Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: દિંડોશીમાં દીપડાએ ફરી દેખા દીધી

News in Shorts: દિંડોશીમાં દીપડાએ ફરી દેખા દીધી

Published : 17 November, 2026 10:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમુક રહેવાસીઓના દાવા મુજબ સોસાયટીની H-વિંગની આસપાસ દીપડો વારંવાર દેખાતો હોય છે.

દિંડોશીમાં દીપડો દેખાયો

દિંડોશીમાં દીપડો દેખાયો


દિંડોશીમાં આરે કૉલોનીની બાજુમાં જ આવેલા રાહેજા હાઇટ્સ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ફરી એક વખત પુખ્ત વયનો દીપડો દેખાતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જંગલ વિસ્તાર નજીક હોવાથી દીપડો અવારનવાર આ કૉમ્પ્લેક્સમાં આવી ચડે છે. આ વખતે પણ એ રાતના સમયે આવ્યો હતો. લોકોની નજરે ચડી જતાં એને ત્યાંથી હાંકી કાઢવા એના પર ટૉર્ચનો પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. થોડી જ વારમાં એ ત્યાંથી જતો રહ્યો હતો. સોસાયટીના પદાધિકારીઓએ આ બાબતે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. અમુક રહેવાસીઓના દાવા મુજબ સોસાયટીની H-વિંગની આસપાસ દીપડો વારંવાર દેખાતો હોય છે. 

૧૬ ટનની ક્રેન પલટીને રિક્ષા પર પડી, પણ કોઈ જાનહાનિ નહીં



મુંબઈના જુહુમાં આવેલા વર્સોવા-બાંદરા સી લિન્ક (VBSL) પ્રોજેક્ટ સાઇટ પર સોમવારે એક ક્રેન ઑટોરિક્ષા પર પલટી ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા ઇશ્યુ કરાયેલા નિવેદન અનુસાર આ ઘટના જુહુ કનેક્ટર (J112 ફૅબ્રિકેશન યાર્ડ) ખાતે ૧૬ મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતી હાઇડ્રા ક્રેન સાથે બની હતી. સ્ટીલના ઍન્ગલ ખસેડતી વખતે આ ક્રેન પલટી ગઈ હતી. બાદમાં એને સુરક્ષિત રીતે ફરીથી એની યોગ્ય સ્થિતિમાં મૂકી દેવામાં આવી છે. MSRDCએ જણાવ્યું હતું કે ઘટનાનું મૂળ કારણ જાણવા અને જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ શોધવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને એ માટે જરૂરી સુધારાત્મક અને નિવારક પગલાં લેવામાં આવશે.


ઉરણમાં પ્લૅટિનમ લૉજિસ્ટિક્સના વેરહાઉસમાં અગ્નિતાંડવ


રાયગડમાં ઉરણ નજીક વેશ્વી ગામમાં આવેલા પ્લૅટિનમ લૉજિસ્ટિક્સના વેરહાઉસમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે ભયંકર આગ લાગી હતી. આગને બુઝાવવા માટે સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વેરહાઉસમાં વિસ્ફોટક કેમિકલ્સ હોવાને કારણે આગ લાગ્યા બાદ એક પછી એક મોટા ધડાકા સંભળાયા હતા. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે દૂરથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊડતા જોઈ શકાતા હતા. કેમિકલ્સના ધુમાડાને કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ફૅક્ટરીમાં રાખવામાં આવેલો માલ, કેમિકલ્સ તથા મશીન સહિતની મોટા ભાગની બધી જ વસ્તુઓ આગમાં સ્વાહા થઈ ગઈ હતી. આગના કારણે કેટલું નુકસાન થયું અને શેના કારણે આગ લાગી એની જાણકારી મળી નહોતી.

હવે ઍરપોર્ટની જેમ રેલવે-સ્ટેશનો પરથી પ્રી-પ્રેઇડ ટૅક્સી મળી શકશે

વેસ્ટર્ન રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોમાંથી સ્ટેશન પર સામાન અને પરિવાર સાથે ઊતર્યા બાદ ટૅક્સી મેળવવી એટલે મહામુશ્કેલીનું કામ ગણાય છે. ઘણી વાર તો ટૅક્સી-ડ્રાઇવરો મીટર પર આવવાને બદલે ઉચ્ચક જ ભાડું જણાવી વધુ પૈસા પડાવે છે. હવે એમાં રાહત મળે એવા સમાચાર છે. ઍરપોર્ટ પરથી જે રીતે પ્રી-પેઇડ ટૅક્સી મળે છે એવી રીતે વેસ્ટર્ન લાઇનનાં ૬ મુખ્ય સ્ટેશનો મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા ટર્મિનસ, બોરીવલી, વિરાર અને પાલઘર રેલવે-સ્ટેશન પરથી હવે પ્રી-પેઇડ ટૅક્સીની સુવિધા મળી શકશે જેથી મુસાફરો પ્રવાસ શરૂ કરતાં પહેલાં જ ચોક્કસ ભાડું નક્કી કરીને પ્રવાસ કરી શકશે. 
વેસ્ટર્ન રેલવે દ્વારા આ સુવિધા માટે ટેન્ડર બહાર પાડવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે. વળી આગળ જતાં યોજનાને પ્રવાસીઓનો કેવો પ્રતિસાદ મળે છે એના આધારે એનો વિસ્તાર કરાશે. પ્રી-પેઇડ ટૅક્સી માટે સ્ટેશનની બહાર કાઉન્ટર પણ ઊભું કરાશે.

રાતના સમયે ટીનેજરને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાંથી ઉતારી નાખનારા ડ્રાઇવર-કન્ડક્ટર સસ્પેન્ડ

સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસમાં પ્રવાસ કરનારી બે ટીનેજરને રાતના સમયે મધરસ્તે ઉતારી નાખવામાં આવી હોવાની ઘટના ૧૪ નવેમ્બરે ભંડારામાં બની હતી. રાતના અંધારામાં સગીર વયની છોકરીઓને બસમાંથી ઉતારી મૂકી હોવાની ઘટનાને પગલે મોટો ઊહાપોહ થયો હતો અને સ્થાનિક સમાચારો અને સોશ્યલ મીડિયા પર આ વિશે ખૂબ લખાયા બાદ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ વાતની નોંધ લઈને સંબંધિત ડ્રાઇવર અને કન્ડક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તેમના વિરુદ્ધ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ST બસમાં પ્રવાસ કરનારી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊઠતાં સરકારે ડ્રાઇવર અને કન્ડક્ટર બન્નેને સસ્પેન્ડ કરવાનો આદેશ ગઈ કાલે બહાર પાડ્યો હતો. ST દ્વારા બન્ને વિરુદ્ધ આગળ પણ શિસ્તભંગ સહિતનાં પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK