Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકીને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા બાઇકરને રાજસ્થાનમાંથી ઝડપ્યો પોલીસે

ન્યૂઝ શોર્ટમાં: જોગેશ્વરીમાં બાળકીને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા બાઇકરને રાજસ્થાનમાંથી ઝડપ્યો પોલીસે

Published : 21 July, 2026 07:28 AM | Modified : 21 July, 2026 09:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નંબરપ્લેટ વગરની બાઇક શોધવા ૧૦૦ CCTV કૅમેરાનાં ફુટેજની મદદ લીધી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જોગેશ્વરી-વેસ્ટના એસ. વી. રોડ પર કૅફે આરફા સામે ૧૫ જુલાઈએ સાંજે ખોટી દિશામાં બાઇક ચલાવીને ૯ વર્ષની રેવા પવારને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી સાબિર શેખની આંબોલી પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ ઘટનામાં બાઇક પર નંબર-પ્લેટ ન હોવાથી પોલીસ માટે આરોપીને પકડવો મોટો પડકાર હતો, પરંતુ પોલીસે ટેક્નિકલ તપાસ અને આશરે ૧૦૦થી વધુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ફંફોસીને આરોપીના સગડ મેળવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલી બાળકીને કૂપર હૉસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે. જોકે ડૉક્ટરોએ તેને બે મહિના સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. હાલ આંબોલી પોલીસ મુખ્ય આરોપીને મુંબઈ લાવવાની પ્રક્રિયા કરી રહી છે, જ્યારે બાઇક પાછળ બેઠેલો તેનો અન્ય એક સાથીદાર હજી પણ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

અમેરિકા સાથેની ટ્રેડ-ડીલનો વિરોધ કરવા દિલ્હીમાં દેશભરના ખેડૂતોની આજે મહાપંચાયત



દેશના વિવિધ ભાગોના ખેડૂતો આજે ‘દેશ બચાઓ મોરચા’ના આહ્‍વાન પર દિલ્હીના કિસાન ઘાટ ખાતે મહાપંચાયત કરશે. પ્રસ્તાવિત ભારત-અમેરિકા ટ્રેડ-ડીલને ખેડૂતવિરોધી ગણાવીને તેમનું કહેવું છે કે આ કરાર ખેડૂત સમુદાયના હિતોને નુકસાન પહોંચાડશે અને તેથી એને અમલમાં મૂકવા દેવામાં ના આવે.આ વિરોધ-પ્રદર્શનમાં લગભગ ૫૫૦ ખેડૂતસંગઠનો અને સામાજિક સંગઠનો ભાગ લે એવી ધારણા છે. ખેડૂતનેતાઓનો આરોપ છે કે પ્રસ્તાવિત કરાર સસ્તી આયાતથી સ્પર્ધા વધારીને નાના ખેડૂતો, મજૂરો અને વેપારીઓને પ્રતિકૂળ અસર કરી શકે છે અને જો તેમની ચિંતાઓનું નિરાકરણ નહીં આવે તો તેમણે મોટા રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.આ મહાપંચાયતમાં ભાગ લેવા ગઈ કાલે પંજાબથી ઘણી બસો દિલ્હી માટે રવાના થઈ હતી. 


પેટ્રોલ પછી હવે LPGમાં એથનૉલ મિશ્રણ કરવાની કેન્દ્ર સરકારની તૈયારી

પેટ્રોલમાં એથનૉલના સફળ મિશ્રણ બાદ હવે કેન્દ્ર સરકાર બાયોફ્યુઅલનો ઉપયોગ રસોડા સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની સાથે એથનૉલને મુખ્ય રસોઈ ઈંધણ તરીકે રજૂ કરવા માટે એક પૉલિસી ફ્રેમવર્ક તૈયાર કરી રહ્યું છે. દેશમાં ૨૦ ટકા એથનૉલ-બ્લેન્ડેડ પેટ્રોલ (E20)નો લક્ષ્યાંક પ્રાપ્ત થયા બાદ હવે જરૂરિયાત કરતાં વધુ એથનૉલનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી એનો નવો ઉપયોગ શોધવામાં આવી રહ્યો છે.


ત્રિપુરાના DGPએ ઑફિસમાં આત્મહત્યા કરી લીધી

ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) અનુરાગ ધનખડે સોમવારે રાજ્ય પોલીસ મુખ્યાલય સ્થિત પોતાની ઑફિસમાં જ સર્વિસ પિસ્તોલથી ગોળી મારીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના વતની અને ૧૯૯૪ બૅચના IPS અધિકારી અનુરાગ ધનખડે ૨૦૨૫માં ત્રિપુરાના DGP તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેમણે આ આત્મઘાતી પગલું કયા કારણોસર ભર્યું એ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. 

પશ્ચિમ બંગાળમાં ૧ સપ્ટેમ્બરથી બંગાળીનો ઉપયોગ ફરજિયાત

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યના તમામ સરકારી વિભાગોના કામકાજમાં ૧ સપ્ટેમ્બરથી બંગાળી ભાષાનો સત્તાવાર ઉપયોગ કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. વિધાનસભાના લંબાવેલા બજેટ સત્રના પહેલા દિવસે મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ આ વિશેની મહત્ત્વની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને ગૃહ સમક્ષ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લખાયેલો પત્ર વાંચી સંભળાવ્યો હતો, જેમાં સરકારી વિભાગોમાં બંગાળી ભાષાનો વ્યાપ વધારવા માટે વિશેષ સલાહ આપવામાં આવી હતી.

દહાણુમાં ધોળા દિવસે જ્વેલરી શૉપમાં સશસ્ત્ર લૂંટ: તમંચા બતાવીને સોનું-રોકડ લૂંટ્યા, ફાયરિ‍ંગ કરી લૂંટારાઓ ફરાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ શહેરમાં સોમવારે બપોરે એક સનસનાટીભરી અને હિંસક લૂંટની ઘટના સામે આવી છે. દહાણુના એક ધમધમતા બજાર વિસ્તારમાં આવેલા ન્યુ લક્ષ્મી જ્વેલર્સના શોરૂમમાં ઘૂસીને ત્રણ બુકાનીધારી સશસ્ત્ર લૂંટારાઓએ બંદૂક અને તીક્ષ્ણ હથિયારોના જોરે સોનાના દાગીના અને રોકડ રકમની મોટી લૂંટ ચલાવી હતી. હથિયારોથી સજ્જ આ ત્રણેય બદમાશો ગ્રાહકોથી ભરેલા જ્વેલરી શોરૂમમાં ધસી ગયા હતા અને ત્યાં હાજર કર્મચારીઓ તેમ જ ગ્રાહકો પર પિસ્ટલ તાણીને તેમને બંધક બનાવી લીધા હતા. લૂંટારાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને શોરૂમમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા કોથળામાં ભરી લીધા હતા. લૂંટાયેલા મુદ્દામાલની ચોક્કસ કિંમત હજી સુધી જાણી શકાઈ નથી. લૂંટની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે. લૂંટારાઓ ધોળા દિવસે હવામાં બેફામ ફાયરિંગ કરીને મોટરસાઇકલ પર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

દિલ્હીની હૉસ્પિટલમાં સીલિંગ ફૅન પડ્યા બાદ દરદીનું મોત

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં આવેલી ગુરુ તેગ બહાદુર (GTB) હૉસ્પિટલમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં શનિવારે રાત્રે ઇમર્જન્સી વૉર્ડમાં સારવાર લઈ રહેલા ૪૨ વર્ષના દરદી મોહમ્મદ અકબરના બેડ પર અચાનક સીલિંગ ફૅન પડ્યો હતો. આ દુર્ઘટનાના ત્રણ કલાક પછી દરદીનું મોત થઈ ગયું હતું. હૉસ્પિટલ તંત્રે ફૅન તૂટી પડવાની વાત સ્વીકારી છે પરંતુ દાવો કર્યો છે કે દરદીનું મોત ફૅન પડવાથી નહીં પણ ન્યુમોનિયા અને હાઇપરટેન્શન જેવી અગાઉની ગંભીર બીમારીઓને કારણે થયું છે.

સુપ્રિયા સુળે રાજનાથ સિંહને પગે લાગ્યાં અને અફવાને વેગ મળ્યો

સંસદના મૉન્સૂન સત્ર પહેલાં રવિવારે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક દરમ્યાન નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર) (NCP-SP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનાં ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યાં હતાં. રાજનાથ સિંહ કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડા સાથે જઈ રહ્યા હતા ત્યારે આદરના સંકેત તરીકે સુળેએ સિંહના ચરણ સ્પર્શ કર્યા હતા. 
સુપ્રિયા સુળેએ રાજનાથ સિંહનાં ચરણ સ્પર્શ કર્યાં એને પગલે શરદ પવારનો પક્ષ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)સાથે હાથ મિલાવશે એવી થોડા સમયથી ચાલી રહેલી અફવાને વેગ મળ્યો હતો. 

