ગઈ કાલે લાલબાગના ફ્લાયઓવર પર કેટલાય લોકો આ સજાવટને જોવા ઊભા રહી ગયા હતા અને ઘણા લોકોએ હાથ જોડીને વંદન કર્યાં હતાં.
તસવીરો : આશિષ રાજે
લાલબાગચા રાજાનું મુખ્ય પ્રવેશદ્વાર આ વખતે જબરદસ્ત બની રહ્યું છે. ગઈ કાલે લાલબાગના ફ્લાયઓવર પર કેટલાય લોકો આ સજાવટને જોવા ઊભા રહી ગયા હતા અને ઘણા લોકોએ હાથ જોડીને વંદન કર્યાં હતાં.
હૈદરાબાદના ગણેશ પંડાલમાં ઑપરેશન સિંદૂરની થીમ
ADVERTISEMENT

૨૭ ઑગસ્ટે ગણેશ ચતુર્થી નિમિત્તે લાખો પંડાલોમાં અનોખી થીમ સાથે વિઘ્નહર્તાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે, પણ હૈદરાબાદમાં ઉપ્પુગુડાના શ્રી મલ્લિકાર્જુનનગર યુવા કલ્યાણ સંગઠને આ ઉત્સવ માટે ઑપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશમૂર્તિ બનાવી છે. સ્થાનિક કલાકારો દ્વારા આશરે ૬ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ મૂર્તિમાં બ્રહ્મોસ મિસાઇલો, રફાલ જેટ્સ, S-૪૦૦ની પ્રતિકૃતિ અને આર્મી મૉડલ થીમ છે જે ભક્તિ અને દેશભક્તિ શ્રદ્ધાંજલિનું મિશ્રણ કરે છે. એમાં ભગવાનના વાહન મૂષકમામાના હાથમાં રાઇફલો દર્શાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં ૨૧૫ જેટલી સ્કૂલોનું સંચાલન કટ્ટરપંથી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સંગઠન અને એ જ સંગઠનના ફલાહ-એ-આમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ તમામ શાળાઓનું સંચાલન હવે સરકાર પોતાના હસ્તક લઈ રહી છે. ગઈ કાલે જમ્મુના અનંતનાગની આવી જ એક સ્કૂલમાં સંભવિત ઘર્ષણ રોકવા માટે અગાઉથી પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પટનામાં ભીષણ અકસ્માત, આઠ જણનાં મોત

બિહારના પટના જિલ્લામાં ગઈ કાલે વહેલી સવારે એક ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૬ વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ હતી. નાલંદાથી એક જ ગામના ૧૪ લોકો એક છકડા-રિક્ષામાં બેસીને ગંગાસ્નાન માટે ફતુહા જઈ રહ્યા હતા. રસ્તામાં પૂરપાટ ગતિએ આવતી એક ટ્રેકે રિક્ષાને જોરથી ટક્કર મારી હતી, જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સાત વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિએ હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો.
પાકિસ્તાનમાં ફૅક્ટરીઓ કરતાં મસ્જિદોની સંખ્યા ત્રીસ ગણી વધુ
પાકિસ્તાનના ઇકૉનૉમિક સેન્સસ રિપોર્ટમાં બહાર આવેલા આંકડા ચોંકાવનારા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મસ્જિદો અને મદરેસાઓની સંખ્યા ફૅક્ટરીઓ કરતાં અનેકગણી વધારે છે. પાકિસ્તાનમાં અત્યારે ૬ લાખ કરતાં વધારે મસ્જિદો છે અને ૩૬,૦૦૦ કરતાં વધારે મદરેસાઓ છે. બીજી તરફ ફૅક્ટરીઓની સંખ્યા માત્ર ૨૩,૦૦૦ જેટલી છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના બેલઆઉટ પૅકેજની બીજી સમીક્ષાની વાતો ચાલી રહી છે.
સાળંગપુરના હનુમાન મંદિરમાં ૧૦૦૦ કિલો ચૉકલેટનો અન્નકૂટ

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે હનુમાનદાદાને ૧૦૦૦ કિલો ચૉકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને જુદી-જુદી જાતની ચૉકલેટોથી સુશોભન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હનુમાનદાદાના ભક્તો દર્શન કરવા ઊમટ્યા હતા. દર્શનાર્થીઓ ચૉકલેટનો અન્નકૂટ અને સુશોભન જોઈને અચરજ પામી ગયા હતા.
આને કહેવાય ખાડા

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે રસ્તામાં ખાડા પડ્યા છે કે ખાડા વચ્ચે થોડોઘણો રસ્તો છે એ સમજાય નહીં. રાજકોટ શહેર પાસેના વિસ્તારમાં પણ એક બાઇકર આવી જ મૂંઝવણ અનુભવી રહ્યો છે. આ ભાઈ બિચારા ખાડાઓની વચ્ચેથી રસ્તો શોધવો મુશ્કેલ હોવાથી ખાડાઓની ઊછળકૂદમાં ઈજાગ્રસ્ત થયા વગર બાઇક ચલાવવા મથી રહ્યા છે.


