માંડ બે મહિના પહેલાં શરૂ કરાયેલા વસઈ ખાડીના ફોર લેનના બ્રિજ પર બે દિવસના વરસાદમાં પડ્યા અનેક ખાડા
મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલા ચાર લેનના પુલ પર પડેલા ખાડા (તસવીર : રણજિત જાધવ)
જીવ જવાની રાહ જોવાય છે...
ખાડામાં ગયા તમારા પૈસા : વર્સોવા બ્રિજ; ખૂલ્યાને કેટલો વખત? - ત્રણ મહિના; કેટલો ખર્ચ? - 247 કરોડ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, પ્રજા પાસેથી ટૅક્સના નામે વસૂલેલા પૈસાથી થતો ભયંકર ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે ત્યારે સત્તાવાળાઓને મોં છુપાવવાનું ભારે પડી જાય છે. હજી ત્રણ મહિના પહેલાં અમદાવાદ માટેના હાઇવે પર મુંબઈ નજીક ૨૪૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલો વર્સોવા બ્રિજ ખુલ્લો મુકાયો હતો પણ બે દિવસના વરસાદમાં એવા ખાડા પડી ગયા કે વાહનચાલકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. મહારાષ્ટ્રમાં જ આવી હાલત છે એવું નથી. ગુજરાતના સુરતમાં હજી દોઢ મહિના પહેલાં જ ૧૧૮ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ પર તિરાડો પડી ગઈ અને એની એક સાઇડ બેસી જતાં હોબાળો મચ્યો હતો અને બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
મુસાફરોની વર્ષોની માગ બાદ ૨૭ માર્ચે ટ્રાફિક માટે ખુલ્લા મુકાયેલા વસઈ ખાડીના બ્રિજની માત્ર ચાર દિવસના વરસાદે ખરાબ હાલત કરી મૂકી છે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) દ્વારા ૨૪૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ પુલ પર ખાડા પડી ગયા છે, જેનાથી વાહનચાલકો અને ટૂ-વ્હીલર સવારોના જીવ જોખમમાં મુકાયા છે.
રિપોર્ટરે મુંબઈ-અમદાવાદ હાઇવે માટે મહત્ત્વના ચાર લેનના પુલ પર મુસાફરી કરતી વખતે અનેક ખાડા જોયા હતા. મુસાફરોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શનિવારે ચોમાસાના આગમન બાદ નવા ખાડા જોવા મળ્યા છે. આવા ખાડાથી ભરેલા રસ્તા વરસાદ દરમ્યાન જોખમી હોય છે, કારણ કે એકઠા થયેલા પાણીને કારણે એ દેખાતા નથી.’
પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે માત્ર થોડા દિવસના વરસાદનો પણ સામનો કરી શકતી નથી.

અકસ્માતની જોવાઈ રહી છે રાહ
આ પુલનો વારંવાર ઉપયોગ કરતા બાઇકર પરાગ આર.એ કહ્યું હતું કે ‘ખતરનાક ખાડા જોઈને હું ગભરાઈ ગયો હતો. એનએચએઆઇના અધિકારીઓ કોઈ વાહનચાલક મૃત્યુ પામે એની રાહ જોઈ રહ્યા છે? જો કોઈ અકસ્માત થાય તો રોડ બનાવનાર કંપનીને જવાબદાર ઠેરવી દંડ લેવો જોઈએ.’
એક રિક્ષાચાલકે કહ્યું હતું કે ‘ખાડાઓ ટૂ-વ્હીલર અને રિક્ષા માટે જોખમી છે. વાહનચાલકો સંતુલન ગુમાવી શકે છે.’


