સળિયો નીચેથી પસાર થઈ રહેલા ૨૩ વર્ષના યુવાનને વાગતાં તેને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
તસવીર: સૈયદ સમીર અબેદી
મુલુંડના LBS રોડ પર મેટ્રોના સ્લૅબનો ટુકડો પડવાથી એક જણનું મોત થવાની ઘટના તાજી છે ત્યાં વરલી-શિવડી કનેક્ટર પરથી સળિયો નીચે પડવાની ઘટના બહાર આવી છે. એ સળિયો નીચેથી પસાર થઈ રહેલા ૨૩ વર્ષના યુવાનને વાગતાં તેને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
૫.૯ કિલો વજનનું બાળક જન્મ્યું, ત્રણ મહિનાના બાળક જેવું કદ
ADVERTISEMENT
અમેરિકાના ન્યુ યૉર્કમાં એક ભારેખમ બાળકનો જન્મ થયો હતો જેનાથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ન્યુ યૉર્કના કાયુગા મેડિકલ સેન્ટરમાં ૩૧ જાન્યુઆરીએ થયેલી એક ડિલિવરીમાં આ જાયન્ટ બેબી જન્મ્યું હતું. જન્મ સમયે જ તેનું વજન ૫.૯ કિલો હતું. આ વજન સામાન્ય બાળકના વજન કરતાં લગભગ બમણું છે. તેને જન્મ આપનારી મહિલા ટૅરિકા અને પતિ શૉનને લાગતું હતું કે તેમનું બાળક થોડું ભારેખમ હોઈ શકે છે, પરંતુ આટલું ભારે બાળક હશે એનો અંદાજ નહોતો. બાળકનું વજન ૩ મહિનાના સામાન્ય બાળક જેટલું છે અને તેને પહેરાવવાનાં કપડાં પણ છ મહિનાનાં બાળકોની સાઇઝનાં લાવવાં પડે છે. હૉસ્પિટલે થોડા સમય પહેલાં જ એક ફોટો શૅર કર્યો છે જેમાં એ જ દિવસે હૉસ્પિટલમાં જન્મેલા બીજા બાળકની સાથે આ જાયન્ટ બેબીને પણ સુવડાવવામાં આવ્યું છે. નૉર્મલ બેબીનું વજન ૧.૮ કિલો છે. આ તસવીર ખૂબ વાઇરલ થઈ ગઈ છે.
બોટ્સ્વાનાથી ૯ ચિત્તા આવી ગયા
ગઈ કાલે સવારે બોટ્સ્વાનાથી આવેલા ૬ માદા અને ૩ નર એમ કુલ નવ ચિત્તા મધ્ય પ્રદેશના શ્યોપુર પાસે કુનો નૅશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવે ચિત્તાઓને જંગલમાં છોડ્યા હતા. હવે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા ૪૮ થઈ ગઈ છે. નવા આવેલા ચિત્તાઓને શરૂઆતમાં છ અઠવાડિયાં માટે અલગ વાડામાં પ્રાણીનિષ્ણાતોની નિગરાનીમાં રાખવામાં આવશે.
ફૅક્ટરીમાં બ્લાસ્ટ : ૨૧નાં મોત, ૮ લોકો ગંભીર ઘાયલ
આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક નાનકડા ગામમાં શનિવારે ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટે આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને ધ્રુજાવી નાખ્યો હતો. વિસ્ફોટ પછી ફાટી નીકળેલી આગમાં ૨૧ લોકો જીવતા ભૂંજાયા હતા. ગામની બહાર આ ફૅક્ટરી હોવાથી આગમાંથી લોકોને બચાવવાની કામગીરીમાં પણ મોડું થઈ ગયું હતું. પોલીસે કહ્યું હતું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે ફૅક્ટરીમાં કામ કરતા લોકોની લાશો આસપાસનાં ખેતરોમાં જઈને પડી હતી. આસપાસના વિસ્તારોમાં વિખેરાયેલી લાશોને એકઠી કરવા માટે પોલીસે ડ્રોનનો સહારો લીધો હતો.
