મુલુંડનો પરિવાર સાયનથી આગળ સખત ટ્રાફિક જૅમ હોવાથી BKC, માહિમ થઈ દાદર પહોંચ્યો, પણ ટ્રેન છૂટી ગઈ
ટ્રેન ચૂકી જતાં હેરાન અને નિરાશ થઈ ગયેલો મુલુંડનો પરિવાર.
મુલુંડમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિનાં ગીતા ગાલા તેમના પતિ કાન્તિભાઈ અને ગામનાં જ અન્ય એક બહેન રીટા ગડા ગઈ કાલે સયાજીનગરી એક્સપ્રેસ પકડીને ભુજ જવાનાં હતાં. સાયન સુધી બાય રોડ આવી ગયાં પણ આગળ વરસાદનાં પાણી ભરાવાના કારણે રસ્તો જૅમ હોવાથી અટકી પડ્યાં હતાં. થોડી વાર રાહ જોયા પછી ઑલ્ટરનેટ રૂટ પરથી દાદર પહોંચી પણ ગયાં. જોકે એમ છતાં સામાન લઈને પ્લૅટફૉર્મ પર પહોંચે એ પહેલાં ટ્રેન નીકળી જતાં નિરાશ પણ થયાં, હેરાન પણ થયાં અને આર્થિક નુકસાન પણ ઉપાડવું પડ્યું હતું. આમ રસ્તા પર પાણી ભરાતાં સર્જાયેલા ટ્રાફિકે તેમની ટ્રેન છોડાવી હતી.
આપવીતી જણાવતાં ગીતાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે અમારા વતનના ગામ ભોજાય જવાનું હતું. વ્યસનમુક્તિનું અભિયાન ચલાવતા અમારા જૈનોના નરેશમુનિ મહારાજા સાહેબ અમારા ગામમાં ચાતુર્માસ કરી રહ્યા છે. ૨૦ તારીખથી પર્યુષણ ચાલુ થઈ રહ્યું છે એથી અમે ગામ જઈ રહ્યાં હતાં. દાદરથી સયાજીનગરી ટ્રેન પકડવાની હતી. ટ્રેનનો ટાઇમ બપોરના ૨.૪૫નો હતો. અમે મુલુંડથી ૧.૧૦ વાગ્યે નીકળી ગયા હતા. ગૂગલ પણ ૧ કલાકનો ટ્રાવેલ-ટાઇમ બતાવી રહ્યું હતું. અમે સાયન સુધી તો આવી પણ ગયાં પણ એ પછી આગળ બહુ જ ટ્રાફિક જૅમ હતો એથી અમે ત્યાંથી BKC, માહિમ થઈને દાદર પ્લાઝા સિનેમા પાસે પહોંચ્યાં હતાં. જોકે સખત વરસાદમાં સામાન સાથે અમે પ્લૅટફૉર્મ પર પહોંચીએ એ પહેલાં ટ્રેન નીકળી ગઈ હતી. અમારી ટિકિટોના પૈસા પણ ગયા કારણ કે લાસ્ટ મિનિટે રીફન્ડ નથી મળતું અને આવતી કાલની તત્કાલમાં ટિકિટ કઢાવી એટલે એમાં પણ વધારે પૈસા ચૂકવવા પડ્યા. આમ હેરાન પણ થયા, નિરાશ પણ થયા અને આર્થિક નુકસાન પણ થયું. ટ્રાફિકના કારણે અમારી ટ્રેન છૂટી ગઈ.’


