થાણે રાસ રંગમાં જલસો પડી જાય એવા રાસગરબા માટે તૈયાર થઈ જાઓ
Navratri
હનીફ - અસલમ, ઇસ્માઇલ દરબાર
વેસ્ટર્ન સબર્બ્સમાં અનેક મોટા કલાકારો સામે સેન્ટ્રલ સબર્બ્સમાં ‘ઢોલી તારો ઢોલ’ ફેમ ઇસ્માઇલ દરબાર ટક્કર લેશે : એમસીએચઆઇના જિતેન્દ્ર મહેતા દ્વારા આયોજિત રાસ રંગ નવરાત્રિમાં દરબાર સાથે હશે જબરદસ્ત બેલડી હનીફ-અસલમ : આ વર્ષે નૈતિક નાગડાના ઢોલ પર થીરકવું હશે તો ડોમ્બિવલી જવું પડશે
બોરીવલી સહિતનાં વેસ્ટર્ન સબર્બ્સમાં આ વખતે ફાલ્ગુની પાઠક, કિંજલ દવે, ગીતા રબારી, ઐશ્વર્યા મજમુદાર, ભૂમિ ત્રિવેદી, પ્રીતિ-પિન્કી, નીલેશ ઠક્કર અને તુષાર સોનિગ્રા જેવાં ધુરંધરો રાસરસિયાઓને નવરાત્રિમાં નચાવશે. અત્યાર સુધી લાગતું હતું કે નવરાત્રિમાં આ વખતે વેસ્ટર્ન સબર્બ્સ છવાઈ જશે. જોકે જાણવા મળ્યું છે કે સેન્ટ્રલ સર્બ્બ થાણેમાં એક મોટા ગજાનું નામ નવરાિત્રની તૈયારી કરી રહ્યું છે. રાસગરબા અને ઢોલનો પાંત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને આ ક્ષેત્રના કોહિનૂર ગણાતા ઇસ્માઇલ દરબાર આ વખતે થાણેમાં રાસ રંગ નવરાત્રિમાં ધૂમ મચાવવાના છે. એથી હવે વેસ્ટર્નની સાથે સેન્ટ્રલ સબર્બ્સના રાસરસિયાઓને પણ નવરાત્રિમાં જલસો પડી જવાનો છે. આ સાથે જ મહત્ત્વની વાત એ છે કે ઇસ્માઇલ દરબાર સાથે ઢોલકિંગ બેલડી હનીફ-અસલમ પણ છે જેને કારણે ઘાટકોપરથી કલ્યાણ સુધીના ગુજરાતીઓને જલસો પડી જાય એમ છે.
ADVERTISEMENT
નવરાત્રિના આયોજનનો પચીસ વર્ષનો અનુભવ ધરાવતા અને એમસીએચઆઇના પ્રમુખ જિતેન્દ્ર મહેતા છેલ્લાં પાંચ વર્ષથી થાણેમાં રાસ રંગ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે. સેન્ટ્રલ સબર્બ્સમાં મુલુંડને બાદ કરતાં આ એકમાત્ર પ્રોફેશનલ નવરાત્રિનું આયોજન આ વર્ષે થઈ રહ્યું છે. આની સામે વેસ્ટર્ન સબર્બ્સના બોરીવલીમાં ૬, અંધેરી તેમ જ મીરા ભાઈંદરમાં ૧-૧ નવરાત્રિનાં આયોજન થવાનાં છે. રાસ રંગ નવરાત્રિમાં ઢોલી ફેમ નૈતિક નાગડાનું મ્યુઝિક-ગ્રુપ પાંચ વર્ષથી લોકોને રાસગરબા રમાડી રહ્યું છે, પણ આ વર્ષે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સાંસદ-પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેએ ડોમ્બિવલીની નવરાત્રિ માટે નૈતિક નાગડાની માગણી કરતાં જિતેન્દ્ર મહેતા તેમને ના નહોતા પાડી શક્યા.
આયોજક જિતેન્દ્ર મહેતા
નૈતિક નાગડાની જગ્યાએ આ વખતે બૉલીવુડના વિખ્યાત મ્યુઝિક-ડિરેક્ટર અને સિંગર ઇસ્માઇલ દરબારને જો મુંબઈમાં પહેલી વખત નવરાત્રિ કરવા માટે મનાવી શકાય તો સોને પે સુહાગા થઈ જાય એવા વિચારથી જિતેન્દ્ર મહેતા અને તેમની ટીમે બે દિવસ પહેલાં ઇસ્માઇલ દરબારની મુલાકાત લીધી હતી. ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સુપરહિટ સૉન્ગ ‘ઢોલી તારો ઢોલ બાજે’ના રચયિતા ઇસ્માઇલ દરબાર સામાન્ય રીતે કોઈને જલદી કોઈ કાર્યક્રમ માટે હા નથી પાડતા, પણ તેમણે આ વખતે થાણેની રાસ રંગ નવરાત્રિ માટે હા પાડી દીધી હતી. આથી મુંબઈમાં આ વખતે સૌથી મોટી નવરાત્રિ થાણેની રાસ રંગની થવાની છે.
