Palghar Crime: પાલઘરમાં એક હેર કટિંગ સૅલોંમાં લાઉડસ્પીકર પર `કાશ્મીર બનેગા પાકિસ્તાન` એવું ગીત વગાડવામાં આવ્યું હતું. આ મામલે ૨૫ વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
એઆઈ દ્વારા તૈયાર કરાયેલી ઇમેજ
પાલઘરમાં એક હેર કટિંગ સૅલોંમાં લાઉડસ્પીકર પર `કાશ્મીર બનેગા પાકિસ્તાન` એવું ગીત વગાડવામાં (Palghar Crime) આવ્યું હતું. આ મામલે ૨૫ વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના નાયગાવ પોલીસ સ્ટેશનની હદમાં ચીંચોટી નામના એરિયામાં બની હતી. `કાશ્મીર બનેગા પાકિસ્તાન` આ સોંગ પાકિસ્તાની સેનાના સોશિયલ મીડિયા વિભાગ ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન દ્વારા વર્ષ ૨૦૨૫માં ભારતવિરોધી પ્રૉપગેન્ડા માટે જારી કરાયો હતો.
ADVERTISEMENT
પોલીસ ઇન્સપેક્ટરે પકડી લીધો આરોપીને
નાયગાંવ પોલીસ સ્ટેશન (Palghar Crime)માં નોંધાયેલી એફઆઈઆર અનુસાર સબ-ઇન્સ્પેક્ટર પંકજ કિલ્જે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ બીના પ્રકાશમાં આવી હતી. બપોરે 1.30ની આસપાસ કરમદપાડામાં રુહાન હેર કટિંગ નામના સૅલોંમાં આ ગીત લાઉડસ્પીકર પર વગાડવામાં આવ્યું હતું. બ્લૂટૂથ દ્વારા મોબાઇલ ફોનથી સૅલોંના લાઉડસ્પીકરને કનેક્ટ કરાયું હતું. એ એટલી જોરથી વાગતું હતું કે આખી શેરીમાં સંભળાતું હતું.
આ મામલાએ ચીંચોટી વિસ્તારમાં ભારે હોબાળો મચાવી દીધો
પેટ્રોલિંગ દરમિયાન સબ-ઇન્સ્પેક્ટર પંકજ કિલ્જે જ્યારે આ સૅલોંમાં અંદર ગયા ત્યારે ત્યાં બે જણ હતા. ગુલજારી રાજુ શર્મા અને અબ્દુલ રહેમાન સદ્રુદ્દીન શાહ નામના બે લોકો ત્યાં મળી આવ્યા હતા. તપાસ (Palghar Crime)માં બહાર આવ્યું છે કે સદ્રુદ્દીન શાહ તેના યુટ્યુબ એપ્લિકેશનમાંથી આ ગીત વગાડી રહ્યો હતો. આ રીતે રાષ્ટ્રવિરોધી સોન્ગ પ્લે કરવા બદલ આસપાસના લોકો પણ ગુસ્સે ભરાયા હતા. આરોપીને દબોચી લેવાયો હતો. ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા તેમના મોબાઈલની પણ તપાસ કરાઇ હતી. આ ઘટનાથી ચીંચોટી વિસ્તારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દેશની એકતા અને અખંડિતતાને નુકસાન થાય તેવો કેસ છે આ
પોલીસની ટીમ દ્વારા સમગ્ર મામલા (Palghar Crime)ની સઘન તપાસ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસે રાષ્ટ્રીય એકતાનું ખંડન કરતાં આ કૃત્ય બદલ શાહ સામે બી. એન. એસ.ની કલમ 197 (1) (ડી) હેઠળ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. તરત જ શાહની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સૅલોંના કર્મચારી શર્માનો આમાં કોઈ કસૂર નહોતો મળી આવ્યો. પોલીસે જણાવ્યું છે કે આ ઘટના પાછળ જે જે લોકોની સંડોવણી છે તે બદલ તપાસ ચાલુ છે. પોલીસ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતાને તોડી પાડવા કે જાહેર શાંતિનો ભંગ કરતાં આવા કૃત્યોને હરગીઝ સહન કરવામાં નહીં આવે. આ કેસ જાહેર સ્થળોએ ઉશ્કેરણીજનક સામગ્રીના પ્રસાર બાબતની ચિંતા જણાવે છે. પોલીસ કહે છે કે આવા કિસ્સાથી વિસ્તારના લોકોમાં અશાંતિ, ગુસ્સો અને ગભરાટ ફેલાયો છે. આ રીતે વિવાદાસ્પદ સોન્ગને લાઉડસ્પીકર પર વગાડવાથી દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને હાનિ પહોંચે છે. તેનાથી સમાજમાં દુશ્મનાવટ, નફરત અને જાહેર શાંતિનો ભંગ થવાની સંભાવના રહે છે. બીએનએસની કલમ હેઠળ દોષી ઠેરવાયેલા આરોપીને ત્રણ વર્ષનો જેલવાસ અથવા દંડ અથવા તો આ બંને પ્રકારની સજા થઈ શકે છે.


