૨૨ જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે તમામ ભક્તો અયોધ્યા પહોંચી શકે એમ ન હોવાથી રામનું નામ લખેલી ભક્તોની ભાવનાપોથી પહોંચાડવામાં આવશે
સોમનાથમાં આવેલા શ્રી રામમંદિરમાં રામનામ લખી રહેલી કંગના રનોટ.
મુંબઈ ઃ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ નિર્ધારિત થઈ છે ત્યારે આ મંદિરના નિર્માણ માટેનો પાયો જ્યાંથી નાખવામાં આવ્યો હતો એ પહેલા મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ‘સોમનાથથી અયોધ્યા શ્રી રામનામ મંત્ર લેખન મહાયજ્ઞ’ પ્રારંભ કરવામાં આવ્યો છે. અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થાય એ માટે સોમનાથ મંદિર દ્વારા વર્ષો પહેલાં રામનામ લેખનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પણ કોર્ટના કેસને લીધે મંદિરના નિર્માણનું કામ અટકી ગયું હતું એટલે બાદમાં લેખનની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. હવે મંદિરના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી રામનામ લેખનનું કામ શરૂ કર્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના દ્વારા બનાવવામાં આવેલા રામમંદિરમાં લેખન મહાયજ્ઞ શરૂ કરાયો છે; પણ બીજેપી અને હિન્દુ સંગઠનો દ્વારા આ યજ્ઞ રાજ્યના દરેક ગામ જ નહીં, દેશભરમાં શરૂ કરાશે અને રામનામ લખેલા હજારો પાઠ અયોધ્યા મોકલવામાં આવશે. આની પાછળનું ગણિત એ છે કે આવતા જાન્યુઆરીમાં પ્રાણપ્રતિષ્ઠા થશે ત્યારે બધા રામભક્તો અયોધ્યા નહીં પહોંચી શકે એટલે રામભક્તોની ભાવનાપોથી અયોધ્યા મોકલવામાં આવશે.
બીજેપીના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ૧૯૯૦માં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવા દેશભરમાં રથયાત્રા કાઢી હતી, જેની શરૂઆત મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનામ મંદિરથી કરવામાં આવી હતી. હવે જ્યારે અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે અને આવતા જાન્યુઆરી મહિનામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે સોમનાથથી શરૂ થયેલી રામમંદિરના નિર્માણની શરૂઆતના બીજા ભાગમાં પોથીયાત્રા શરૂ કરવાનો નિર્ણય શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઑક્ટોબરે ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે આ પોથીમાં પહેલું શ્રી રામનામ લખ્યું હતું અને બાદમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રીજી નવેમ્બરથી વિધિવત્ ભક્તો દ્વારા પોથીમાં રામનામ લખવાની શરૂઆત કરવામાં આવી હતી. નવ દિવસમાં ૧૫ લાખથી વધુ રામભક્તોએ પોથીમાં રામનામ લખ્યું હોવાની માહિતી મંદિરના ટ્રેસ્ટે આપી છે.
ADVERTISEMENT
સોમનાથ ટ્રસ્ટે રામમંદિર બનાવ્યું
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવા માટે દેશભરમાં ૩૩ વર્ષ પહેલાં રથયાત્રા કાઢવામાં આવ્યા બાદ મંદિરના નિર્માણનું કામ કોર્ટમાં અટવાઈ ગયું હતું. આથી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે સોમનાથમાં ત્રિવેણી સંગમ પાસે ૨૦૧૭માં રામમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં રામનામનું લેખન કરવા માટે ૧૦ પોથી મૂકવામાં આવી હતી, જેમાં રામભક્તો દ્વારા શ્રી રામનામ લખવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનાં દર્શને આવતા ભક્તો ત્રિવેણી સંગમ પાસેના રામમંદિરમાં જઈ શકે એ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઝુંબેશ વ્યાપક બનાવાઈ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રી રામનામ લેખનની માહિતી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી હતી. તેમણે ૩૦ ઑક્ટોબરે પોથીમાં રામનામ લખીને લેખનની ઝુંબેશને વ્યાપક બનાવવાનું સૂચન કર્યું હતું. આથી સોમનાથના રામમંદિર ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્ય પંદરેક મંદિર અને બીજાં સ્થળોએ પણ લેખનની પોથીઓ પહોંચાડવામાં આવી રહી છે અને ૯ દિવસમાં જ ૧૫ લાખ નામ લખાઈ ગયાં હોવાનું શ્રી સોમનાથ ટ્રસ્ટે આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે.
દરરોજ સાડાઅગિયાર કલાક લેખન
સોમનાથમાં આવેલા ભગવાન રામના મંદિરમાં સવારના ૭.૩૦ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી ભક્તો લેખન કરી રહ્યા છે. આ વિશે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા કૌશલ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમનાથનું ભગવાન રામ અને કૃષ્ણ સાથે સીધું કનેક્શન છે. પુરાણ મુજબ ભગવાન રામ સોમનાથ આવ્યા હતા. આથી સોમનાથ અને અયોધ્યાનો સંબંધ હજારો વર્ષનો છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે ત્યારે રામભક્તો સોમનાથનાં દર્શન કરવા આવે ત્યારે રામનામ લખી શકે એ માટે પોથીની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩ નવેમ્બરથી અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ રામનામ પોથીમાં લખાયાં છે. દેશભરમાંથી સોમનાથમાં શ્રી રામમંદિરનાં દર્શન કરવા આવનારા અહીં સભામંડપમાં બેસીને શ્રી રામમંત્રનું નાખ લખીને અયોધ્યામાં શ્રી રામમંદિરના પુનઃનિર્માણના શુભ મુહૂર્તના સહભાગી બની રહ્યા છે. મહાદેવના મંદિરથી રામમંદિર જવા માટે ટ્રસ્ટ તરફથી બસની તેમ જ મંત્રલેખનમાં જોડાનારા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.’
પોથી પ્રાણપ્રતિષ્ઠામાં સમર્પિત કરાશે
રામભક્તો દ્વારા સોમનાથના રામમંદિરમાં નામમંત્ર લખવામાં આવી રહી છે એ પોથી અયોધ્યા મંદિરનું નિર્માણ કરી રહેલા ટ્રસ્ટને જાન્યુઆરી મહિનામાં સમર્પિત કરાશે. પ્રાણપ્રતિષ્ઠા વખતે આ પોથીઓ મંદિરમાં મૂકવામાં આવશે. આથી ભક્તોએ લખેલાં રામનામ ભારતના ભાગ્યોદયના સાક્ષી બનશે એમ શ્રી સોમનાથ ટ્રસ્ટે કહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામલેખનની શરૂઆત કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને બૉલીવુડની અભિનેત્રી કંગના રનોટ સહિતના મહાનુભાવોએ સોમનાથથી અયોધ્યા શ્રી રામનામ મંત્રલેખન મહાયજ્ઞમાં લેખન કરી ચૂક્યાં છે.
દેશભરમાં મહાયજ્ઞ કરાશે
શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રામનામ મંત્રલેખન તેમના આધીન રામમંદિરમાં જ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજેપી ગુજરાત અને દેશભરમાં મહાયજ્ઞ શરૂ કરશે. આ વિશે ગુજરાત બીજેપીના સેક્રેટરી ઝવેર ઠકરારે માહિતી આપી હતી કે ‘ભગવાન રામ દરેકના હૃદયમાં વસેલા છે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ૫૭૬ વર્ષની લાંબી લડત બાદ થઈ રહ્યું છે. લાલ કૃષ્ણ અડવાણીએ હિન્દુત્વ જગાવ્યું હતું. તેમના પ્રયાસો અત્યારે પણ કાયમ છે. સોમનાથ ટ્રસ્ટે નામ મંત્રલેખનની શરૂ કરેલી ઝુંબેશને અમે રાજ્યો જ નહીં, દેશનાં ગામોમાં પહોંચાડીશું. દેશભરમાં રામમય માહોલ તૈયાર કરાશે. ભગવાન રામ દરેક ભારતીયની આસ્થા છે. આથી અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા રાજકીય કે ધાર્મિક કાર્યક્રમ નથી. આ રામરાજ્યની શરૂઆત છે.’


