શંકા પરથી રિક્ષાને આંતરી અને નવજાત શિશુનો જીવ બચાવી લેવાયો
પાર્કસાઇટ પોલીસની ટીમ બાળકી સાથે.
ભાંડુપ-વેસ્ટના પી. એન. રોડ પર રહેતો ૨૫ વર્ષનો દશરથ શિવશરણ શનિવારે રાતે માસી સાથેના ગેરકાયદે સંબંધથી જન્મેલી બાળકીને પવઈમાં ઠેકાણે લગાવવા રિક્ષામાં જઈ રહ્યો હતો એ સમયે કાંજુરમાર્ગના ગાંધીનગર નજીક બંદોબસ્ત માટે ઊભેલા પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના અધિકારીની સતર્ક ટીમને શંકા આવતાં રિક્ષા રોકાવીને વધુ તપાસ કરી ત્યારે ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે તાત્કાલિક બાળકીને પોતાના તાબામાં લઈ તેની મમ્મી સુધી પહોંચીને વધુ ઇલાજ માટે બન્નેને રાજાવાડી હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં હતાં. આ ઘટનાને ગંભીરતાથી લઈને રવિવારે પાર્કસાઇટ પોલીસે દશરથ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દશરથનાં લગ્ન પણ એક મહિના પહેલાં થયાં હોવાથી તેને પણ આ બાળકી જોઈતી ન હોવાથી તેને ઠેકાણે લગાડવાનો પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય છે.
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે આ ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે ૯ વાગ્યાની આસપાસ ગાંધીનગરમાં પેટ્રોલ-પમ્પ નજીક અમારી ટીમ બંદોબસ્ત માટે ઊભી હતી એ સમયે નજીકમાંથી પસાર થયેલી રિક્ષાની પાછળની બાજુમાં કપડાથી લપેટેલી કોઈ ચીજ દેખાઈ હતી. એના પર શંકા આવતાં અધિકારીઓએ રિક્ષાની પાછળ જઈ રિક્ષા ઊભી રખાવીને તપાસ કરી હતી. એ સમયે રિક્ષામાં બેસેલા યુવાનને હાંફળો-ફાંફળો થતો જોઈને તેના પર અમને શંકા વધી હતી. અમારી ટીમે પાછળ તપાસ કરતાં કપડામાં એક નવજાત જીવતી બાળકી લપેટીને રાખેલી મળી આવી હતી. બાળકી અંગે પૂછપરછ કરતાં યુવાને યોગ્ય જવાબ આપ્યો નહોતો એટલે અમારી ટીમે બાળકીને તાબામાં લઈને ઇલાજ માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવી હતી. ત્યાર બાદ યુવાનને પોલીસ-સ્ટેશન પર લાવીને વધુ તપાસ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેનો તેની ૩૫ વર્ષની માસી સાથે છેલ્લાં બે વર્ષથી સંબંધ હતો. એમાં તેની માસી પ્રેગ્નન્ટ થઈ જતાં શનિવારે સાંજે તેને પેટમાં દુખાવો ઊપડ્યો હતો એટલે તાત્કાલિક તેની માસીએ યુવાનને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. સમાજના ડરથી યુવાને પોતે જ ડિલિવરી કરી હતી એટલું જ નહીં, બાળકીની નાળ પણ તેણે ચાકુથી કાપી હતી. બન્નેને બાળકી જોઈતી ન હોવાથી તેને ઠેકાણે પાડવા માટે પવઈ લઈ જઈ રહ્યો હતો ત્યારે તે પોલીસને હાથ લાગ્યો હતો. આ માહિતીના આધારે અમે ભાંડુપમાં રહેતી તેની માસી સુધી પહોંચ્યા હતા જેને પાછળથી રાજાવાડી હૉસ્પિટલમાં તેની બાળકી પાસે લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી દશરથ બાળકીને ઠેકાણે લગાડવા જઈ રહ્યો હતો જેમાં ૯૯ ટકા એવી શક્યતા હતી કે બાળકીનું મૃત્યુ થાત. એ જોતાં અમે દશરથ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપી દશરથ શિવશરણનાં એક મહિના પહેલાં લગ્ન થયાં છે. તેની માસીનાં હજી લગ્ન થયાં નથી. બન્ને આજુબાજુના વિસ્તારમાં રહેતાં હોવાથી એકબીજા સાથે અટૅચમેન્ટ થયું હોવાની માહિતી અમને મળી છે.


