Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ વર્ષની આ ગુજરાતી ગર્લ ૮ પુસ્તકોની લેખિકા છે

૧૪ વર્ષની આ ગુજરાતી ગર્લ ૮ પુસ્તકોની લેખિકા છે

Published : 20 July, 2026 11:51 AM | Modified : 20 July, 2026 11:52 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક ટીનેજર દ્વારા એકસાથે પ્રકાશિત થયેલાં ૬ અંગ્રેજી પુસ્તકો બદલ વૃત્તિ અવિચલનું નામ એશિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નોંધાયું; વૃત્તિએ ૮ પુસ્તકોમાંથી આ ૬ પુસ્તકો ૨૦૨૫ના ક્રિસમસના વેકેશનનો સદુપયોગ કરીને લખ્યાં હતાં અને ૨૦૨૬ની ૧૮ એપ્રિલે એકસાથે પબ્લિશ કર્યાં

વૃત્તિ અવિચલ

People Live

વૃત્તિ અવિચલ


૧૪ વર્ષના બાળક પાસેથી સમાજને શું અપેક્ષા હોય? તે વ્યવસ્થિત ભણી લે, માતા-પિતાના કહ્યામાં હોય અને મોટું થઈને દેશ માટે કંઈ કરે. પણ આજની જનરેશન આ અપેક્ષાઓથી ઘણે પરે છે. તેઓ ભરપૂર ટૅલન્ટથી છલકાય છે, કંઈક બનવા માટે તેમણે મોટા થવાની રાહ જોવાની જરૂર નથી. તેમનાં વિચારો અને કાર્યો થકી તે નાની ઉંમરે જ મોટાં-મોટાં કામ કરવા લાગ્યાં છે. વાલકેશ્વરમાં રહેતી ૧૪ વર્ષની વૃત્તિ અવિચલ હાલમાં વિલા થેરેસા હાઈ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે. આ ઉંમરે તે ૮ પુસ્તકો લખી ચૂકી છે જે બધાં જ પ્રકાશિત થઈ ચૂક્યાં છે અને તેના નામે એક ટીનેજર દ્વારા એક જ દિવસમાં ૬ જેટલાં અંગ્રેજી પુસ્તકો પબ્લિશ થવાનો રેકૉર્ડ એશિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાપિત થયો છે.

નાનપણથી પુસ્તકોની શોખીન વૈષ્ણવ પરિવારની દીકરી વૃત્તિ એક સંવેદનશીલ બાળક તરીકે ઊછરી. રાત્રે સૂતી વખતે પુસ્તક વાંચતાં-વાંચતાં સૂવાનો એક સાધારણ નિયમ કઈ રીતે આ બાળકીની અંદરના લેખકને જાગૃત કરી ગયો એ તો ન કહી શકાય, પણ સાતમા ધોરણના વેકેશનમાં તેને અચાનક લાગ્યું કે ચાલ, હું એક વાર્તા લખું. પુસ્તકોની વચ્ચે સદંતર સુખ પામતી વૃત્તિને શબ્દભંડોળ, લખવાની કળા કે કોઈ પણ વાતને કહેવાની યોગ્ય રીત શીખવી પડે એવું તો હતું નહીં, પણ છતાં કોઈ વાર્તા માટે જરૂરી સંવેદનાનો સ્રોત ક્યાંથી પ્રગટ્યો? એ પ્રશ્નનો જવાબ આપતાં વૃત્તિ કહે છે, ‘મારી સ્કૂલની બહાર રમતા છોકરાઓ સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેઓ અનાથ છે. અનાથ હોવું શું છે એ વિશે મેં થોડો વિચાર કર્યો. માતા-પિતા વગરનું જીવન કેટલી મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે એ હું અનુભવી શકી. એ અનુભવ એટલો સ્ટ્રૉન્ગ હતો કે મને લાગ્યું કે આના વિશે મારે લખવું છે. એટલે મેં મારી પહેલી વાર્તા ઘડી જેનું નામ છે એરાબેલાઝ જર્ની ફ્રૉમ શૅડો ટુ સનશાઇન.’



