બિલ્ડિંગમાં પેટ ડૉગ રાખવા બાબતની ચિંતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મલાડ-વેસ્ટના લિબર્ટી ગાર્ડન નજીક આવેલા શેઠ આઇરીન ટાવર નામના હાઇરાઇઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગની લિફ્ટમાં એક પાળેલા કૂતરાએ લિફ્ટમાં હાજર ૩ નાની બાળકીઓ પર અચાનક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એને કારણે બિલ્ડિંગમાં પેટ ડૉગ રાખવા બાબતની ચિંતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં મહિલા પોતાના કૂતરા સાથે લિફ્ટમાં પ્રવેશે છે અને દરવાજો બંધ થતાં જ કૂતરો હિંસક બનીને બાળકીઓ તરફ ધસે છે. જોકે કૂતરાની ઓનરે એને સમયસર ખેંચીને કાબૂમાં લઈ લીધો હોવાથી કોઈ બાળકીને ઈજા થઈ નહોતી. આ વિશે પોલીસ-સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ વિડિયો વાઇરલ થતાં અનેક રેસિડેન્શિયલ સોસાયટીના લોકોએ આવી ઘટનાઓ રોકવા માટેની ચર્ચા શરૂ કરી હતી.
ADVERTISEMENT
પોલીસે આઝાદ મેદાનમાંથી કૉક્રૉચને ઉપાડી-ઉપાડીને ડબ્બામાં બંધ કર્યા

દિલ્હીના જંતરમંતર પર સોનમ વાંગચુકને ગઈ કાલે પોલીસે ટીંગાટોળી કરીને હૉસ્પિટલમાં પહોંચાડ્યા એના વિરોધમાં મુંબઈના આઝાદ મેદાનમાં તેમના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલી કૉક્રૉચ જનતા પાર્ટીના સમર્થકોએ આક્રમક થઈ જોરદાર નારાબાજી કરીને વાતાવરણ ગજવી મૂકતાં પોલીસે ઍક્શન લીધી હતી અને ઉશ્કેરાયેલા કાર્યકરોને ઉપાડી-ઉપાડીને પોલીસની વૅનમાં બેસાડીને પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી. તસવીરો : સૈયદ સમીર અબેદી
ડોમ્બિવલી સ્ટેશનનો સ્પેશ્યલ પ્રવાસી જુઓ, ટિકિટબારી પર ફેણ ચડાવીને બેઠો નાગ

ડોમ્બિવલી રેલવે-સ્ટેશન પર ટિકિટબારી પાસે ગઈ કાલે સવારે અચાનક એક મોટો નાગ ફેણ ફેલાવીને બેસી જતાં મુસાફરો અને રેલવે-સ્ટાફમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગયાં હતાં. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ રેલવેના કર્મચારીઓએ તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે આખો વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને મુસાફરોને ત્યાંથી બહાર ખસેડ્યા હતા જેને કારણે થોડો સમય સ્ટેશન પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લીધે ટિકિટ-વિતરણની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. ત્યાર બાદ તાકીદે સર્પમિત્રોને જાણ કરવામાં આવતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નાગને સુરક્ષિત રેસ્ક્યુ કર્યો હતો.
સેન્ટ્રલ રેલવેમાં વિદ્યાવિહાર અને થાણે વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઇનમાં આજે બ્લૉક
સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇનમાં વિદ્યાવિહાર અને થાણે વચ્ચે આજે સવારે આઠથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી પાંચમી અને છઠ્ઠી લાઇનમાં બ્લૉક રહેશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન ડાઉન મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોને વિદ્યાવિહાર ખાતે ડાઉન ફાસ્ટ લાઇનમાં ડાઇવર્ટ કરવામાં આવશે અને પછી થાણેથી પાંચમી લાઇનમાં ડાઇવર્ટ કરવામાં આવશે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં થાણે અને વાશી/નેરુળ વચ્ચે સવારે ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી અપ અને ડાઉન લાઇનો પર મેગા બ્લૉક લેવામાં આવશે. વેસ્ટર્ન લાઇનમાં આજે દિવસ દરમ્યાન બ્લૉક રહેશે નહીં.
પ્રદૂષણ ઘટાડવા માથેરાનની હેરિટેજ ટ્રેનમાં હાઇડ્રોજન એન્જિન લગાડવાની વિચારણા
હરિયાણાના જીંદ અને સોનિપત વચ્ચે દોડેલી પહેલી હાઇડ્રોજન ટ્રેન બાદ હવે નેરળથી માથેરાન વચ્ચે દોડતી નૅરોગેજ હેરિટેજ ટ્રેનને પણ હાઇડ્રોજન ફ્યુઅલ પર દોડાવવાની વિચારણા ચાલી રહી છે. માથેરાનના પહાડી વિસ્તારમાં દોડતી એ ટ્રેન હાલ ડીઝલ પર ચાલે છે. એથી એને ઇલેક્ટ્રિક બૅટરી અથવા હાઇડ્રોજનમાં તબદીલ કરી શકાય એવી શક્યતા છે. વળી એ માટે એના પરંપરાગત સ્ટીમ એન્જિનના લુકમાં પણ ફેરફાર કરવો નહીં પડે એમ જણાવતાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘હાઇડ્રોજન ફ્યુઅલ જ્યારે બળે છે ત્યારે વાતાવરણને નુકસાન પહોંચાડે એવો કાર્બન ડાયોકસાઇડ નથી ઉત્સર્જિત કરતો, પણ પાણી અને વરાળનું ઉત્સર્જન કરે છે. એથી એ પર્યાવરણ-ફ્રેન્ડ્લી ફ્યુઅલ ગણાય છે.’
