વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે કેસમાં દીપકની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેના વાગળે એસ્ટેટમાં અંબિકાનગરમાં રહેતી ૪૧ વર્ષની સુરેખા ખેડેકરના ઘરમાંથી ૨૪ નવેમ્બરે રાત્રે લાખો રૂપિયાની માલમતા ચોરીને નાસી ગયેલા ૪૫ વર્ષના દીપક વૈશ્યની વાગળે એસ્ટેટ પોલીસે ધરપકડ કરી છે. વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે કેસમાં દીપકની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે. દિવસના સમયે ખાલી ઘરોની રેકી કરીને રાતના દીપક ચોરી કરતો હતો. તેની સામે ઘાટકોપર, ચેમ્બુર, મુલુંડ સહિતનાં બાવીસ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરેખાના ઘરે થયેલી ચોરી બાદ તપાસ હાથ ધરવામાં આવતાં સુરેખાના ઘરની નજીકના વિસ્તારના CCTV કૅમેરાનું ફુટેજ તપાસવામાં આવતાં દીપકનું ઇન્વૉલ્વમેન્ટ હોવાની ખાતરી થઈ હતી. ત્યાર બાદ ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મેળવીને તેની સોમવારે થાણેના તીનહાથ નાકા નજીકથી ધરપકડ
કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ વર્ષમાં વાગળે એસ્ટેટ વિસ્તારમાં અન્ય બે ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી હાલમાં દોઢ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી છે. તેની સામે મુંબઈ, થાણે સહિતનાં અન્ય પોલીસ-સ્ટેશનોમાં બાવીસથી વધારે ગુનાઓ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે.’


