મુંબઈ ડબ્બાવાળા અસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પંઢરપુર વારી (પદયાત્રા) અમારા અસ્તિત્વનો એક ભાગ છે, અમારી પરંપરા છે.
૭ જુલાઈએ અષાઢી એકાદશીએ મુંબઈના ડબ્બાવાળા રજા પાળશે
મુંબઈમાં લાખો લોકોને ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળાઓ ૭ જુલાઈએ અષાઢી એકાદશી નિમિત્તે રજા પાળશે. અષાઢી એકાદશીએ પંઢરપુરમાં દર્શન કરવા જવાની તેમની પરંપરા મુજબ મોટા ભાગના ડબ્બાવાળાઓ પંઢરપુર યાત્રામાં જોડાશે. મુંબઈ ડબ્બાવાળા અસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પંઢરપુર વારી (પદયાત્રા) અમારા અસ્તિત્વનો એક ભાગ છે, અમારી પરંપરા છે. દર વર્ષે અમારા અનેક સાથીઓ આ વારીમાં જોડાય છે. આથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અષાઢી એકાદશીએ રજા પાળીશું.’
ડિલિવરી માટે આવેલી પ્રેગ્નન્ટ મહિલાના પેટ પર જેલની બદલે ભૂલથી ઍસિડ લગાવી દીધું
ADVERTISEMENT
મહારાષ્ટ્રના જાલના જિલ્લાની સરકારી હૉસ્પિટલનો છબરડો બહાર આવ્યો છે. ડિલિવરી માટે આવેલી પ્રેગ્નન્ટ મહિલાના પેટ પર મેડિકલ જેલ લગાડવાને બદલે હાઇડ્રોક્લોરિક ઍસિડ લગાવી દીધું હતું જેને કારણે મહિલા પેટ પર દાઝી ગઈ હતી. જોકે બાળકને કોઈ નુકસાન થયું નહોતું અને સ્વસ્થ બાળકને તેણે જન્મ આપ્યો હતો, એમ હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સફાઈ-કર્મચારીએ સફાઈ કરતી વખતે ભૂલથી ઍસિડની બૉટલ મેડિકલ-ટ્રેમાં મૂકી દીધી હશે જેને કારણે આ ગંભીર ભૂલ થઈ હતી.
ટેમ્પોએ રૉન્ગ સાઇડથી ઓવરટેક કરીને સ્કૂટરને અડફેટે લીધું, પાછળ બેઠેલી વ્યક્તિનો જીવ ગયો
પરેલના હિન્દમાતા બ્રિજ પર એક ટેમ્પો-ડ્રાઇવરે રૉન્ગ સાઇડથી ઓવરટેક કરવા જતાં એક સ્કૂટરને અડફેટે લીધું હતું જેમાં સ્કૂટરચાલકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ટેમ્પો-ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. ભોઈવાડા પોલીસે અકસ્માતની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘પવઈના હીરાનંદાનીમાં રહેતા વિજય યાદવ અને હર્ષ યાદવ ગણેશોત્સવ માટે ડેકોરેશનનો સમાન લેવા લાલબાગ જઈ રહ્યા હતા. દરમ્યાન હિન્દમાતા બ્રિજ પર ટેમ્પોની ટક્કર લાગતાં સ્કૂટર પર પાછળ બેઠેલો વિજય રોડ પર પટકાયો હતો અને સ્કૂટર ચલાવતો હર્ષ સ્કૂટર સાથે થોડે દૂર ઘસડાયો હતો. વિજયને ગંભીર ઈજા થઈ હોવાથી હર્ષે તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા માટે ત્યાંથી પસાર થતાં વાહનોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈએ મદદ કરી નહોતી. છેવટે એક કાર-ડ્રાઇવરે તેમને KEM હૉસ્પિટલ પહોંચવામાં મદદ કરી હતી જ્યાં ડૉક્ટરે ૩૦ વર્ષના વિજયને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.’

