કોઈને આત્મહત્યા ન કરવા અને ફરી સાથે મળીને મહેનત કરીને ચૂંટણીમાં વિજયી થવાની અપીલ કરતો વિડિયો બહાર પાડ્યો
પંકજા મુંડેએ સોમવારે આત્મહત્યા કરનારા એક સમર્થકના ઘરે જઈને સાંત્વન આપ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની બીડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ચૂંટણી લડેલાં પંકજા મુંડેનો નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર બજરંગ સોનાવણે સામે માત્ર ૬૫૫૩ મતથી પરાજય થયો હતો. આ પરાજય પંકજા મુંડે અને BJP માટે તો અપેક્ષિત નહોતો, પરંતુ પંકજા મુંડેના સમર્થકોએ આ હારને દિલ પર લઈ લીધી છે અને તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. અત્યાર સુધી ચાર સમર્થકોએ આત્મહત્યા કરતાં પંકજા મુંડે સ્તબ્ધ થઈ ગયાં છે.
એક પછી એક એમ ચાર સમર્થકોએ જીવન ટૂંકાવી લીધું હોવાની જાણ થતાં પંકજા મુંડેએ સોમવારે એક વિડિયો બહાર પાડીને તેમના સમર્થકોને અપીલ કરી હતી કે ‘પ્લીઝ, કોઈ જીવ ન આપો. સ્વર્ગીય ગોપીનાથ મુંડે હોય કે હું ખુદ, અમે ક્યારેય રાજનીતિ કરવા માટે લોકોનો કે સમાજનો ઉપયોગ નથી કર્યો. સમર્થકોની આત્મહત્યા કરવાથી મને ઝટકો લાગ્યો છે. રાજનીતિમાં હાર અને જીત થતી રહે છે. મારી બધાને અપીલ છે કે કોઈ પણ આત્મહત્યા ન કરે. આપણે સાથે મળીને ફરી મહેનત કરીશું અને આગામી ચૂંટણીમાં બહુમતીથી વિજયી થઈશું.’
ADVERTISEMENT
પંકજા મુંડેના બીડમાં ત્રણ અને લાતુરમાં એક સમર્થકે આત્મહત્યા કરી છે. ૭ જૂને લાતુરના સચિન મુંડે, ૯ જૂને બીડના પાંડુરંગ સોનવણે, શિરુરના ગણેશ બડે અને ૧૦ જૂને બીડના પોપટ વાયભસેએ પંકજા મુંડેનો લોકસભાની ચૂંટણીમાં પરાજય થવાની હતાશામાં જીવ આપી દીધા છે. સમર્થકોની આત્મહત્યાના સમાચાર જાણ્યા બાદ ત્રણ દિવસથી પંકજા મુંડે જીવ ગુમાવનારા સમર્થકના ઘરે જઈને તેમના પરિવારજનોને સાંત્વના આપી રહ્યાં છે. સોમવારે તેઓ એક સમર્થકના ઘરે પહોંચ્યાં હતાં ત્યારે રડી પડ્યાં હતાં.
બીડ લોકસભા બેઠકમાં પંકજા મુંડેના મત કાપવા માટે વિરોધી પક્ષોએ ૩૬ નાના પક્ષ અને અપક્ષના ઉમેદવાર ઊભા રાખ્યા હોવાનો આરોપ છે. આ ઉમેદવારોએ કુલ ૫૧,૫૫૧ મત મેળવ્યા હતા. જેને લીધે પંકજા મુંડેનો મામૂલી માર્જિનથી પરાજય થયો હોવાનું જાણવા મળ્યું હતું.


