રાત્રે ૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી આભ ફાટ્યું શહેર પર : રસ્તાઓ પર ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં, ટ્રાફિક જૅમ થઈ ગયો, લોકલના ધાંધિયા, ફ્લાઇટો કૅન્સલ
અંધેરી સબવે જળબંબાકાર
રવિવારે રાત્રે જ્યારે મુંબઈગરાઓ સૂવા માટે ગયા હતા ત્યારે તેમને કે વેધશાળાના અધિકારીઓને પણ નહોતી ખબર કે સવાર સુધીમાં મુંબઈ જળબંબાકાર થઈ જવાનું છે, કારણ કે તેમણે મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. મધરાત બાદ એક વાગ્યાથી વરસાદે એવી બૅટિંગ કરી કે સવારના સાત વાગ્યા સુધીમાં તો મુંબઈમાં ૩૧૫ મિલીમીટર (MM) વરસાદ પડી ગયો. પરિણામે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને લોકોને અઠવાડિયાના પહેલા દિવસે કામ પર જવાનું મુશ્કેલીભર્યું થઈ ગયું હતું.
જોકે બપોર સુધીમાં બધું રાબેતા મુજબ થઈ ગયું હતું. ત્રણેય લાઇન પર લોકલ ટ્રેન પણ શરૂ થઈ ગઈ હતી જે સવારના મોડી ચાલતી હતી અથવા તો બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ સાંજથી ફરી એક વાર વરસાદે જોર પકડ્યું હતું અને અમુક નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું.
ADVERTISEMENT
વેધશાળાએ બપોર પછી ગઈ કાલની આગાહી યલોમાંથી અપગ્રેડ કરીને રેડ કરી નાખી હતી જે આજે સવારે સાડાઆઠ વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ વેધર બ્યુરો મુજબ મુંબઈમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
ગઈ કાલે વરસાદની સાથે સમસ્યાઓએ પણ માથું ઊંચક્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવું, પવન ફૂંકાતાં ઝાડ પડવાં, ટ્રૅક પર પાણી ફરી વળતાં ટ્રેનો બંધ થઈ જવી, લાઇટના ધાંધિયા, રસ્તા પર ખાડા પડવા વગેરે સમસ્યાઓ જોવા મળી હતી.
સ્કૂલ-કૉલેજોમાં રજા
રાતભર પડેલા વરસાદના કારણે સવારે સ્કૂલ-કૉલેજ જતા સ્ટુડન્ટ્સ પાણી ભરાવાના કારણે કે પછી બસ-ટ્રેન સમયસર ન આવતાં મુશ્કેલીમાં મુકાઈ શકે એવું લાગતાં સવારના સેશનની ઘણી સ્કૂલ-કૉલેજોમાં રજા આપી દેવાઈ હતી. જોકે વરસાદ ધીમો-ધીમો સવારના પણ ચાલુ રહ્યો હતો અને વચ્ચે-વચ્ચે ઝાંપટાં પણ પડી રહ્યાં હતાં એથી મોડેથી બપોરના સેશનની પણ સ્કૂલો બંધ રહેશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.
મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી
ભારે વરસાદના કારણે મુંબઈ યુનિવર્સિટીએ એની સેન્ટર ફૉર ડિસ્ટન્સ ઍન્ડ ઑપન એજ્યુકેશનની સોમવારે સવારે ૧૧.૦૦થી ૨.૦૦ વાગ્યા દરમ્યાન નિર્ધારિત થયેલી પરીક્ષા મુલતવી રાખી હતી. હવે એ પરીક્ષા ૧૩ જુલાઈએ એ જ સમય અને એ જ સ્થળે રીશેડ્યુલ્ડ કરાઈ છે.
૫૧ ફ્લાઇટ કૅન્સલ
મુંબઈમાં ભારે વરસાદને લીધે વિઝિબિલિટી ઓછી થવાથી અને જોરદાર પવન ફૂંકાવાને કારણે રવિવાર રાતથી જ એની અસર ઍર ટ્રાફિક પર પડવા માંડી હતી. મુંબઈ આવતી અને જતી કુલ ૫૧ ફ્લાઇટ કૅન્સલ કરાઈ હતી. જ્યારે અન્ય શહેરોથી મુંબઈ આવવા નીકળી ગયેલી ફ્લાઇટને અમદાવાદ, ઇન્દોર, હૈદરાબાદ એમ ડાઇવર્ટ કરવામાં આવી હતી. રવિવારે મધરાત બાદ ૨.૨૨થી લઈને ૩.૪૦ સુધી રનવે પર ટૅક ઑફ અને લૅન્ડિંગ રોકી દેવાયાં હતાં. ઍરલાઇન્સ દ્વારા એ બાબતની માહિતી પ્રવાસીઓને આપવામાં આવી હતી.
ગેટવે પર સાવચેતીનાં પગલાં
રાતે જોરદાર વરસાદ પડ્યા પછી સવારના સમયે વરસાદ થોડો ધીમો પડ્યો હતો. જોકે ફરી એક વાર બપોરે સાઉથ મુંબઈમાં વરસાદનાં ઝાંપટાં પડવા શરૂ થયાં હતાં. જોકે ગઈ કાલે બપોરે જ ૪.૪ મીટર ઊંચાં મોજાં ઊછળે એવી ભરતી હતી એ જ વખતે વરસાદ ચાલુ થતાં BMC અને પોલીસે સાવચેતીનાં પગલાં લીધાં હતાં. પોલીસે ગેટવે ઑફ ઇન્ડિયા પર વરસાદની મજા લેવા આવતા સહેલાણીઓને રોકી દીધા હતા. દોરીથી બૅરિકેડ્સ બનાવી તેમને દરિયાથી દૂર જ રોકી દેવામાં આવતા હતા. એટલું જ નહીં, મેગાફોન પર પણ પોલીસ દ્વારા સહેલાણીઓને દરિયાથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
પવઈ તળાવ ઓવરફ્લો
પવઈ તળાવ રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદના કારણે પરોઢિયે ૪.૪૫ વાગ્યે ઓવરફ્લૉ થઈ ગયું હતું. ૫૪૫ મિલ્યન લીટરની કૅપેસિટી ધરાવતા આ તળાવના પાણીનો ઉપયોગ માત્ર ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે કરવામાં આવે છે.
પાણીસંગ્રહની ટાંકીઓ અને માઇક્રો ટનલે જળબંબાકાર થતા બચાવ્યા : એકનાથ શિંદે
મુંબઈમાં રવિવારે રાતે ૭ કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવા છતાં મુંબઈ જળબંબાકાર ન થયું હોવાનું ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું. વરસાદથી મુંબઈની સ્થિતિ જાણવા માટે મુખ્ય પ્રધાન ગઈ કાલે બપોર બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કન્ટ્રોલરૂમ પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ મુખ્ય પ્રધાને પ્રેસ-કૉન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈમાં સામાન્ય રીતે ૬૫ મિલીલીટર વરસાદ પડે તો પણ અતિવૃષ્ટિ ઊભી થાય છે, જ્યારે રવિવાર રાતથી આજે સવાર સુધીમાં ૩૦૦ મિલીલીટર જેટલો વરસાદ પડ્યો હતો છતાં અમુક જગ્યાને બાદ કરતાં મોટા ભાગે પાણી ભરાવાની સમસ્યા નહોતી થઈ. રેલવેલાઇનની નીચેની માઇક્રો ટનલ તેમ જ BMCએ હિન્દમાતા અને ગાંધી માર્કેટ પાસે પાણીના સંગ્રહ કરવા માટે બનાવેલી ટાંકીઓ ઉપયોગી બની છે. મુંબઈમાં BMC, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત રીતે ૫૦૦૦ જગ્યાએ કન્ટ્રોલરૂમથી નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદમાં પણ પાણી ન ભરાય એ માટે ૭ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવ્યાં છે. દરિયામાં ભરતી હોય છે ત્યારે વરસાદના પાણીને પમ્પ દ્વારા નદીમાં છોડવામાં આવે છે.’
૧૯૧૬
જો મુંબઈગરાને કોઈ પણ મદદની જરૂર હોય તો તે આ નંબર પર BMCનો સંપર્ક કરી શકે છે.


