રિક્ષામાં શતાબ્દી હૉસ્પિટલની મુલાકાત લઈને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો
સંસદસભ્યની સવારી : પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમણે રિક્ષામાં પ્રવાસ કરી ઈંધણ બચાવીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો એ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુલેટ પર સવારી કરી હતી અને એકનાથ શિંદેએ પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં પ્રવાસ કર્યો હતો. હવે સંસદસભ્ય પીયૂષ ગોયલે રિક્ષામાં પ્રવાસ કરીને લોકોમાં ઈંધણ બચાવવા જાગરૂકતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પીયૂષ ગોયલે કાંદિવલી-વેસ્ટમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલની મુલાકાત લેતી વખતે રિક્ષામાં પ્રવાસ કર્યો હતો અને એનો વિડિયો પણ પોતાના ઑફિશ્યલ ટ્વિટર હૅન્ડલ પર મૂક્યો હતો. તેમણે શતાબ્દી હૉસ્પિટલમાં ચાલી રહેલા નવીનીકરણની સમીક્ષા કરી હતી અને નવાં ઉપકરણોથી હૉસ્પિટલને સજ્જ કરવાનો વાયદો કર્યો હતો.
ADVERTISEMENT
ડાયાબેટિક આઇ કૅર માટે ૬ નવાં મશીન બેસાડવામાં આવશે
પીયૂષ ગોયલે શતાબ્દી હૉસ્પિટલની મુલાકાત વખતે હૉસ્પિટલમાં ૬ નવાં મશીનની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી. ડાયાબેટિક આઇ કૅર માટે આ મશીન લવાશે જેથી ડાયાબિટીઝથી પીડાતા દરદીઓની થતી આંખની સારવાર માટે વધુ સુવિધા મળશે.
