Mumbai-Pune Expressway Traffic chaos: આજે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોનાવાલા નજીક બ્રિજ મેન્ટેનન્સના કામને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની ગતિ લગભગ થંભી ગઈ હતી, રોષે ભરાયેલા પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો આક્રોશ
તસવીર સૌજન્યઃ મિડ-ડે
આજે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway) પર કલાકો સુધી જામેલા ટ્રાફિકને કારણે વાહનચાલકોને હેરાનગતિ થઈ હતી. લોનાવાલા (Lonavala) આગળ મુંબઈ (Mumbai) તરફ જતી લેનમાં વાહનો અટવાયા હતા.
પુલના સમારકામને કારણે થયો ટ્રાફિક જામ
ADVERTISEMENT
બુધવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ચાલી રહેલા પુલના સમારકામના કામને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જામ (Mumbai-Pune Expressway Traffic chaos)ને લીધે વાહનોની અવરજવર લગભગ થંભી ગઈ હતી. મહારાષ્ટ્ર (Maharashtra)ના સૌથી વ્યસ્ત એક્સપ્રેસવે પૈકીના એક પર ટ્રાફિક જામ થવાને કારણે લોનાવાલા નજીક સેંકડો પ્રવાસીઓ ૩૦ મિનિટથી કે કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા.
લોનાવાલા પાસે પાંચ કિમી લાંબી લાઈનો લાગી
આજે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુંબઈ તરફ જતી લેનમાં લોનાવાલા નજીક ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો, જેના કારણે વાહનચાલકો લગભગ પાંચ કિલોમીટર લાંબા જામમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. લોનાવાલા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની વચ્ચે વાહનો માંડ-માંડ આગળ વધી રહ્યા હતા, જેના લીધે પ્રવાસીઓને ભારે વિલંબનો સામનો કરવો પડ્યો હતો અને તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મુસાફરોને થઈ ભારે હાલાકી
ઘણા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ ટ્રાફિક જામના કારણ વિશે કોઈ સ્પષ્ટ માહિતી વગર અટવાઈ પડ્યા હતા. કેટલાક પ્રવાસીઓનું એવું કહેવું હતું કે, કલાકો સુધી રાહ જોવા છતાં વાહનો સહેજ પણ આગળ વધ્યા નહોતા.
મુસાફરોનું કહેવું છે કે, જેમ જેમ સમય આગળ વધતો ગયો અને પરિસ્થિતિ વણસતી ગઈ તેમ તેમ લોકોનો ગુસ્સો પણ વધતો ગયો. લોનાવાલાના ઘાટ વચ્ચેનો આ સુંદર રસ્તો પ્રવાસીઓ માટે અત્યંત ધીમો અને તણાવપૂર્ણ અનુભવ બની ગયો હતો.
અધિકારીઓએ મંગળવારે આપી હતી ચેતવણી
મંગળવાર, ૨૧ એપ્રિલના રોજ, અધિકારીઓએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જાણ કરી હતી કે, ડોંગરગાંવ/કુસગાંવ (કિમી ૫૮/૫૦૦) (Dongargaon/Kusgaon) નજીક ચાલી રહેલા બ્રિજ મેન્ટેનન્સના કામને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિકમાં કામચલાઉ વિક્ષેપ પડશે. આ સ્થળે શટરિંગ હટાવવાની અને પેઇન્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
૨૩ એપ્રિલે મુંબઈ તરફ જતો ટ્રાફિક બંધ રહેશે
સત્તાવાર એડવાઈઝરી મુજબ, ૨૩ એપ્રિલે બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ વાગ્યા દરમિયાન મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, વાહનોને નેશનલ હાઈવે ૪૮ (National Highway 48) પર કિવલે-દેહુ રોડ-તળેગાંવ (Kiwale-Dehu Road-Talegaon) થઈને ડાયવર્ટ કરવામાં આવશે અને કુસગાંવ ટોલ પ્લાઝા (Kusgaon Toll Plaza)થી ફરી મુંબઈ તરફ વાળવામાં આવશે.
૨૪ એપ્રિલે પુણે તરફ જતો ટ્રાફિક બંધ રહેશે
૨૪ એપ્રિલના રોજ, બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ વાગ્યા દરમિયાન પુણે (Pune) તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે.
આ દરમિયાન અધિકારીઓએ મુસાફરોને ધીરજ રાખવા અને આ રૂટ પર તેમની મુસાફરીનું આયોજન કરતા પહેલા લાઈવ ટ્રાફિક અપડેટ્સ તપાસી લેવા વિનંતી કરી છે.
નોંધનીય છે કે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, જે બંને શહેરોને જોડતો સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, ત્યાં અવારનવાર ટ્રાફિક જામ જોવા મળે છે, ખાસ કરીને પીક અવર્સ અને રજાઓના સમયગાળા દરમિયાન લોનાવાલા નજીક ભારે ભીડ રહે છે.
