ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પરેશાની. બે દિવસ વરસાદની સક્રિયતા ઓછી રહેશે, પણ ૧૧ જુલાઈથી પાછું જોર વધવાનો વરતારો.
ચૂનાભઠ્ઠી સ્ટેશન
મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમાં ખાસ કરીને મુંબઈ અને એની આસપાસ આવેલા રાયગડ, સિંધુદુર્ગ, રત્નાગિરિ, પુણે અને સાતારાનો સમાવેશ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અને ખાનગી હવામાનશાસ્ત્રીઓ ૯ જુલાઈથી વરસાદનું જોર ઓછું થવાની ધારણા રાખે છે, પણ ૧૧ જુલાઈ બાદ ફરી વરસાદનું જોર વધશે એવી આગાહી કરે છે.
આ મુદ્દે હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વરસાદની આગાહી છે, પણ એની તીવ્રતા રવિવારની રાતે થયેલા વરસાદ જેવી નહીં હોય. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં યલો અલર્ટ (કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ) અને સિંધુદુર્ગ, રત્નાગિરિ, પુણે અને સાતારામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને કારણે ઑરેન્જ-અલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો એના સામનો કરવા માટે થાણે, વસઈ, મહાડ, ચિપલૂણ, કોલ્હાપુર, સાંગલી, સાતારા, ઘાટકોપર, કુર્લા અને સિંધુદુર્ગમાં નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમોને તહેનાત કરવામાં આવી છે. આ સિવાય અંધેરી અને નાગપુરમાં પણ ટીમો તહેનાત છે.
ADVERTISEMENT
વિલે પાર્લે-ઈસ્ટનો એક અન્ડરપાસ અને અંધેરી સબવે પાસે એક બસ પાણીમાં ગરકાવ
એક પૉપ્યુલર વેધર-બ્લૉગર રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે ‘આ વરસાદની આગાહી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એજન્સીએ કરી નહોતી. ચોમાસું હાલમાં છેક ઉત્તર ભારતમાં હિમાલયમાં પોઝિશન થયું છે જેને કારણે મધ્ય અને પેનિન્સુલાર ભારતમાં ઓછો વરસાદ થાય. આવી પરિસ્થિતિ આશરે ચાર દિવસ રહે છે અને પછી એ દક્ષિણ તરફ આગળ વધે છે. જોકે ૭ જુલાઈની સાંજે એ અણધારી રીતે મધ્ય ભારત તરફ વળી ગયું જેને કારણે વેસ્ટ-કોસ્ટ પર, ખાસ કરીને મહારાષ્ટ્રના કોંકણ વિભાગમાં ભારે વરસાદ થયો. હવે બે દિવસ વરસાદની સક્રિયતા ઓછી રહેશે અને ફરી એ સક્રિય થશે.`
બીજી તરફ પ્રાઇવેટ વેધર ફોરકાસ્ટિંગ એજન્સી સ્કાયમેટે જણાવ્યું હતું કે `કોંકણ અને ગોવા વિસ્તારમાં દરિયાના લેવલથી ૫.૪ કિલોમીટર ઊંચે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ થયો હતો. ગોવામાં ૩૬૧ મિલીમીટર (MM), હરનાઈમાં ૧૭૨ MM, રત્નાગિરિમાં ૭૪ MM વરસાદ નોંધાયો હતો. આ સિસ્ટમ સક્રિય છે અને આગામી બે-ત્રણ દિવસ સુધી દક્ષિણ કોંકણ, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં આવો જ વરસાદ ચાલુ રહેશે. મુંબઈ અને ઉપનગરોમાં ક્યારેક ભારે અને ક્યારેક અતિભારે વરસાદની આગાહી છે. ૧૧ જુલાઈ બાદ વરસાદનું જોર વધશે.

