નાલાસોપારાની ઘટના : મમ્મી વચ્ચે પડી તો તેના પર પણ હુમલો કર્યો
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં એક ચોંકાવનારી ઘટના બની છે. માનસિક બીમાર યુવકે કોયતાના ઘા ઝીંકીને સગી બહેનની હત્યા કરી હતી એટલું જ નહીં, તેને બચાવવા ગયેલી મમ્મી પર પણ તેણે હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર ઈજા પામી છે. આ ઘટના ગઈ કાલે વહેલી સવારે નાલાસોપારા-ઈસ્ટના ટાંકી રોડ પર સર્વોદય કૉલોનીમાં બની હતી. વસઈ-વિરાર શહેરમાં એક અઠવાડિયામાં આ ચોથી હત્યા છે.
ટાંકી રોડ પર સર્વોદય કૉલોનીમાં સાંઈધામ વેલ્ફેર ચાલમાં ૩૫ વર્ષની સુપ્રિયા કાનડે નામની મહિલા રહે છે. તેની મમ્મી અને ભાઈ નજીકમાં જ રહે છે. મહિલાનો પતિ ગામ ગયો હતો. ગઈ કાલે સવારે તેના માનસિક બીમાર ભાઈ અજિત માલુષ્ટે સાથે તેનો ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અજિતે બહેન પર કોયતા વડે હુમલો કર્યો હતો. એ હુમલામાં સુપ્રિયાને ગળા અને છાતી પર કોયતાના ઘા વાગ્યા હતા જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એ વખતે તેમની મમ્મી વચ્ચે પડી તો અજિતે તેના પર પણ ઘા ઝીંકી દીધા હતા જેમાં તે પણ ઘાયલ થઈ છે. જોકે આ ઘટનામાં સુપ્રિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર ઘાયલ મમ્મીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
