મુંબઈના બિલ્ડરો, બિઝનેસમેન અને ફિલ્મ નિર્માતાઓ પાસેથી ખંડણી વસૂલતા આ ક્રિમિનલને ચીનથી લાવવામાં આવ્યો
ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગૅન્ગસ્ટર પ્રસાદ પૂજારી
હત્યા, ખંડણી અને અપહરણ સહિતના ગંભીર મામલામાં મોસ્ટ વૉન્ટેડ ૪૨ વર્ષના ગૅન્ગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી પ્રત્યાર્પણ કરીને ગઈ કાલે વહેલી સવારે ભારત લાવવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રસાદ પૂજારી ઉર્ફે સુભાષ વિઠ્ઠલ પૂજારી ઉર્ફે સિદ્ધાર્થ શેટ્ટી ઉર્ફે સિધ ઉર્ફે જૉની વગેરે નામથી નામચીન આ ગૅન્ગસ્ટર ૨૦ વર્ષ પહેલાં ભારત છોડી ગયો હતો. તે ભારતમાં નહોતો પણ તેનું નેટવર્ક અહીં હતું એટલે ઇન્ટરનૅશનલ નંબરથી તે મુંબઈના બિઝનેસમેન, બિલ્ડરો, ફિલ્મ-નિર્માતા અને બૉલીવુડના ઍક્ટરોને ધમકાવીને તેમની પાસેથી ખંડણી વસૂલ કરતો હતો. ૨૦૧૯માં શિવસેનાના વિક્રોલીમાં રહેતા કાર્યકર ચંદ્રકાંત જાધવ પર આ ગૅન્ગસ્ટરે ફાયરિંગ કરાવ્યું હોવાનું જણાયું હતું. તેની સામે પોલીસે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી હતી. આથી ઇન્ટરપોલની માહિતીના આધારે તેની ગયા વર્ષે માર્ચ મહિનામાં હૉન્ગકૉન્ગમાંથી બોગસ પાસપોર્ટ ધરાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ચીની યુવતી સાથે લગ્ન કરીને તેને એક બાળક હોવાનું પોલીસની તપાસમાં જણાયું હતું.
ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૅન્ગસ્ટર પ્રસાદ પૂજારી વિક્રોલીમાં રહેતો હતો. તેની માતા ઇન્દિરા પૂજારીની ૨૦૨૦માં એક બિલ્ડર પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગવાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. માતાને પગલે જ તે ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હોવાનું જણાયું છે. ગૅન્ગસ્ટર કુમાર પિલ્લે અને છોટા રાજન સાથે અન્ડરવર્લ્ડમાં કામ કર્યા બાદ તેણે પોતાની ગૅન્ગ બનાવી હતી જે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ઍક્ટિવ છે. મુંબઈ પોલીસે ગૅન્ગસ્ટરને ભારત લાવવા માટે ચીનને રજૂઆત કરતાં ચીને તેને મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડિપૉર્ટ કર્યો હતો.’


