નિષ્ણાતોએ આવો મત વ્યક્ત કરીને કહ્યું કે મોનોરેલ બંધ કરીને એના વિકલ્પો વિચારવા જોઈએ
ગઈ કાલે વડાલામાં ભક્તિ પાર્ક અને મૈસૂર કૉલોની વચ્ચે અટવાઈ ગયેલી મોનોરેલ. તસવીરઃ કીર્તિ સુર્વે પરાડે
મંગળવારે મોડી સાંજે મોનોરેલમાં થયેલા પાવર-ફેલ્યરને કારણે પાંચસોથી વધુ મુસાફરો અટવાયા હતા. મુસાફરોની આ સંખ્યા મોનોરેલ માટે ચિંતાકારક છે, કારણ કે નિષ્ણાતોના મત મુજબ મોનોરેલની ડિઝાઇન આટલા મુસાફરોના ધસારા માટે બની જ નથી. નિષ્ણાતોએ મુંબઈમાં ચાલતી ભારતની એકમાત્ર મોનોરેલને બંધ કરીને એના મુસાફરો માટે બસ અને મેટ્રોના વિકલ્પો વધારવા જોઈએ એવી સલાહ આપીને ફસાઈ ગયેલા મુસાફરોને વળતર આપવાની માગણી પણ કરી હતી.
ભક્તિપાર્ક અને મૈસૂર કૉલોની સ્ટેશન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે ત્યાંના સ્થાનિકોએ કહ્યું હતું કે જ્યાં આ બનાવ બન્યો ત્યાં છાશવારે કોઈક અકસ્માત સર્જાતો રહે છે. એ જગ્યા પર તીવ્ર વળાંક હોવાને કારણે મોનોરેલના ટ્રેન-સેટ્સ એના પરથી પસાર થતાં અનેક વાર ખોટકાય છે.
ADVERTISEMENT
અધિકારીઓએ પણ કહ્યું હતું કે મોનોરેલની ૧૦૪ મેટ્રિક ટનની ક્ષમતાની સામે એ સમયે ૧૦૯ મેટ્રિક ટન વજન હતું. વધારાના લોડને કારણે કરન્ટ-કલેક્ટર તૂટી ગયું અને પાવર કટ થઈ ગયો હતો. એને કારણે ૫૦૦થી વધુ મુસાફરો ફસાયા હતા અને જે ટ્રેન એને ધક્કો મારવા માટે આવી એ પણ અટવાઈ ગઈ હતી.
ચકાચક દાદરના કાર્યકર ચેતન કાંબલેએ કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ પણ અગાઉ આ વાત કબૂલી છે કે મેટ્રો કે લોકલ ટ્રેનની જેમ મોનોરેલની ડિઝાઇન હાઈ-વૉલ્યુમ લોડ લઈ શકે એવી નથી. MMRDAએ અક્સ્માતનું કારણ વધુ પડતા મુસાફરો હોવાનું જણાવ્યું છે. હાર્બર લાઇન બંધ હોવાને લીધે મુસાફરો મોનોરેલ તરફ વળ્યા હતા અને અચાનક આવી ગયેલા મુસાફરોને સમાવવાની ક્ષમતા મોનોરેલમાં નહોતી એનું મૂળ કારણ એની ડિઝાઇન છે. એટલે કહી શકાય કે મોનોરેલ અકસ્માતને કારણે નહીં, એની ડિઝાઇનને કારણે ફેલ થઈ છે. એ મુંબઈના મુસાફરોના ધસારા માટે બની જ નથી.’


