધી)ને પૂછ્યું હતું, તમને ન પૂછ્યું એ ભૂલ થઈ ગઈ. તેમણે કહ્યું કે આપણે BJPના વિરોધ પક્ષના ઉપાધ્યક્ષને આપણા પક્ષમાં લઈને પ્રધાન બનાવીએ એ શરમજનક કહેવાશે, હું એવું જરા પણ નહીં કરું. તે પહેલી વાર મારા પર ગુસ્સે થઈ ગયા. મેં મારા જ માથા પર હાથ માર્યો કે મારાથી કેવી મોટી ભૂલ થઈ ગઈ. એ પછી મેં તેમને (ગોપીનાથ મુંડેને) કહ્યું કે સૉરી, તમને કૉન્ગ્રેસમાં લેવા શક્ય નહીં બની શકે. ત્યારે તેમણે મને જે કહ્યું એ જિંદગીભર નહીં ભૂલું. તેમણે મને કહ્યું કે તમે મારું રાજકીય ખૂન કરી નાખ્યું અને એ વસ્તુસ્થિતિ હતી. મારે પહેલાં જ મનમોહન સિંહને પૂછવું જોઈતું હતું.’
ADVERTISEMENT
તે કમળમાં જ જન્મ્યા અને કમળમાં જ વિલીન થયા : પંકજા મુંડે
સામા પક્ષે ગોપીનાથ મુંડેનાં દીકરી અને BJPનાં નેતા પંકજા મુંડેને પત્રકારોએ આ બાબતે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘હવે અત્યારે એનું શું કરવાનું? હવે એ બાબતના પુરાવા કે એનું મહત્ત્વ રહેતું નથી. મુંડેસાહેબ હવે હયાત નથી એટલે તેમના વિશે અમે વક્તવ્ય કરીએ જેઓ ત્યાં ઉપસ્થિત નહોતા એ યોગ્ય નહીં ગણાય. અત્યારે હવે આ બાબત ઉચિત નથી. હું જ્યાં સુધી મારા પિતાને જાણી શકી છું ત્યાં સુધી તે કમળ (BJP)માં જ જન્મ્યા અને કમળ (BJP)માં જ વિલીન થયા. એ જ તેમની સફર રહી હતી. આજે પણ લોકો તેમનું નામ માન સાથે જ લે છે. પૃથ્વીરાજ ચવાણે પણ તેમનું નામ માન સાથે જ લેવું જોઈએ.’
અમે ૨૦૧૪ની ચૂંટણી હાર્યા ન હોત અને મુંડે CM બન્યા હોત
પૃથ્વીરાજ ચવાણે વધુમાં કહ્યું હતું કે ‘જો ગોપીનાથ મુંડે અમારી સાથે હોત તો અમે ૨૦૧૪ની ચૂંટણી હાર્યા ન હોત. અમે ચૂંટાઈ આવ્યા હોત, પણ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીએ મને મુખ્ય પ્રધાન બનવા ન દીધો હોત. મેં એ વખતે મુખ્ય પ્રધાન માટે ગોપીનાથ મુંડેનું નામ સૂચવ્યું હોત. મેં તેમનું જરાય અપમાન કર્યું નથી. મેં તેમના વિશેની મારી ભાવનાઓ વ્યક્ત કરી હતી. ગોપીનાથ મુંડેનો ઇતિહાસ લખાવો જોઈએ, યુવાનોને એ ખબર હોવી જોઈએ.’
