એના પ્રમાણમાં મેટ્રો 2Bના ડાયમન્ડ ગાર્ડનથી મંડાલેના સ્ટ્રેચમાં મુસાફરોની સંખ્યા ઓછી, લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની ઊણપ દેખાઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા શૅર કરાયેલા ડેટા મુજબ મેટ્રો 9નું દહિસર-કાશીગાવ સેક્શન દૈનિક મુસાફરો માટે પસંદગીના રૂટ તરીકે ઊભરી આવ્યું છે. એમાં રોજના ઍવરેજ ૨૨,૩૫૬ મુસાફરો નોંધાય છે, જ્યારે મેટ્રો 2Bના ડાયમન્ડ ગાર્ડન-માનખુર્દ સ્ટ્રેચમાં દરરોજ ફક્ત ૩૮૮૫ મુસાફરો જ આવે છે.
૮ એપ્રિલથી ૧૨ એપ્રિલ દરમ્યાન કુલ ૧૪.૨૫ લાખ મુસાફરોએ ૪ મુખ્ય મેટ્રો લાઇન મેટ્રો 2A (દહિસરથી અંધેરી-વેસ્ટ), મેટ્રો 7 (દહિસરથી ગુંદવલી), મેટ્રો 9 (કાશીગાવથી દહિસર), અને મેટ્રો 2B (ડાયમન્ડ ગાર્ડનથી મંડાલે) પર મુસાફરી કરી હતી. આમાંથી મેટ્રો 2Aમાં સૌથી વધુ ૭.૫૩ લાખ પ્રવાસીઓની સંખ્યા નોંધાઈ હતી. ત્યાર બાદ મેટ્રો 7માં ૫.૪૦ લાખ મુસાફરો અને મેટ્રો 9માં ૧.૧૧ લાખ મુસાફરો આવ્યા હતા. મેટ્રો 2Bમાં પાંચ દિવસના સમયગાળા દરમ્યાન ફક્ત ૧૯,૪૨૬ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી.
ADVERTISEMENT
મેટ્રો 2Bના પૅસેન્જરોએ ડાયમન્ડ ગાર્ડન-મંડાલેના સ્ટ્રેચને એના હાલના મર્યાદિત સ્વરૂપમાં કાર્યરત કરવાના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરતાં દલીલ કરી હતી કે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) અથવા અંધેરી-વેસ્ટ જેવા મુખ્ય બિઝનેસ સેન્ટર સુધી જો મેટ્રો લંબાવવામાં આવશે તો જ આ લાઇન પર પૅસેન્જરો વધુ સંખ્યામાં મુસાફરી કરતા જોવા મળશે.
