સાન્તાક્રુઝની બે સ્કૂલના ટીચરો સામે કાર્યવાહી; શિક્ષકોએ કહ્યું કે તનાવ અસહ્ય છે
પ્રતીકાત્મક તસવીર
મતદારયાદીની ચકાસણી માટે હાથ ધરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા અંતર્ગત બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકેની સરકારી ફરજ પર હાજર ન રહેવા બદલ સાંતાક્રુઝ-ઈસ્ટની બે કૉન્વેન્ટ સ્કૂલના ૧૧ શિક્ષકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિના વિસ્તાર હેઠળ આવતા વિધાનસભા મતવિસ્તાર નંબર ૧૭૫ના અસિસ્ટન્ટ ઇલેક્ટરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO) બંડુ રાઉત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આ કાયદાકીય કાર્યવાહી થઈ છે.
ચૂંટણી-અધિકારીના જણાવ્યા અનુસાર ૭ જુલાઈએ આ શિક્ષકોને સમન્સ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કોઈ પણ શિક્ષકે અેનો જવાબ આપ્યો નહોતો.
એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણી કાર્ડની કામગીરી સંબંધિત સત્તાવાર ફરજના ભંગ બદલ આ શિક્ષકો વિરુદ્ધ રિપ્રેઝેન્ટેશન ઑફ ધ પીપલ અૅક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ તમામ ટીચર્સને નોટિસ પાઠવીને તેમનાં નિવેદનો નોંધવામાં આવશે.’
બીજી તરફ ટીચર્સ અસોસિઅેશનનું કહેવું છે કે ‘બિન-શૈક્ષણિક સરકારી કામગીરીના કારણે તેમના પર કામનું અસહ્ય દબાણ અને તનાવ ઊભો થાય છે જેના લીધે બાળકોના શિક્ષણ પર પણ અસર થાય છે.’
