કૉલેજે સ્પષ્ટતા કરી કે ૭૧ ટકા સુધીની હાજરી હોય તેમને પરીક્ષા આપવા દીધી છે, એનાથી વધારે છૂટ ન આપી શકીએ
શુક્રવારે મીઠીબાઈ કૉલેજમાં વાલીઓએ હોબાળો મચાવતાં મામલો શાંત પાડવા પોલીસ બોલાવવી પડી હતી.
વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાં ૭૫ ટકા કરતાં ઓછી અટેન્ડન્સ ધરાવતા ડિગ્રી કૉલેજના વિદ્યાર્થીઓને સેમેસ્ટરની એક્ઝામમાં બેસવા ન દેતાં વાલીઓ વિફર્યા હતા. શુક્રવારે આ બાબતે વાલીઓ કૉલેજમાં ધસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. વાલીઓના હોબાળાને લીધે કૉલેજમાં ધમાલ મચી જતાં જુહુ પોલીસને પણ બોલાવવામાં આવી હતી.
ઓછી અટેન્ડન્સને કારણે સ્ટુડન્ટ્સને પરીક્ષામાં બેસવા ન દેવાયા ત્યારે મામલો બીચક્યો હતો. કેટલાક સ્ટુડન્ટ્સના વાલીઓ કૉલેજમાં આવી પહોંચ્યા હતા અને પ્રિન્સિપાલની કૅબિન સામે ભેગા થઈ ગયા હતા. આ વાલીઓએ પ્રિન્સિપાલને મળવા માટે દબાણ કર્યું હતું. તેમનું કહેવું હતું કે તેમનાં બાળકોની જરૂરિયાત કરતાં માત્ર બેથી ૩ ટકા જ અટેન્ડન્સ ઓછી હતી. તેમણે પ્રિન્સિપાલને મળીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવે એવી રજૂઆત કરવાની માગણી કરી હતી. તેમને જ્યારે પ્રિન્સિપાલને મળવાની છૂટ ન આપવામાં આવી ત્યારે ગુસ્સે થયેલી બે મહિલાઓએ પ્રિન્સિપાલની કૅબિનના દરવાજા પર ગુસ્સામાં લાતો પણ મારી હતી. તેમને જ્યારે સિક્યૉરિટી સ્ટાફે વારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે સિક્યૉરિટીના માણસો સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. એ મચમચમાં ત્યાર બાદ સ્ટાફ-મેમ્બર્સ પણ જોડાતાં મામલો બીચક્યો હતો અને ઝપાઝપીમાં એક જણને નાની ઈજા પણ થઈ હતી. જોકે મામલો ગરમ થઈ જતાં આખરે જુહુ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે આવ્યા બાદ મામલો શાંત પાડીને સાવચેતીના પગલા તરીકે આખી કૉલેજ જ ખાલી કરાવી હતી.
ADVERTISEMENT
શું કહે છે કૉલેજનાં પ્રિન્સિપાલ?
આ મુદ્દે ‘મિડ-ડે’એ કૉલેજનાં પ્રિન્સિપાલ કૃતિકા દેસાઈનો સંપર્ક કરીને વિગતો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘૭૫ ટકા કમ્પલ્સરી અટેન્ડન્સનો નિયમ છે જ. અમે જોકે એમ છતાં ૭૧થી ૭૫ ટકા વચ્ચે હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની છૂટ આપી હતી. એ માટે અમે તેમની પાસેથી ડેક્લેરેશન લખાવી લીધું હતું કે આવતા વર્ષે તેઓ ૧૦૦ ટકા હાજરી આપશે. એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓ ટાઇફૉઇડ, ડેન્ગી, મસલ્સ ટિયર જેવાં ગંભીર કારણોને કારણે કૉલેજમાં નહોતા આવી શક્યા તેમને પણ અમે પરીક્ષા આપવા દીધી હતી. જે સ્ટુડન્ટ્સના વાલીઓ ધમાલ મચાવી રહ્યા હતા એ સ્ટુડન્ટ્સ ૭૦ ટકા કરતાં પણ બે-ત્રણ ટકા ઓછી એટલે ૬૭ ટકા જેટલી અટેન્ડન્સ ધરાવતા હતા. ઑફિશ્યલ પ્રોસીજર પ્રમાણે ઓછી અટેન્ડન્સવાળા સ્ટુડન્ટ્સની અટેન્ડન્સ વધારવા મીટિંગ લેવામાં આવે છે. પહેલી મીટિંગમાં માત્ર સ્ટુડન્ટ્સને બોલાવીને જાણ કરવામાં આવે છે. બીજી મીટિંગમાં વાલીઓને બોલાવવામાં આવે છે. ઘણા સ્ટુડન્ટ્સ વાલીઓને મીટિંગ માટે લાવતા નથી. દરેક સ્ટુડન્ટને મેન્ટર પણ હોય છે. ત્રીજી મીટિંગમાં તે મેન્ટરને પણ બોલાવીએ છીએ. એથી કૉલેજ દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવતા હોય છે કે સ્ટુડન્ટ્સ તેમની હાજરી વધારે. આ મુદ્દે હોબાળો મચાવવાને બદલે તેમણે એજ્યુકેશન અને હાજરી પર ધ્યાન આપવું જોઈએ. અમારી કૉલેજમાં ૬૦૦૦ જેટલા સ્ટુડન્ટ્સ છે. એમાંથી ૦.૫થી લઈને એક ટકો જેટલા વિદ્યાર્થીઓ જ આ નિયમને કારણે પરીક્ષા નથી આપી શક્યા.’


