હેલિકૉપ્ટરમાંથી ઊતર્યા બાદ કૉલર ઉડાવ્યો, ફ્લાઇંગ કિસ કરીને જનતાનું અભિવાદન કર્યું
ઉદયનરાજે ભોસલે
છત્રપતિ શિવાજી મહારાજના તેરમા વંશજ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાતારા લોકસભા બેઠકના ઉમેદવાર ઉદયનરાજે ભોસલે ગઈ કાલે ચોથા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે માનેલી બહેન પંકજા મુંડે માટે મેદાનમાં ઊતર્યા હતા. તેઓ પરળીમાં આયોજિત પ્રચારસભામાં પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું તાળીઓની સાથે સીટી વગાડીને જોરદાર સ્વાગત કર્યું હતું અને તેમને કૉલર ઉપર કરવાનું તેમ જ ફ્લાઇંગ કિસ કરવાનું કહેતાં ઉદયનરાજેએ લોકોની માગણી સ્વીકારી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે ‘બીડની જનતાનો પ્રેમ જોઈને મન ભરાઈ આવ્યું. જેવો પ્રેમ તમે મને કરો છો એવી જ રીતે પંકજા મુંડેને આ ચૂંટણીમાં વિજયી બનાવીને કરજો. તમે મારી બહેનને નહીં ચૂંટો તો હું રાજીનામું આપીશ અને મારી બેઠક પર પંકજાને ચૂંટણીમાં વિજયી બનાવીશ.’ આ સાંભળીને જનતાએ પ્રતિસાદ આપ્યો હતો કે અમે તમારી અને પંકજા મુંડે સાથે છીએ.