સાતમાનું વેકેશન પત્યું અને પછી સ્કૂલ શરૂ થઈ ત્યારે શિક્ષકો વર્ષોથી જે સવાલ પૂછે છે એ છે - વેકેશનમાં શું કર્યું? આ પ્રશ્નના જવાબમાં વૃત્તિએ કહ્યું, ‘મેં એક વાર્તા લખી છે.’ શિક્ષકે કહ્યું, ‘તું લેતી આવજે. મારે વાંચવી છે.’ શિક્ષકે આ વાર્તા વાંચી અને તેમને પોતાના વિદ્યાર્થી માટે માન થઈ આવ્યું. તેમણે વૃત્તિની મમ્મીનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે તમારી દીકરીએ ખૂબ જ સરસ વાર્તા લખી છે, એનું પુસ્તક બની શકે છે, તમે એ દિશામાં વિચારો.


વૃત્તિનાં મમ્મી ધ્વનિ અવિચલ કહે છે, ‘અમે આ બાબતે તપાસ ચાલુ કરી. મારા ઘરમાં કોઈ લેખક નથી. હું શિક્ષક છું. વૃત્તિના પિતા પ્રેમ અવિચલ ક્રિમિનલ લૉયર છે. પણ બાળક કશું સારું કરે તો તેણે કરેલા કામની કદર તો અમારે કરવી જ જોઈએ એમ વિચારીને અમે તપાસ આદરી. પ્રકાશકો સેલ્ફ-પબ્લિશ્ડ પુસ્તકો છાપે છે. એટલે અમે એ નક્કી કર્યું અને તેનું પહેલું પુસ્તક ૨૦૨૪માં બહાર પાડ્યું.’

વૃત્તિનાં બીજાં પુસ્તકો વિશે વાત કરતાં ધ્વનિ કહે છે, ‘૨૦૨૫ના ક્રિસમસ વેકેશનમાં વૃત્તિએ બીજાં ૬ પુસ્તકો લખ્યાં. એકસાથે આટલાં પુસ્તકો કેવી રીતે લખી શકાય એ કોઈ પણની સમજની બહાર હોઈ શકે, પરંતુ વૃત્તિ અમને કહેતી કે તેના મગજમાં એટલા બધા વિચારો દોડી રહ્યા છે કે તેને લખવા જરૂરી છે. તેના વિષયો આપણો દેશ, એની સંસ્કૃતિ, સમાજ માટે કાર્યરત લોકો, માનવતા અને સહિષ્ણુતા પર આધારિત છે. મને એક મા તરીકે ગર્વ છે કે મારી દીકરી દેશ બાબતે આટલું વિચારે છે. તે પહેલેથી સંવેદનશીલ છોકરી છે, પણ તેનાં સંવેદનો ઘણાં પરિપક્વ છે. આટલું નાનું બાળક માનવસંવેદનોની આટલી ઊંડી સમજ ધરાવે છે એ જ મારા માટે એક મોટી બાબત છે. ઘરના બધા જ લોકોને વૃત્તિ પર ગર્વ છે.’


એ પુસ્તક પછી ‘​બ્રિબુક્સ’ પ્રકાશન તરફથી એક સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં એ પ્રકાશકે જ વૃત્તિનું પુસ્તક ‘ધ લિવિંગ સિમ્ફની’ પ્રકાશિત કર્યું. એ પછી કૉમનવેલ્થ તરફથી એક નિબંધસ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં ૫૬ દેશોનાં લગભગ ૫૩,૪૩૪ બાળકોએ ભાગ લીધો હતો. ૨૦૨૫ની આ ક્વીન્સ કૉમનવેલ્થ નિબંધસ્પર્ધામાં વૃત્તિને સિલ્વર મેડલ મળ્યો હતો. તેનું કોઈ પુસ્તક વાંચીને તેના કોઈ વાચકે તેને ટેડ-ઍક્સ જેવા પ્લૅટફૉર્મ પર જવા માટે તેની ભલામણ કરી હતી. એટલે ટેડ-ઍક્સની યુથ@પામ રોડ નામની શાખા પરથી વૃત્તિ માટે સામેથી ફોન આવેલો. વૃત્તિએ ૨૦૨૪માં ‘ડેર ટુ ડ્રીમ બિગ’ વિષય પર ૭ મિનિટની સ્પીચ આપી હતી, જે યુટ્યુબ થકી દુનિયાભરમાં પહોંચી. લેખન અને વક્તવ્ય સિવાય વૃત્તિ ભણવામાં હોશિયાર છે. કળામાં તેને રસ છે. આર્ટ-એક્ઝિબિશન્સમાં ભાગ લે છે. આર્ટ, ડીબેટ, મોનો ઍક્ટિંગ, પૉડકાસ્ટ કૉમ્પિટિશન બધામાં તે આગળ રહે છે. એટલું જ નહીં, થ્રોબૉલ જેવી રમતમાં તે રાજ્યસ્તર સુધી રમવા ગઈ છે અને ૨૦૨૪માં તેણે એમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

