Mumbai Fire: વહેલી સવારે પાલઘરમાં જેએસડબલ્યુ સ્ટીલના બોઇસર પ્લાન્ટમાં ઓચિંતામાં આગ ફાટી નીકળી હતી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું કન્ફર્મ કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના પાલઘરમાં ફરી એકવાર ભયાવહ આગ લાગવાની ઘટના (Mumbai Fire) સામે આવી છે. આજે વહેલી સવારે પાલઘરમાં જેએસડબલ્યુ સ્ટીલના બોઇસર પ્લાન્ટમાં ઓચિંતામાં આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ હાઇડ્રોલિક ઓઇલ સિસ્ટમમાંથી લાગી હતી. આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને ફાયરવિભાગના અધિકારીઓએ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું કન્ફર્મ કર્યું છે.
આમ, આજે સવારે પાલઘરમાં આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના (Mumbai Fire) બની હતી. JSW સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા વિવેકાનંદ કદમે આ પરિસ્થિતિ અંગે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલસુધી તો ઘટનાસ્થળ પર કોઈ જાનહાનિના અહેવાલ નથી. બોઇસરમાં આવેલી જેએસડબલ્યુ સ્ટીલ સર્વિસને આ ક્ષેત્રના સૌથી મોટા ઔદ્યોગિક એકમોમાંનું એક માનવામાં આવે છે.અહીં આમ અચાનક ભભકી ઊઠેલી આગ ચિંતાનો વિષય છે.
ADVERTISEMENT
જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીમાં લાગેલી આગ (Mumbai Fire) અંગે મીડિયાને સંબોધતાં વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, બોઈસર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીના પીએલટીસીએમ (પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ) પ્લાન્ટમાં હાઇડ્રોલિક ઓઇલ સિસ્ટમમાં સવારે પાંચ વાગ્યે આગ ભભૂકી ઊઠી હતી. જેએસડબલ્યુ સ્ટીલ કંપનીના પરિસરમાં આગ લાગવાની સાથે જ પ્લાન્ટના ઇમરજન્સી પ્રોટોકોલને તાત્કાલિક સક્રિય કરી દેવામાં આવ્યા હતા. થોડી જ મિનિટોમાં બોઇસર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ફાયર બ્રિગેડ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા આ બીના મુદ્દે કહે છે કે, "સવારે ૭.૪૫ વાગ્યે આગ (Mumbai Fire) સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી" તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, "પ્લાન્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક પોલીસ હાલમાં પ્લાન્ટની મિલકતબે કેટલું નુકસાન થયું છે તે અંગે તપાસ કરી રહી છે અને બીજી તરફ ટેકનિકલ ટીમ પણ આગનું ચોક્કસ કારણ શોધી કાઢવા માટે પ્રયાસ કરી રહી છે."
કોસ્ટલ રોડ પર ચાલતી કારમાં ભભૂકી ઊઠી આગ
આજે ગુરુવારે સવારે મુંબઈ કોસ્ટલ રોડ પર પણ એક કારમાં આગ લાગી (Mumbai Fire) હતી. જેના કારણે ટ્રાફિક પોલીસે રસ્તા પર ટ્રાફિકની અવરજવર રોકી દીધી હતી. આ ઘટનાનો અહેવાલ મળ્યાના તરત પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે "કારમાં આગ લાગવાને કારણે કોસ્ટલ રોડ (તાડદેવ) દક્ષિણ તરફ અને ઉત્તર તરફ ટ્રાફિકની અવરજવર બંધ કરવામાં આવી છે" તો, બીજી બાજુ એક ઝડપી ગતિએ ચાલી રહેલી લેમ્બોર્ગિની કાર પણ મુંબઈ કોસ્ટલ રોડના ડિવાઇડર સાથે અથડાઈ હતી. જોકે, કારની અંદર બેઠેલો ડ્રાઈવર સલામત રીતે બહાર નીકળી શક્યો હતો.


