ફાયર-બ્રિગેડનાં બે ફાયર-એન્જિનના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી, પણ એ પહેલાં તો બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
અંધેરીમાં બસ સળગી ગઈ
નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની ઐરોલીથી અંધેરી રૂટ-નંબર ૧૪૪ પર દોડતી ઇલેક્ટ્રિક બસ ગઈ કાલે સાંજે ૬ વાગ્યે મરોલ ડેપો પાસે પહોંચી ત્યારે એમાં આગ ફાટી નીકળી હતી. બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તરત જ બસ રોડ પર સાઇડમાં પાર્ક કરી દીધી હતી. બસના બધા જ પૅસેન્જરો ડ્રાઇવર અને કન્ડક્ટર સાથે બસની બહાર સુખરૂપ આવી ગયા હતા. એ પછી આખી બસ ભડભડ સળગી ગઈ હતી. ફાયર-બ્રિગેડનાં બે ફાયર-એન્જિનના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી, પણ એ પહેલાં તો બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.
દિવામાં લાગેલી ભીષણ આગમાં ૬ ગોડાઉન બળીને ખાખ
ADVERTISEMENT
દિવાના ચૌધરી કમ્પાઉન્ડના સ્ક્રૅપના એક ગોડાઉનમાં મંગળવારે રાતે ૮.૫૩ વાગ્યે લાગેલી ભીષણ આગ આજુબાજુનાં ગોડાઉનોમાં પણ ફેલાતાં સ્ક્રૅપનાં એક પછી એક કુલ છ ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં. સ્ક્રૅપનાં એ ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં પૂંઠાં અને પ્લાસ્ટિકના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગે ટૂંક સમયમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

