Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: આજે અને આવતી કાલે આઝાદ મેદાનમાં રામનવમીએ ડ્રોન-શો

ન્યૂઝ શોર્ટમાં: આજે અને આવતી કાલે આઝાદ મેદાનમાં રામનવમીએ ડ્રોન-શો

Published : 26 March, 2026 08:25 AM | Modified : 26 March, 2026 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામનવમીમાં ભગવાન રામનાં પ્રતીકો અને રામાયણનાં દૃશ્યો ડ્રોન દ્વારા દર્શાવાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રામનવમી નિમિત્તે આઝાદ મેદાનમાં ડ્રોન દ્વારા શોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેટ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૬ અને ૨૭ માર્ચે સાંજે ૭ વાગ્યાથી આઝાદ મેદાનમાં ૨૦૦૦ ડ્રોન સાથે ડ્રોન-શો યોજાશે. ગુઢીપાડવા દરમ્યાન મરીન ડ્રાઇવ નજીક યોજાયેલા ડ્રોન-શોમાં બનાવેલી ગુઢીની જેમ રામનવમીમાં ભગવાન રામનાં પ્રતીકો અને રામાયણનાં દૃશ્યો ડ્રોન દ્વારા દર્શાવાશે.

ફેરી ટર્મિનલ પર પૅસેન્જર બસ નદીમાં પડી, પચીસથી વધુ મુસાફરોનાં મોતની આશંકા



ગઈ કાલે સાંજે બંગલાદેશમાં રાજવાડીમાં એક ફેરી ટર્મિનલ પર ૪૦થી ૫૦ મુસાફરોને લઈને જઈ રહેલી પૅસેન્જર બસ પદમા નદીમાં પડી ગઈ હતી. ઢાકા જઈ રહેલી બસ એક ફેરીમાં ચડી રહી હતી ત્યારે બેકાબૂ થઈ જતાં માથાભેર નદીમાં પડી ગઈ હતી. બસ ૩૦ ફુટ ઊંડી નદીમાં ડૂબી ગઈ હોવાથી બસમાંના પૅસેન્જરોને બચાવવાનું કામ પણ અઘરું બની ગયું હતું. સાંજે લગભગ સવાપાંચ વાગ્યે થયેલા આ અકસ્માત પછી લગભગ દસેક લોકો તરીને કિનારે આવી ગયા હતા, પરંતુ મોટા ભાગના લોકો બસની અંદર જ કલાકો સુધી ફસાયેલા રહ્યા હોવાથી તેમનું બચાવકામ મુશ્કેલ થઈ ગયું હતું. મોડી રાત સુધી ખૂબ થોડા મુસાફરોને બચાવી શકાયા હતા, ૩ શબ કાઢવામાં સફળતા મળી હતી અને પચીસ જેટલા લોકો મિસિંગ હોવાથી તેમના બચવાની શક્યતા લગભગ નહીંવત્ છે.


ભિવંડીમાં ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી

ભિવંડીના દહિસર મોરી વિસ્તારમાં આવેલી ગરીબનવાઝ ગલીમાં એક ACના અને પ્લાસ્ટિકનો ભંગાર સામાન રાખવામાં આવેલા ગોડાઉનમાં મંગળવારે રાતે આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ મળતાં જ તાત્કાલિક સ્થાનિક ફાયર-બ્રિગેડ તથા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર સામાન, ખાસ કરીને ઍર-કન્ડિશનરના જૂના ભાગો અને પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી પરંતુ સમયસર કાર્યવાહી થતાં આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.


કંડલા સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનમાં લાગી ભીષણ આગ

ગઈ કાલે કચ્છના કંડલા સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક ફૅક્ટરીની આગ આસપાસની ફૅક્ટરીઓમાં પણ ફેલાવા લાગતાં સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. મોડી રાત સુધી આગને કાબૂમાં લેવા માટે ફાયર-બ્રિગેડની ગાડીઓ કામે લાગી હતી. કોઈ જાનહાનિની પુષ્ટિ નહોતી થઈ, પરંતુ ઇન્ડસ્ટ્રિયલ ઝોનને ભારે નુકસાન થયું હતું. 

છેલ્લા નક્સલી કમાન્ડર પાપારાવે કર્યું સરેન્ડર, બસ્તર થયું નક્સલવાદમુક્ત

છત્તીસગઢના બસ્તર‌ વિસ્તારમાં ફેલાયેલા નક્સલવાદને લગભગ નાબૂદ કરતી ઐતિહાસિક ક્ષણ ગઈ કાલે જોવા મળી હતી. છત્તીસગઢના ગૃહપ્રધાન વિજય શર્મા સામે નક્સલી કમાન્ડર પાપારાવે ૧૮ સાથીઓ સાથે સરેન્ડર કર્યું હતું. વિજય શર્માએ કહ્યું હતું કે ‘આ સાથે બસ્તર વિસ્તારમાંથી લાલ આંતકનો પૂરી રીતે ખાતમો થઈ ગયો છે. હવે આપણે સમયસીમાની અંદર નક્સલવાદથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકીશું.’

આર. જી. કર હૉસ્પિટલમાં બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી ડૉક્ટરનાં મમ્મીને BJPએ આપી ટિકિટ

BJPએ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી. એમાં કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં બળાત્કાર પછી હત્યાનો ભોગ બનેલી ટ્રેઇની ડૉક્ટર યુવતીનાં મમ્મી રત્ના દેબનાથને પાનીહાટી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. રત્ના દેબનાથે તો પહેલાં જ જાહેર કરી દીધું હતું કે તે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે કમળના નિશાન સાથે ચૂંટણીના મેદાનમાં ઊતરવાની છે. ગઈ કાલે BJPની ત્રીજી યાદીમાં એ વાત પાકી થઈ ગઈ હતી. આ યાદીમાં સેવાનિવૃત્ત NSG કમાન્ડો અને સીક્રેટ એજન્ટ દીપંજન ચક્રવર્તી પણ છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK