પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની ઈડી દ્વારા પૂછપરછ બાદ વિરોધ પક્ષના નેતા અજિત પવારે ફોન ન કરતાં બંને નેતા વચ્ચે તાલમેલ ન હોવાની ચર્ચા જાગી

જયંત પાટીલ
એનસીપીમાં પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ અને વિરોધ પક્ષના નેતા અજિત પવાર વચ્ચે નારાજગી હોવાની ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. જયંત પાટીલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ સોમવારે સાડાનવ કલાક પૂછપરછ કરી હતી. ઈડીની પૂછપરછ બાદ રાજ્યના અનેક મોટા નેતાઓએ તેમની સાથે ફોન પર વાત કરી છે, પણ અજિત પવારનો ફોન ન આવ્યો હોવાનું કહ્યું હતું. જયંત પાટીલના આવા નિવેદનથી ચર્ચા શરૂ થઈ છે કે એનસીપીમાં અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે તાલમેલ નથી રહ્યો. આથી જ જયંત પાટીલે કોઈ પણ નેતાને બદલે પત્રકારો સાથેની વાતચીતમાં અજિત પવારનું નામ લીધું હોવાનું મનાય છે.
ઈડીના સમન્સ અને પૂછપરછ બાબતે ઠાકરે જૂથ અને કૉન્ગ્રેસના નેતાઓએ બીજેપીની ટીકા કરી છે. જોકે અજિત પવારે આ વિશે અત્યાર સુધી કંઈ કહ્યું નથી. તેમના આ બાબતના મૌનથી રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ છે. અજિત પવારે જોકે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘જ્યારથી બીજેપી સત્તામાં આવી છે ત્યારથી કોઈ પણ નેતા પર ઈડીની કાર્યવાહી થઈ છે. એ સમયે મેં તપાસ બાબતે કંઈ કહ્યું હોય તો બતાવો. છગન ભુજબળ, અનિલ દેશમુખ, પ્રફુલ પટેલ, નવાબ મલિક વગેરેની ઈડીએ તપાસ કરી હતી ત્યારે પણ મેં કોઈ નિવેદન નહોતું આપ્યું. જયંત પાટીલને જ ઈડીએ નથી બોલાવ્યા. આથી જાણી જોઈને આ સંબંધે ખોટા અર્થ કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મારા પર ઇન્કમ-ટૅક્સ વિભાગે બાવીસ વખત તપાસ કરી છે. એ સમયે મારે જે કહેવું હતું એ કહેલું. બાદમાં હું મારા કામે લાગ્યો હતો. બીજેપીમાં જવાથી તપાસ થતી નથી કે બદલાની ભાવનાથી તપાસ કરવામાં આવે છે એ બરાબર નથી.’
મહાવિકાસ આઘાડી ૧૦૦ ટકા સાથે લડશે
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઈ છે. એક તરફ બીજેપી અને એકનાથ શિંદે જૂથ સત્તા ટકાવી રાખવાની સાથે બહુમત મેળવવાનો દાવો કરી રહ્યાં છે તો બીજી બાજુ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો સાથે લડવાની વાતો કરી રહ્યા છે. જોકે મહાવિકાસ આઘાડીના કેટલાક નેતાઓ સાથે ચૂંટણી લડવા માટે જુદો મત વ્યસ્ત કરી રહ્યા છે. આ વિશે અજિત પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સ્ટૅમ્પ પર લાવો, હું લખી આપું છું કે મહાવિકાસ આઘાડી ૧૦૦ ટકા સાથે રહેશે. કેટલાક નેતાઓ જુદા વિચાર રજૂ કરે છે, પણ અંતિમ નિર્ણય તો પક્ષના સર્વોચ્ચ નેતા જ લેશે. એની અમલબજાવણી નેતાઓ અને કાર્યકરો કરે છે. આથી મહાવિકાસ આઘાડી એકત્રિત રહેશે કે નહીં એવી ચર્ચાનો કોઈ અર્થ નથી.’
મોટો ભાઈ કોણ?
મહાવિકાસ આઘાડીમાં સામેલ એનસીપી, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે લોકસભાની ચૂંટણી માટેની બેઠકો બાબતે લડાઈ ચાલી રહી છે. એક સમયે ત્રણેય પક્ષ ૧૬-૧૬ બેઠકો લડે એવી ફૉર્મ્યુલા બનાવાઈ હતી. જોકે ઉદ્ધવ ઠાકરે જૂથે ગઈ લોકસભાની ચૂંટણીમાં તેમના ૧૮ સાંસદ ચૂંટાઈ આવ્યા હતા એટલે ૧૮ બેઠકો મેળવવાનો આગ્રહ રાખ્યો છે. આવી જ રીતે અજિત પવાર પણ કહી ચૂક્યા છે કે અત્યારે વિધાનસભામાં તેમના વધારે સભ્યો છે એટલે એનસીપીને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુ બેઠકો મળવી જોઈએ. બેઠકની ફાળવણી વિશે ચર્ચા કરવા માટે ગઈ કાલે કૉન્ગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં તેમણે ઠરાવ પસાર કર્યો હતો કે મહાવિકાસ આઘાડીમાં કોઈ મોટો કે નાનો ભાઈ છે એવી ચર્ચા ન થવી જોઈએ. બધાએ સાથે મળીને ચૂંટણી લડવા માટે આગળ વધવું જોઈએ. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ જાહેર કર્યું છે કે ગઈ ચૂંટણીમાં વિજયી થયેલી બેઠકો જે-તે પક્ષને ફાળવવામાં આવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે બીજેપી અને શિવસેનાની યુતિમાં પણ એક સમયે મોટા ભાઈ, નાના ભાઈની સમસ્યા ઊભી થઈ હતી.
મનોહર જોષીની તબિયત બગડી
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોષીની તબિયત બગડતાં તેમને માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ તેમના માટે ૨૪ કલાક મહત્ત્વના હોવાનું કહ્યું છે. મનોહર જોષીને બ્રેઇન હૅમરેજ થવાથી તેમના મગજને લોહી ન મળવાની મુશ્કેલી થઈ રહી હોવાથી તેમને સોમવારે મોડી સાંજે હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર કરવા માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરોના કહેવા મુજબ મનોહર જોષીની તબિયત અત્યંત નાજુક છે અને તેમને આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે એટલે માટે આગામી ૨૪ કલાક મહત્ત્વના છે. હૉસ્પિટલે જાહેર કરેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે ‘રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોષીને સોમવારે મોડી સાંજે સેમી કોમાની સ્થિતિમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. તેઓ પોતે શ્વાસ લઈ શકે છે એટલે અત્યારે વેન્ટિલેટર પર નથી. તેમને બ્રેઇન ટ્યુમરની તકલીફ થઈ છે. અત્યારે તેઓ આઇસીયુમાં છે અને ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. તેમની તબિયત સ્થિર છે, પણ તેમને ક્રિટિકલ મૅનેજમેન્ટની જરૂરિયાત છે એટલે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.’
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેનાની યુતિની ૧૯૯૫માં પહેલી વખત સરકાર બની ત્યારે બાળાસાહેબ ઠાકરેના અત્યંત નજીકના નેતા મનોહર જોષી શિવસેનાના પહેલા મુખ્ય પ્રધાન બન્યા હતા. ચાર વર્ષ તેઓ આ પદ પર રહ્યા હતા. શિવસેનાના આ વરિષ્ઠ નેતા ૨૦૦૨થી ૨૦૦૪ સુધી લોકસભાના સ્પીકર રહ્યા હતા. જોકે તબિયત અને ઉંમરને કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી રાજકારણથી દૂર થઈ ગયા છે. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ તેમણે મનોહર જોષીની મુલાકાત લીધી હતી.