પાલઘરના કલેક્ટરે ગઈ કાલે બે કિલોમીટર ચાલીને રસ્તાનું નિરીક્ષણ કર્યું : આ રસ્તા પર પ્રવાસ કરતા લોકોના ટ્રાફિક-જૅમમાં કલાકો નીકળી જાય છે
મુંબઈ-અમદાવાદ હાઇવે પરના ખાડાની સમીક્ષા કરવા પાલઘરના કલેક્ટર સાથે અન્ય અનેક અધિકારીઓ બે કિલોમીટર ચાલીને ગયા હતા.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વર્સોવા બ્રિજ અને વિરાર ફાટા વચ્ચે મોટી સંખ્યામાં ખાડાઓને લીધે પ્રવાસીઓને કલાકોના કલાક ટ્રાફિક-જૅમમાં અટવાયેલા રહેવું પડે છે અને આ બાબતે સોશ્યલ મીડિયા પર લોકો પોતાની આપવીતી મૂકી રહ્યા હોવાથી છેવટે એની નોંધ લઈને ગઈ કાલે પાલઘરના કલેક્ટરે ખાડાયુક્ત હાઇવેનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવાનો આદેશ આપ્યો હતો.
વર્સોવા બ્રિજ અને વિરાર ફાટા વચ્ચે સસુનાવઘર, માલજીપાડા, સસુપાડા, બાપાને અને રેલવે બ્રિજ પાસે સૌથી વધુ ખાડાઓ છે એટલે વાહનચાલકોને અહીંથી આવતાં-જતાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત હાઇવે ઑથોરિટી દ્વારા કૉન્ક્રીટીકરણની ચાલી રહેલી કામગીરીના આયોજનના અભાવે હાઇવે પર ટ્રાફિક-જૅમની સમસ્યા વધી છે.
ADVERTISEMENT
ખાડાઓ આશરે એકથી દોઢ ફુટ જેટલા ઊંડા છે અને એમાં વરસાદી પાણી જમા થતાં વાહનચાલકો એનો અંદાજો લગાવી શકતા નથી. ઘણી વાર ભારે વાહનો પણ આ ખાડામાં ફસાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે. ટ્રાફિક-જૅમને કારણે ઍમ્બ્યુલન્સ, નોકરીએ જતા લોકો તેમ જ સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી સમસ્યા વધુ જટિલ બની હોવાથી પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ ગઈ કાલે હાઇવે પરના ખાડાઓ અને સમસ્યાઓની સમીક્ષા કરવા માટે નિરીક્ષણ-મુલાકાત કરી હતી. આ સમયે તેમણે બે કિલોમીટર ચાલીને આસપાસના વિસ્તારની મુલાકાત લીધી અને જે ભાગમાં ખાડાઓ અને પાણી ભરાય છે એની સમીક્ષા કરી હતી.
આ વિશે પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને આ બાબતે ઘણી ફરિયાદ મળી હોવાથી ગઈ કાલે હાઇવે પર જ્યાં વધુ ખાડાઓ પડ્યા છે ત્યાં જઈને તપાસ કરી અને આગામી ચાર-પાંચ દિવસમાં ખાડાઓ ભરવાની સૂચના આપી છે. લોકોને તાત્કાલિક રાહત મળે એટલે ફરી થોડા દિવસમાં મુલાકાત લઈને રિવ્યુ લઈશ.’
હાઇવે ઑથોરિટીનો દાવો પોકળ
હાઇવે ઑથોરિટીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે હાઇવેના નવા બનાવેલા કૉન્ક્રીટીકરણના કામ પર પડેલા ખાડાઓ અને અન્ય ખાડાઓ ૯૦ ટકા ભરાઈ ગયા છે, પરંતુ હાઇવે પરના ખાડાઓની હાલની સ્થિતિ જોઈને એ દાવાઓ પોકળ હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે.
ઔદ્યોગિક ક્ષેત્રને ફટકો
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે અને કામણ-ભિવંડી હાઇવે પરના ખાડાઓની અસર અહીં મોટી સંખ્યામાં આવેલા ઔદ્યોગિક ક્ષેત્રને થવા લાગી છે. કારખાનાંઓમાં માલસામાન લઈ જવામાં વધુ મુશ્કેલીઓ પડે છે. બીજી તરફ ટ્રાફિકની સમસ્યાને કારણે સામાન સમયસર પહોંચતો ન હોવાનું વેપારી વર્ગનું કહેવું છે.