બોગસ દસ્તાવેજો પર લંડન ગયો હતો રિન્કલ પટેલ, ઉતરાણ ઊજવવા પાછો આવ્યો ત્યારે મુંબઈ ઍરપોર્ટ પર પકડાઈ ગયો
પ્રતીકાત્મક તસવીર
વિદેશ જવાની ઘેલછા અને ત્યાં સ્થાયી થવા માટે ખોટા રસ્તા અપનાવવાના વધુ એક કિસ્સાનો મુંબઈ ઍરપોર્ટ પર પર્દાફાશ થયો છે. મકરસંક્રાન્તિના તહેવાર નિમિત્તે લંડનથી પોતાના વતન સુરત આવી રહેલા ૪૨ વર્ષના રિન્કલ પટેલને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે શનિવારે મોડી રાતે બોગસ દસ્તાવેજો સાથે પકડી પાડ્યો હતો. એને પગલે ઇમિગ્રેશન અધિકારીઓની ફરિયાદના આધારે તેની સામે સહાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તેને અટકાયતમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે હવે મુખ્ય સૂત્રધાર એવા એજન્ટ મોહમ્મદ શેખ અને આ રૅકેટમાં સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે. તહેવારની ખુશી મનાવવા આવેલો યુવાન જેલના સળિયા પાછળ ધકેલાઈ જતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કઈ રીતે ભાંડો ફૂટ્યો?
સહાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ સુરતનો રિન્કલ પટેલ શનિવારે મોડી રાત્રે લંડનથી મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યો હતો. મકરસંક્રાન્તિ હોવાથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા સુરત જવા માગતો હતો. જોકે મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગની નિયમિત તપાસ દરમ્યાન તેનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો શંકાસ્પદ જણાયા હતા. આ તમામની ઝીણવટભરી તપાસ કરતાં દસ્તાવેજો બોગસ હોવાનું સામે આવ્યું હતું. બોગસ પાસપોર્ટ ૨૦૧૭માં બનાવ્યો હોવાની વિગતો બહાર આવી છે. આરોપી રિન્કલે ૨૦૧૭માં મોહમ્મદ શેખ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો અને મોટી રકમ આપીને બોગસ ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. આ જ બોગસ દસ્તાવેજોના આધારે તે લંડન પહોંચી ગયો હતો અને છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાં જ નોકરી કરતો હોવાની કબૂલાત રિન્કલે કરી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’


