જોકે આ વખતે નથી ગયાં અને ગઈ કાલે કાંદિવલીની કેટરિંગની તેમની દુકાનમાં ગૅસનું સિલિન્ડર ફાટ્યું એમાં ગંભીર રીતે દાઝી ગયાં, તેમના ઉપરાંત બીજા છ જણ દાઝ્યા છે
વિસ્ફોટ થયો એ દુકાન કેટરિંગનો બિઝનેસ કરતાં ૫૩ વર્ષનાં શિવાની ગાંધીની છે.
કાંદિવલી-ઈસ્ટના મિલિટરી રોડ પર રામ કિસન મેસ્ત્રી ચાલમાં આવેલી એક દુકાનમાં ગૅસનું સિલિન્ડર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો હતો. ગઈ કાલે સવારે ૯ વાગ્યે બનેલી આ ઘટનામાં ૬ મહિલાઓ અને એક પુરુષ ગંભીર રીતે દાઝી ગયાં હતાં.
વિસ્ફોટ થયો એ દુકાન કેટરિંગનો બિઝનેસ કરતાં ૫૩ વર્ષનાં શિવાની ગાંધીની છે. તેમનું ૭૦-૮૦ ટકા શરીર સિલિન્ડર-બ્લાસ્ટને કારણે દાઝી ગયું છે. શિવાનીની હાલત જોઈને અનેક મહિલાઓની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા, કારણ કે શિવાનીએ અનેક મહિલાઓને રોજગારી આપીને તેમને પગભર બનાવી છે. અનેક મહિલાઓ માટે તેઓ પ્રેરણાસ્રોત છે. શિવાની ગાંધી આ અકસ્માતમાં બચી ગયાં હોત જો એ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમયે શ્રીનાથજી દર્શન કરવા ગયાં હોત, પરંતુ આ વર્ષે તેમને કેટરિંગના ઘણા ઑર્ડર હોવાને કારણે તેમણે શ્રીનાથજી જવાનું કૅન્સલ કર્યું હતું અને તેમના પતિ મિતુલ ગાંધી તેમના વગર ગયા હતા એમ તેમના પરિવારજને જણાવ્યું હતું.
ADVERTISEMENT
વિસ્ફોટ થયો એ દુકાન ચાલમાં આવેલી હોવાથી ઘર અને દુકાનો ખૂબ નજીક-નજીક હતાં. તેથી વિસ્ફોટ થયો ત્યારે આસપાસથી પસાર થતા લોકો પણ દાઝી ગયા હતા. શિવાની ઉપરાંત બે મહિલાઓનું શરીર ૮૦-૯૦ ટકા જેટલું દાઝી ગયું હતું. તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી ૩ મહિલાઓ ૭૦ ટકા દાઝી ગઈ હતી જેમની સારવાર ESIC હૉસ્પિટલમાં ચાલી રહી છે. એક પુરુષનું શરીર ૪૦ ટકા જેટલું દાઝી ગયું હતું. તેને પણ સારવાર માટે ESIC હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
વિસ્ફોટ બાદ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટૉલેશન, સ્ટવ વગેરેને કારણે આગ ફેલાઈ હતી. જોકે ફાયર-બ્રિગેડે તાત્કાલિક પહોંચીને આસપાસનાં ઘરો સુધી આગ ન ફેલાય એની તકેદારી લીધી હતી.
કુર્લાની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી
કુર્લા-વેસ્ટના સેવકનગરમાં જરીમરી રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે બપોરે આગ લાગી હતી. નજીક-નજીક આવેલાં પાંચથી ૭ ઝૂંપડાંમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની સતર્કતાને લીધે કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ સામાન આગની ઝપટમાં આવી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. ચાર ફાયર-એન્જિને ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી તેમ જ આગ વધુ ન ફેલાય એ માટેનાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં.


