નમ્રરત્નવિજયજી મહારાજસાહેબ સંસારી કાળમાં કાંદિવલી-ઈસ્ટના તેમના પરિવાર સાથે દામોદરવાડીમાં રહેતા હતા
ટ્રકની ટક્કર લાગતાં કચ્ચરઘાણ બનેલી આ કારને લીધે યુવા મુનિ નમ્રરત્નવિજયજી કાળધર્મ પામ્યા હતા
જૈનાચાર્ય શ્રી રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમના સાધુગણ સાથે ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યાની આસપાસ વસઈ રોડ પર આવેલા જૈનોના તીર્થ મહાવીરધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક બેકાબૂ ટ્રકે એક કારને ટક્કર મારી હતી. એ કાર આચાર્ય મહારાજસાહેબના ૨૧ વર્ષના શિષ્ય યુવા મુનિવર શ્રી નમ્રરત્નવિજયજી મહારાજસાહેબને અથડાઈ હતી અને તેઓ કાળધર્મ પામ્યા હતા. મુનિશ્રીએ બુધવારે જ અન્ય સાધુસંતોની સાથે ઉપવાસ કરીને વરસીતપનો પ્રારંભ કર્યો હતો. તેમનો સંયમપર્યાય ૬ વર્ષનો હતો. યુવા મુનિના રોડ-અકસ્માત અને કાળધર્મના સમાચારથી જૈન સમાજના લોકોનાં કાળજાં કંપી ઊઠ્યાં હતાં.
સમગ્ર પરિવાર સંયમજીવનમાં
ADVERTISEMENT
નમ્રરત્નવિજયજી મહારાજસાહેબ સંસારી કાળમાં કાંદિવલી-ઈસ્ટના તેમના પરિવાર સાથે દામોદરવાડીમાં રહેતા હતા. સમગ્ર પરિવારે સાથે સંયમ ગ્રહણ કર્યો હતો. તેમના સંસારી પિતા હવે મુનિ શ્રી શૌર્યરત્નવિજયજી મહારાજસાહેબ, તેમના સંસારી ભાઈ હવે મહારાજ પૂજ્ય મુનિશ્રી ધૈર્યરત્નવિજયજી મહારાજસાહેબ તથા તેમનાં સંસારી માતાશ્રી હવે હિતાર્થચિત્રાશ્રીજી છે. અત્યારે આ બધાં સાધુસાધ્વી શ્રી રાજરત્નશ્રીજી મહારાજસાહેબની નિશ્રામાં સંયમસાધના કરી રહ્યાં છે.
આચાર્ય મહારાજ હતપ્રભ
બાળમુનિના કાળધર્મથી હતપ્રભ થઈ ગયેલા આચાર્ય શ્રી રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વસઈ સુધી પહોંચી ગયા હતા. અમારો હાઇવે પરનો વિહાર પૂરો થયો હતો. ગઈ કાલે હાઇવે પરના વિહારનો છેલ્લો દિવસ હતો. એવા સમયે બાળમુનિનો આ અકસ્માત મારા માટે અત્યંત આઘાતજનક છે. મારા ૩૧ વર્ષના વિહારકાળમાં મેં આવો અકસ્માત જોયો નથી. અમારા પરિવારના કોઈ સાધુ રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા નથી.’
પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર
યુવા મુનિના અકસ્માતના સમાચાર મળતાં જ વસઈ રોડ જૈન સંઘના ઉપાશ્રયમાં મુંબઈ અને એની આસપાસનાં ઉપનગરોમાંથી ભાવિકો સાહેબજીની પાલખીનાં દર્શન કરવા ઊમટી પડ્યા હતા. તેમની પાલખી અને અંતિમયાત્રા ગઈ કાલે વસઈના અંબાડી રોડ પર આવેલા શ્રી વસઈ રોડ જૈન સંઘના ઉપાશ્રયમાંથી સાંજે ૪ વાગ્યે નીકળી હતી જેમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી. તેમના અંતિમ સંસ્કાર વસઈની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.
