News In shorts : બુદ્ધના પિપરહવા અવશેષો આખરે ૧૨૭ વર્ષ પછી ભારત પાછા ફર્યા, બિહારમાં વધુ એક ડૉગેશબાબુ માટે રેસિડેન્સ સર્ટિફિકેટની અરજી
બાળકીના પેટમાંથી અડધો કિલો વાળનું ગૂંચળું નીકળ્યું
અમરાવતીની ૧૦ વર્ષની બાળકીના પેટમાંથી ડૉક્ટરોએ આશરે અડધો કિલો વાળનું ગૂંચળું કાઢ્યું છે. બાળકીનું ઑપરેશન કરનાર ડૉ. ઉષા ગજભિયેએ જણાવ્યું હતું કે બાળકીને લાંબા સમયથી વાળ ખાવાની આદત હતી.
બાળકીને ૨૦ દિવસ અગાઉ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. છેલ્લા પાંચ-છ મહિનાથી બાળકીને ઊલટી થવી, ભૂખ ન લાગવી અને વજન ઘટવાની ફરિયાદ હતી. ડૉક્ટરે તપાસ કર્યા બાદ બાળકીના પેટમાં વાળ હોવાનું જણાયું હતું. ત્યાર બાદ બાળકીને પૂછતાં તેણે કહ્યું હતું કે તેને લાંબા સમયથી વાળ ખાવાની આદત છે. ડૉક્ટરે થોડા દિવસ અગાઉ ઑપરેશન કરીને લગભગ અડધો કિલો વાળનું ગૂંચળું બાળકીના પેટમાંથી કાઢ્યું હતું. હવે બાળકીને કોઈ મુશ્કેલી નથી અને તે ખોરાક પણ બરાબર લઈ શકે છે. થોડા દિવસમાં બાળકીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે એમ ડૉ. ઉષા ગજભિયેએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
બુદ્ધના પિપરહવા અવશેષો આખરે ૧૨૭ વર્ષ પછી ભારત પાછા ફર્યા

ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષોને ૧૨૭ વર્ષ પછી ભારતમાં પાછા લાવવામાં આવ્યા છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
બિહારમાં વધુ એક ડૉગેશબાબુ માટે રેસિડેન્સ સર્ટિફિકેટની અરજી
અરજીમાં મમ્મી-પપ્પાના નામમાં ડૉગેશ કી મમ્મી, ડૉગેશ કે પાપા
બિહારના નવાદા જિલ્લામાં શ્વાનના નામે રેસિડેન્શિયલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં ગુસ્સે ભરાયેલા ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે આ કેસમાં તપાસનો આદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલાં પટનાના મસૌરી ઝોનમાં ડૉગબાબુના નામે આવું જ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જેને ભારે ઊહાપોહ બાદ રદ કરવામાં આવ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓએ ફરી એક વાર સરકારી દસ્તાવેજોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે.
નવાદા જિલ્લાના સિરડાલા ઝોન ઑફિસમાં RTPS (રાઇટ ટુ પબ્લિક સર્વિસ)માં ડૉગેશબાબુ નામના શ્વાનના નામે પ્રમાણપત્ર માટે અરજી મળી હતી. આ અરજી સાથે એક પાળેલા શ્વાનનો ફોટો પણ છે. અરજીમાં ડૉગેશબાબુને પુરુષ દર્શાવવામાં આવ્યો છે. પિતાનું નામ ડૉગેશ કે પાપા અને માતાનું નામ ડૉગેશ કી મમ્મી લખેલું છે. આ અરજી ૨૯ જુલાઈએ ઑનલાઇન સબમિટ કરવામાં આવી હતી.
બાપ્પા તૈયાર છે આગમન માટે

નાગપુરમાં ગઈ કાલે એક આર્ટિસ્ટ ગણપતિબાપ્પાની મૂર્તિને ફાઇનલ ટચ આપતો જોવા મળ્યો હતો.
સર્પમિત્રો બન્યા સર્પના મિત્રો

માહિમમાં સર્પમિત્રોએ મંગળવારે નાગપંચમીના દિવસે રૉક પાયથન અને ઇન્ડિયન કોબ્રાને રેસ્ક્યુ કર્યા હતા.


