Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડની કચ્છી છોકરી રિધમિક જિમ્નૅસ્ટિક્સમાં સિલ્વર મેડલ જીતી લાવી

મુલુંડની કચ્છી છોકરી રિધમિક જિમ્નૅસ્ટિક્સમાં સિલ્વર મેડલ જીતી લાવી

Published : 24 September, 2026 08:51 AM | IST | Mumbai
Darshini Vashi

હૈદરાબાદની પ્રતિષ્ઠિત GYMQUINN 2026 દ્વારા ઑલ ઇન્ડિયા લેવલ પર થતી રિધમિક જિમ્નૅસ્ટિક્સ સ્પર્ધામાં ૧૦ વર્ષની ડેનિકા મારુ ઇન્ટરસ્ટેટ લેવલ પર સિલ્વર મેડલ લાવી છે

ડેનિકા મારુ

ડેનિકા મારુ


નૅશનલ લેવલ પર થતી રિધમિક જિમ્નૅસ્ટિક્સ સ્પર્ધા GYMQUINN 2026માં હૂપ ઍન્ડ બૉલ (Hoop & Ball) ઇવેન્ટમાં મુલુંડમાં રહેતી ડેનિકા મારુ ઇન્ટરસ્ટેટ લેવલ પર સિલ્વર મેડલ જીતી છે. આ સ્પર્ધા હૈદરાબાદમાં દેશનાં પાંચ શહેરોમાંથી આવેલા પ્રતિયોગીઓ વચ્ચે થઈ હતી. એમાં મુંબઈ તરફથી પાંચમા ધોરણમાં ભણતી ૧૦ વર્ષની ડેનિકાએ પણ ભાગ લીધો હતો. એમાં તે સિલ્વર મેડલ જીતી હતી. આ વિશે માહિતી આપતાં ડેનિકાનાં મમ્મી ડૉ. જિજ્ઞા મારુ કહે છે, ‘આ એક ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશન છે જેમાં સામાન્ય રીતે ૧૪ વર્ષ અથવા એથી વધુ ઉંમરનાં બાળકો ભાગ લેતાં હોય છે. આપણા દેશમાં ૧૪ વર્ષ કરતાં પણ ઓછી ઉંમરનાં બાળકોનું એમાં પ્રદર્શન ઘણું સારું હોવાથી GYMQUINN નામની હૈદરાબાદમાં આવેલી કૉલેજે અન્ડર-10 કૅટેગરી માટે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એમાં ડેનિકાએ ભાગ લીધો હતો. આ અગાઉ તે ડિસ્ટ્રિક્ટ લેવલ પર ૪ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.’

કૉમ્પિટિશન માટે સજ્જ થવા ડેનિકા રોજ થાણે પ્રૅક્ટિસ કરવા જતી હતી એમ જણાવતાં જિજ્ઞા મારુ કહે છે, ‘થાણેમાં ફીનિક્સ જિમ્નૅ​સ્ટિક્સ ઍકૅડેમી આવેલી છે. ત્યાં ડેનિકા રોજ કોચિંગ લેતી આવી છે. રોજ તે ત્રણથી ૭ વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરે છે. તે સવારે સ્કૂલમાં જાય છે, બપોરે પ્રૅક્ટિસ કરે છે અને રાત્રે સ્ટડી કરે છે. આ સાથે તેણે ડાયટ પર પણ ધ્યાન આપવું પડે છે. હું ડૉક્ટર છું એટલે હું જ તેની ડાયટ પ્લાન કરું છું. ડેનિકામાં અમે નાનપણથી જિમ્નૅસ્ટિક્સનાં ફીચર્સ જોયાં હતાં. તે ગાર્ડનમાં રમતી ત્યારે જે રીતે ચડીને સ્લાઇડ કરતી અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સને હાથથી વાપરતી એ જોઈને અમને લાગ્યું કે તેને જિમ્નૅસ્ટિક્સમાં આગળ કરવી જોઈએ એટલે અમે તેને એમાં મૂકી હતી. ડેનિકા ઘણાં વર્ષોથી જિમ્નૅસ્ટિક્સની પ્રૅક્ટિસ કરે છે. જોકે રિધમિક જિમ્નૅસ્ટિક્સમાં ગુજરાતીઓ બહુ આગળ નથી એટલે તેની પ્રગતિ જોઈને અમારા ઘરના અને સમાજના લોકો ખૂબ ખુશ થઈ રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 08:51 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK