મુંબઈ ભલે મેટ્રો સિટી હોય અને પૉશ એરિયામાં સારી વ્યવસ્થા જોવા મળે, પણ હજીયે અમુક એવા એરિયા છે જ્યાં સિગ્નલ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ચાલુ હોય ત્યાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે. સિગ્નલ હોય તો પણ એને તોડવામાં આવે છે.
જિતુભાઈ મકવાણા
મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા નવી વાત નથી. મૅનેજમેન્ટને સુધારવાના અઢળક પ્રયાસો થયા હોવા છતાં આજે મુંબઈના લોકો ટ્રાફિક જૅમમાં ફસાઈ જ જાય છે. મુંબઈ ભલે મેટ્રો સિટી હોય અને પૉશ એરિયામાં સારી વ્યવસ્થા જોવા મળે, પણ હજીયે અમુક એવા એરિયા છે જ્યાં સિગ્નલ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ચાલુ હોય ત્યાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે. સિગ્નલ હોય તો પણ એને તોડવામાં આવે છે. આમાં અકસ્માત થવાના ચાન્સ વધી જાય છે. ટ્રાફિક હવાલદાર અને પોલીસ હોવા છતાં એના પર ધ્યાન આપતા નથી. હાઇવે પર ઘણી વાર આ બેદરકારી જોવા મળતી હોય છે. નેતાઓ વિકાસનાં આશ્વાસન આપે છે એ પણ અંતે પ્રભાવી હોતાં નથી. તેથી આ મુદ્દે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવું જરૂરી છે. ઘણી વાર ટ્રાફિક-પોલીસ ઊભા પણ હોય તો વસૂલી કરવા. મુંબઈમાં એવા કેટલાક સ્પૉટ્સ છે જ્યાં ટ્રાફિક-પોલીસ વાહનનો ફોટો પાડીને નાની-મોટી ભૂલ દેખાડીને દંડ વસૂલ કરતા હોય છે. આ વાત આમ તો સારી છે પણ તેઓ જે ઇન્ટેન્શનથી ઊભા હોય છે એ ખોટું છે. નિયમો બધાં જ સિગ્નલ પર સરખા બનાવ્યા છે તો દરેક મોટા સિગ્નલ પર એકસરખી જ કાર્યવાહી થવી જોઈએ. ટ્રાફિક-પોલીસની ભૂમિકા માત્ર દંડ વસૂલવા પૂરતી સીમિત ન રહેતાં ટ્રાફિક-મૅનેજમેન્ટ પર કેન્દ્રિત હોવી જોઈએ. ટેક્નૉલૉલોજીના આ યુગમાં જ્યારે આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ ત્યારે દરેક જંક્શન પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત સેન્સર-સિસ્ટમ હોવી અનિવાર્ય છે, જે વાહનોની સંખ્યા મુજબ સિગ્નલનો સમય આપોઆપ નક્કી કરી શકે. આનાથી મૅન્યુઅલ ભૂલો અને પોલીસ દ્વારા થતી બેદરકારીમાં ઘટાડો થશે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી એટલી મજબૂત બનાવવી જોઈએ કે લોકો પોતાનાં ખાનગી વાહનો છોડીને સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતા થાય. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત કરીએ તો રસ્તા પર થતાં ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગ સામે કડક પગલાં લેવામાં આવે. હજી પણ રસ્તામાં ડબલ પાર્કિંગ થાય છે, જેને લીધે ટ્રાફિકની સમસ્યા વકરતી હોય છે. ઘણી વાર ફુટપાથ પર દબાણ હોવાને કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવું પડે છે, જે ટ્રાફિકનું કારણ બને છે. કાયદા ગમેતેટલા કડક હોય, પણ જ્યાં સુધી મુંબઈના નાગરિકોમાં ટ્રાફિક સેન્સ અને નૈતિક જવાબદારીનો ઉદય નહીં થાય ત્યાં સુધી આ ટ્રાફિક જૅમ રહેવાનો જ છે.