૫૦૦૦ લોકોએ બનાવી મેક્સિકોના ધ્વજની જર્સી

ડ્રગ્સ માટે કુખ્યાત મેક્સિકોમાં ફુટબૉલ પણ ખૂબ લોકપ્રિય રમત છે. શુક્રવારે મેક્સિકોમાં એક ફુટબૉલ ગ્રાઉન્ડમાં ૫૦૦૦થી વધુ લોકો એકઠા થયા હતા. તેમણે મેક્સિકોના ફ્લૅગના કલર્સ વાપરીને એક મોટી જર્સીનો શેપ બનાવ્યો હતો. ૫૦૦૦ લોકાએ ભેગા મળીને ત્રણ રંગોના ફ્લૅગવાળી જર્સી બનાવીને લાર્જેસ્ટ ફ્લૅગ જર્સીનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મેક્સિકોના નામે કર્યો હતો.
હવે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં શરદ પવારને દાખલ કરવામાં આવ્યા
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારને ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં માઇલ્ડ ડીહાઇડ્રેશનને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને આરામ કરવા જણાવ્યું છે અને ઉંમરને કારણે હવે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે એટલે લોકો સાથે મળવાનું પણ ઓછું કરવા જણાવ્યું છે. તેમની તબિયત બગડી હોવાની જાણ થતાં જ મુંબઈના પાલક પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલાર તેમની ખબર કાઢવા બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને ડૉક્ટરો સાથે વાતચીત પણ કરી હતી. તાજેતરના સમયમાં તેમને ત્રીજી વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આજે વેસ્ટર્ન રેલવેમાં જમ્બો અને સેન્ટ્રલમાં મેગા બ્લૉક
મેઇન્ટેનન્સના કામ માટે વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટ અને બાંદરા વચ્ચે આવતી અને જતી એમ બન્ને તરફની સ્લો લાઇન પર રવિવારે સવારના ૧૦.૩૫ વાગ્યાથી બપોરના ૩.૩૦ સુધી જમ્બો બ્લૉક રાખવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. એથી કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવશે. ચર્ચગેટ જતી કેટલીક ટ્રેનોને બાંદરા અથવા દાદર પર ટર્મિનેટ કરવામાં આવશે અને ત્યાંથી જ પાછી બોરીવલી તરફ છોડવામાં આવશે. સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૦.૫૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. હાર્બર લાઇનમાં સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૪.૧૦ વાગ્યા સુધી કુર્લાથી વાશી દરમ્યાન બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન CSMTથી કુર્લા અને વાશીથી પનવેલ ટ્રેનો દોડશે.
આજે ઘાટકોપરમાં શ્રી બૉમ્બે કંઠી ભાટિયા મહાજન દ્વારા હોળીના રસિયાનું આયોજન
શ્રી બૉમ્બે કંઠી ભાટિયા મહાજન દ્વારા આજે ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર આવેલી વીરજી મદનજી વાડીમાં ઠાકોરજીને અતિપ્રિય એવા હોળીના રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાટિયા જ્ઞાતિના જાણીતા જયેશ આશર તથા સાથી કલાકારો ‘હોળી કે રસિયા’ કાર્યક્રમ પ્રસ્તુત કરશે. સાંજે ૫.૩૦ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં મહાજન દ્વારા સમસ્ત ભાટિયા વૈષ્ણવજનોને તથા સમાજની પરણેલી દીકરીઆને સહપરિવાર ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમ બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ST બસ માટે રાજ્ય સરકારે કાર્ડ બહાર પાડ્યાં, એક જ અઠવાડિયામાં એક લાખ રજિસ્ટ્રેશન થયાં
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જે રીતે મુંબઈમાં બેસ્ટ દ્વારા ‘ચલો’ ઍપ શરૂ કરવામાં આવી છે એવું જ દેશભરમાં ચાલી શકે એવું નૅશનલ મોબાઇલ કૉમન મૉબિલિટી કાર્ડ (NMCM) સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસના પ્રવાસીઓ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. એક જ અઠવાડિયામાં એને અભૂતપૂર્વ રિસ્પૉન્સ મળ્યો છે અને એક લાખ જેટલા લોકોએ એ કાર્ડ રજિસ્ટર કરાવ્યું છે. આમ હવે ST પણ ડિજિટલ બની રહી છે એમ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. આ કાર્ડ દેશભરમાં મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ માટે વાપરી શકાય છે. MSRTC દ્વારા કહેવાયું છે કે જ્યાં સુધી કન્સેશન મેળવતા પૅસેન્જરોમાંથી ૮૦ ટકા જેટલા પૅસેન્જર રજિસ્ટર નથી થતા ત્યાં સુધી આ કાર્ડને ફરજિયાત નહીં બનાવાય.