એક પુસ્તક સમાજને ઘણું બધું આપીને જાય છે એમ કહેવાય છે તો તારાં પુસ્તકો સમાજને શું આપશે? એ લખવા પાછળ કોઈ ખાસ ઉદ્દેશ ખરો? જવાબ આપતાં વૃત્તિ અવિચલ કહે છે, ‘મારો ઉદ્દેશ્ય એ છે કે મારાં પુસ્તકોમાંથી માનવતા, સમાનતા, શાંતિ અને આશાનો ભાવ છલકાય છે; મને લાગે છે કે આ ભાવ લોકો સુધી પહોંચશે. મારાં પુસ્તકો જે પણ વાચકો સુધી પહોંચે તે આ વાર્તાઓ વાંચીને કરુણાસભર, જાગૃત અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત થાય તો એ જ મારા પુસ્તકની ખરી સફળતા ગણાશે.’

દરેક બાળકને પુછાતા ટિપિકલ પ્રશ્ન ‘મોટા થઈને શું બનવું છે’નો જવાબ વૃત્તિ અલગ રીતે આપે છે અને કહે છે, ‘ઘણાં બધાં ફીલ્ડ છે અને ઘણું બધું કરવા માટે છે એટલે અત્યારે મને નથી ખબર કે હું ભવિષ્યમાં શું બનીશ, પણ એટલી ખબર છે કે એવું કંઈક કરવાનું છે જેનાથી આપણે દેશને કામ લાગી શકીએ. આ ધરતીને એક ‘બેટર પ્લેસ’ બનાવી શકીએ. માનવતાની સેવા કરી શકીએ.’

વૃત્તિ અવિચલનાં પુસ્તકો

ક્રમ

પુસ્તકનું નામ

પ્રકાશન વર્ષ

સારાંશ

1.

ઍરાબેલાસ જર્ની : ફ્રૉમ શૅડો ટુ સનશાઇન

2024

એક અનાથ બાળકીની પ્રેરણાદાયી વાર્તા જે હિંમત, આશા અને દૃઢ સંકલ્પ દ્વારા મુશ્કેલીઓ પર વિજય મેળવે છે.

2.

ધ લિવિંગ સિમ્ફની

2025

આ પુસ્તક આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ, એકતા અને વિવિધતાની ઉજવણી કરે છે.

3.

લાઇટ આફ્ટર શૅડોઝ

2026

આ પુસ્તકમાં ભારતના જાણીતા ન હોય એવા ૨૦ હીરોઝનાં દૃષ્ટાંતો છે; જેમની હિંમત, કરુણા અને ખંતે લોકોનાં જીવન બદલી નાખ્યાં.

4.

ધ યલો લાઇન

2026

આઝાદી પહેલાંના ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ નવલકથા અસ્પૃશ્યતા અને જ્ઞાતિ આધારિત ભેદભાવથી પ્રભાવિત લોકો દ્વારા વેઠવી પડતી મુશ્કેલીઓ અને સંઘર્ષને દર્શાવે છે.

5.

ધ વિલેજ ટુ વર્ડિક્ટ

2026

આ નવલકથા એક એવા છોકરાની આસપાસ ફરે છે જે ખામીયુક્ત ન્યાયપ્રણાલીની કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરે છે અને એ સમયસર ન્યાય મળવાના મહત્ત્વને દર્શાવે છે.

6.

ધ ડાર્કેસ્ટ ચૅપ્ટર

2026

આ નવલકથા ૨૬/૧૧ના મુંબઈ હુમલા પર આધારિત છે. એ મુંબઈની હિંમત, સ્થિતિસ્થાપકતા અને અદમ્ય જુસ્સાને એક અંજલિ છે.

7.

વેન ધ વૅલી બ્રોક હાર્ટ્‍સ

2026

આ નવલકથા પુલવામા હુમલા પર આધારિત છે અને આતંકવાદ સામાન્ય જીવનને કેવી રીતે અસર કરે છે એ દર્શાવે છે.

8.

ડિવાઇડેડ બાય ડિઝાઇન

2026

ભારતના ભાગલા પર આધારિત એક ભાવનાત્મક વાર્તા, જે દર્શાવે છે કે એનાથી સામાન્ય પરિવારો કેવી રીતે પ્રભાવિત થયા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 11:52 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK