Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં સોસાયટીના મૅનેજરે ૩,૩૫,૦૦૦ રૂપિયા પત્નીના અકાઉન્ટમાં કરી લીધા ટ્રાન્સફર?

કાંદિવલીમાં સોસાયટીના મૅનેજરે ૩,૩૫,૦૦૦ રૂપિયા પત્નીના અકાઉન્ટમાં કરી લીધા ટ્રાન્સફર?

30 April, 2024 08:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હીરાનંદાની હેરિટેજની એસ્ટોનિયા સોસાટીએ કરી પોલીસમાં ફરિયાદ, સેક્રેટરી અને ટ્રેઝરરની બનાવટી સહી કરવાનો આરોપ

આરોપી મૅનેજર અજય શાહ.

આરોપી મૅનેજર અજય શાહ.


કાંદિવલી (વેસ્ટ)માં આવેલા હીરાનંદાની હેરિટેજમાં આવેલી એસ્ટોનિયા નામની સોસાયટીના મૅનેજરે કોઈની પણ જાણ બહાર સોસાયટીના ઓછા વપરાતા અકાઉન્ટમાંથી ૩,૩૫,૦૦૦ રૂપિયા પોતાની પત્નીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાની ફરિયાદ સોસાયટીના સેક્રેટરીએ કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં કરી છે. સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી કામ કરતા ૬૩ વર્ષના મૅનેજર અજય શાહે સેક્રેટરી અને ટ્રેઝરરની બોગસ સહી કરીને ૧૪ માર્ચે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) મારફત આ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં લખવામાં આવ્યું છે. 

સોસાયટીના સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના આ અકાઉન્ટમાં જે કૉન્ટૅક્ટ નંબર હતો એ મૅનેજરે પહેલાં બદલાવી નાખ્યો અને ત્યાર બાદ આ કૃત્ય કર્યું જેથી બૅન્કના ટ્રાન્ઝૅક્શનની પદાધિકારીઓને જાણ ન થાય, એવું કહેતાં એસ્ટોનિયા સોસાયટીના સેક્રેટરી હિરેન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે પહેલી ઑક્ટોબરે સોસાયટીએ અજય શાહને મૅનેજર તરીકે નોકરી પર રાખ્યો હતો એથી તેની પાસે બૅન્ક અને સોસાયટીના દસ્તાવેજો તેમ જ બૅન્કની ચેક બુકો પણ હતી. ચોથી એપ્રિલે અમને એક મહિલા દ્વારા માહિતી મળી હતી કે મૅનેજર અજયે સોસાયટીના ચેક પર ખોટી સહીઓ કરી પૈસા ઉપાડી લીધા છે. અમે સ્ટેટ બૅન્કમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ૧૪ માર્ચે RTGS દ્વારા પ્રતિભા અજય શાહ નામની મહિલાના ખાતામાં ૩,૩૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વધુ તપાસ કરતાં અમને ખબર પડી કે આરોપી મૅનેજરે સેક્રેટરી અને ટ્રેઝરરની બનાવટી સહી કરી પૈસા સેરવી લીધા હતા. અમે જ્યારે અજયને આ બાબતે પૂછ્યું ત્યારે તેણે અમને કહ્યું કે પૈસાની જરૂર હોવાથી તેણે આવું પગલું ભર્યું હતું.’



આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી એમ જણાવતાં કાંદિવલી પોલીસ-સ્ટેશનના આ કેસ સાથે સંકળાયેલા એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અજય શાહને અમે નોટિસ આપીને તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે. હવે બહુ જ જલદી આગળની કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK