BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણી માટે ૧૪૦ PADU મશીન ઉપલબ્ધ છે.`
BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ PADU વિશે પ્રેસ-કૉન્ફરન્સમાં માહિતી આપી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં ટેક્નિકલ ખામી સર્જાય તો મતગણતરીને સરળ બનાવવા માટે પહેલી વાર પ્રિન્ટિંગ ઑક્ઝિલરી ડિસ્પ્લે યુનિટ્સ (PADU)નો ઉપયોગ કરવામાં આવશે.
BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણી માટે ૧૪૦ PADU મશીન ઉપલબ્ધ છે. બૅન્ગલોરસ્થિત ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (BEL) તરફથી બૅકઅપ યુનિટ તરીકે PADU યુનિટ મગાવવામાં આવ્યાં છે. EVM યુનિટની જેમ આ પણ રિટર્નિંગ અધિકારીઓ પાસે રહેશે અને ફક્ત ઇમર્જન્સીમાં જ એનો ઉપયોગ કરવામાં આવશે.’
ADVERTISEMENT
PADU કન્ટ્રોલ યુનિટની એક પ્રકારની પ્રતિકૃતિ છે અને જો કોઈ કારણોસર કન્ટ્રોલ યુનિટનું ડિસ્પ્લે ન ચાલે તો એનો ઉપયોગ કરવામાં આવશે. BEL દ્વારા જ વિકસાવવામાં આવેલા M3A EVMનો ઉપયોગ BMCની ચૂંટણીમાં થશે.
EVM પર નોંધાયેલા મતોની ગણતરી કન્ટ્રોલ યુનિટને બૅલટ યુનિટ સાથે જોડીને કરવામાં આવે છે. જો બે યુનિટ કનેક્ટ થયા પછી પણ ગણતરી દરમ્યાન ટેક્નિકલ મુશ્કેલીઓ ઊભી થાય તો ગણતરી-પ્રક્રિયા પૂરી કરવા માટે PADUનો ઉપયોગ કરવામાં આવશે.
મત આપવા જાઓ ત્યારે મોબાઇલ સાથે ન રાખો તો સારું : BMC કમિશનર
BMCએ સોમવારે મુંબઈવાસીઓને ૧૫ જાન્યુઆરીએ મતદાનના દિવસે મતદાનમથકો પર મોબાઇલ ફોન ન લઈ જવાની અપીલ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ પાસે મોબાઇલ ફોન હોય તો તેણે એને સ્વિચ્ડ-ઑફ રાખવો જોઈએ એમ BMCના કમિશનરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણીપંચ તરફથી આવા નિર્દેશ મળ્યા નથી, પરંતુ મોબાઇલ સાથે ન રાખો એવું સૂચન છે.