મુખ્ય પ્રધાનની વિનંતી
એમસીએચઆઇના પ્રમુખ અને રાસ રંગ નવરાત્રિના આયોજક જિતેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચ વર્ષથી અમે અહીં નૈતિક નાગડાના ઢોલના સથવારે નવરાત્રિનું આયોજન કરીએ છીએ. આ વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે ડોમ્બિવલીમાં મોટા પાયે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે એટલે તેમણે વિનંતી કરી હતી કે નૈતિક નાગડાને આ વખતે ડોમ્બિવલીમાં જમાવટ કરવા દો. મુખ્ય પ્રધાને સૂચના આપી હતી કે ક્યારેય ન થઈ હોય એવી મોટી નવરાત્રિ થાણેમાં કરો. એટલે અમે બૉલીવુડના આપણા ગુજરાતી મ્યુઝિક-ડિરેક્ટર અને સિંગર તેમ જ કચ્છ કાઠિયાવાડની નવરાત્રિના કોહિનૂર એવા ઇસ્માઇલ દરબારનો સંપર્ક કર્યો હતો. તેમણે નવરાત્રિ માટે હા પાડી દીધી છે એટલે મુંબઈની સૌથી મોટી નવરાત્રિ થાણેની હશે. મને આશા છે કે થાણેકરોની સાથે સેન્ટ્રલ સબર્બ્સના રાસરસિયાઓને આ વખતે નવરાત્રિમાં ખૂબ મજા પડશે. થાણે રાસ રંગ નવરાત્રિ આ વખતે અહીંના મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવી છે. નવરાત્રિમાં નીરવ બારોટ, દિવ્યા કુમાર, ફાલ્ગુની બ્રહ્મભટ્ટ અને રૂપાલી કશ્યપ તેમના સૂરે રસિયાઓને નચાવશે.’
મુંબઈમાં પહેલી વાર
મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવતા મૂળ સુરતના ઇસ્માઇલ દરબાર સુરત અને અમદાવાદમાં ૨૦૦૫ અને ૨૦૦૭માં મોટી નવરાત્રિનું આયોજન કરી ચૂક્યા છે. તેમને મુંબઈ અને વિદેશમાં નવરાત્રિ કરવાનાં અસંખ્ય આમંત્રણ મળ્યાં છે, પરંતુ તેઓ બધાને ના પાડી દે છે. પર્ફેક્શનમાં માનતા ઇસ્માઇલભાઈ જરાય આમતેમ ચલાવી નથી લેતા એટલે તેમનું ફોકસ રૂપિયા કમાવાને બદલે ક્વૉલિટી પર રહે છે. થાણેની રાસ રંગ નવરાત્રિ વિશે ઇસ્માઇલ દરબારે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મુંબઈ સહિત દેશ-વિદેશમાં કે મ્યુઝિકલ વર્લ્ડ ટૂર કરવાની અનેક ઑફર આવે છે, પણ હું જલદીથી હા નથી પાડી શકતો. બે દિવસ પહેલાં કોણ જાણે કેમ થાણેના આયોજકો મારી પાસે આવ્યા ત્યારે તેમની વિનંતીને મેં માન્ય રાખી. મને લાગ્યું કે આ વખતે કંઈક સારું આપવું જોઈએ એટલે મેં તૈયારી શરૂ કરી દીધી છે. લોકોને સારું મ્યુઝિક-બૅન્ડ અને સિંગર મળે એટલે તેઓ ખુશ થઈ જાય છે. મારા મોટા ભાગના આવા કાર્યક્રમમાં મ્યુઝિક-બૅન્ડ હનીફ-અસલમનું જ રહેશે એટલે અહીં પણ તેમનું જ બૅન્ડ હશે. બે દિવસ પહેલાં જ નક્કી થયું છે. સિંગર નીરવ બારોટ, દિવ્યા કુમાર, ફાલ્ગુની બ્રહ્મભટ્ટ અને રૂપાલી કશ્યપને અત્યાર સુધી ફાઇનલ કર્યાં છે. બીજું, મુંબઈમાં વર્ષોથી નવરાત્રિ કરતા કલાકારો સાથે મારી કોઈ સ્પર્ધા નથી. અમે બધા મ્યુઝિકના એક જ ક્ષેત્રમાં છીએ એટલે બધાને લોકો પસંદ કરે છે. મને આશા છે કે થાણે કે આસપાસના મુંબઈગરાઓ અમારી નવરાત્રિને પસંદ કરશે.’
વેસ્ટર્ન મુંબઈમાં ૮ નવરાત્રિ
વેસ્ટર્ન સબર્બ્સના બોરીવલીમાં આવેલી ચીકુવાડીમાં ફાલ્ગુની પાઠક, લિન્ક રોડ પાસેના મેદાનમાં સિંગર ઐશ્વર્યા રાય મજમુદાર, ‘ચાર ચાર બંગડી’વાળા કિંજલ દવે કચ્છી ગ્રાઉન્ડમાં, ‘રામ ચાહે લીલા ચાહે’ ફેમ સિંગર ભૂમિ ત્રિવેદી એસી ડોમમાં, નીલેશ ઠક્કર અને કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં તુષાર સોનિગ્રાની નવરાત્રિનાં આયોજન છે. એ સિવાય અંધેરીમાં બીજેપીના નેતા મુરજી પટેલની નવરાત્રિમાં ગીતા રબારી અને મીરા રોડમાં શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની નવરાત્રિમાં પ્રીતિ-પિન્કી પર્ફોર્મ કરવાનાં છે.
---======---