મુંબઈની સ્પેશ્યલ કોર્ટે ૪૪ સોમાલિયન લૂંટારાઓને ફટકારી આજીવન કેદની સજા: ભારતીય નૌકાદળના ક્રૂ -મેમ્બર્સને બંધક બનાવવા સહિતના ગુના હેઠળ સજા

મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે દરિયાઈ ચાંચિયાગીરી અને અન્ય ગંભીર ગુનાઓના બે અલગ-અલગ કેસમાં ૪૪ જેટલા  સોમાલિયન નાગરિકોને આજીવન કેદની મહત્તમ સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે કોઈ પણ પ્રકારના જોખમ કે ખર્ચની પરવા કર્યા વિના કાનૂની અને આંતરરાષ્ટ્રીય ફરજોનું અક્ષરશઃ પાલન કરવા બદલ ભારતીય નૌકાદળની બહાદુરી અને ત્વરિત કાર્યવાહીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ કેસમાં તમામ ૪૪ આરોપીઓએ (જેમાં એક કેસમાં ૩૫ અને બીજા કેસમાં ૯ આરોપીઓ સામેલ હતા) કોર્ટ સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.  અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે ‘સમુદ્રમાં વહાણનું અપહરણ કરીને ક્રૂ-મેમ્બર્સને બંધક બનાવીને તેમને જીવથી મારી નાખવાનો પ્રયાસ કરવો, તેમને માનવ-ઢાલ તરીકે વાપરવા આ બધી અત્યંત ગંભીર બાબતો છે જેને હળવાશથી લઈ શકાય નહીં.’

મહારાષ્ટ્રમાં DELTA ઍક્ટની સમીક્ષા માટે બેઠક

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે સ્થાવર મિલકતોના બ્લૉકચેઇન આધારિત ટોકનાઇઝેશન માટે એક નવો કાયદો તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ આધુનિક ટેક્નૉલૉજી આધારિત કાયદાથી જમીનની સુષુપ્ત કિંમતને અનલૉક કરી શકાશે અને રાજ્ય માટે આવકના નવા સ્રોત ઊભા કરવામાં મોટી મદદ મળશે. સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે પ્રસ્તાવિત ડિજિટાઇઝેશન અૅન્ડ એક્સચેન્જ ઑફ લૅન્ડ ટોકન ઍસેટ્સ (DELTA) અૅક્ટની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. 

ઍન્ડી બર્નહૅમ બ્રિટનના નવા વડા પ્રધાન બન્યા

લેબર પાર્ટીમાં નિર્વિરોધ પસંદગી થયા બાદ ઍન્ડી બર્નહૅમે બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો છે. રાજકીય દબાણ વચ્ચે કીર સ્ટાર્મરે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ગ્રેટર મૅન્ચેસ્ટરના મેયર રહી ચૂકેલા બર્નહૅમ વિદેશનીતિ અને યુક્રેન મુદ્દે બ્રિટનના વર્તમાન વલણને જાળવી રાખશે. તેમના વડા પ્રધાન બનવાથી ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખાસ કરીને વેપાર, ટેક્નૉલૉજી, હેલ્થકૅર અને શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનવાની ધારણા છે. ૨૦૧૯માં પોતાની ભારત મુલાકાત દરમ્યાન પણ તેમણે બન્ને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારિક સંબંધોને વેગ આપવા પર ખાસ ભાર મૂક્યો હતો.

બ્રિટનની જેલોમાંથી સપ્ટેમ્બરમાં ૨૫૦૦ બળાત્કારીઓને છોડી મુકાશે

બ્રિટનની ઓવરક્રાઉડેડ જેલોની સમસ્યા ઉકેલવા માટે સરકારની યોજના હેઠળ સપ્ટેમ્બર મહિનામાં આશરે ૨,૫૦૦ જેટલા બળાત્કારીઓ અને બાળકોનું શોષણ કરનારા આરોપીઓ સજા પૂરી થાય એ પહેલાં જેલમાંથી મુક્ત થઈ શકે છે. આ ચેતવણી વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીએ આપી છે. મુક્ત થનારા આ ગુનેગારોમાં ૧૫ વર્ષથી જેલની સજા કાપી રહેલા ૧૦૦થી વધુ ગંભીર બળાત્કારીઓનો પણ સમાવેશ થાય છે. સરકારના આયોજન અનુસાર જેલોમાં જગ્યા ખાલી કરવા માટે સપ્ટેમ્બરમાં કુલ ૫૦૦૦ જેટલા કેદીઓને વહેલા મુક્ત કરવામાં આવશે. 

કૉન્ગોમાં ઈબોલાનો મરણાંક ૯૩૦ થયો

કૉન્ગોના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈબોલા વાઇરસના પ્રકોપથી દેશમાં ૯૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પુષ્ટિ થયેલા કેસની સંખ્યા ૨૩૪૪ પર પહોંચી છે. હાલમાં ૭૨૪ દર્દીઓ આઇસોલેશન અને હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK