થાણેમાં આજે ગાંવદેવી મેદાનથી રેલવે-સ્ટેશન સુધી આક્રોશ મોરચો
પ્રતીકાત્મક તસવીર
મુંબ્રા રેલવે-સ્ટેશન પાસે ગઈ કાલે સવારે બે ટ્રેનો એકમેકની નજીકથી પસાર થતી વખતે અકસ્માત થયો હતો જેમાં અનેક લોકો પાટા પર પડ્યા હતા જેમાં ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને ૮ જણ ગંભીર ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રેલવેના અધિકારીઓ સામે સર્વત્ર રોષ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે આક્રમક બનેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આજે રેલવે પ્રશાસન સામે વિશાળ વિરોધ-પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. આ વિરોધ-પ્રદર્શનમાં આજે સવારે ૯ વાગ્યે ગાંવદેવી મેદાનથી થાણે સ્ટેશન સુધી વિશાળ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે.
MNSના થાણે પાલઘર જિલ્લાના નેતા અવિનાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કળવા-મુંબ્રા રેલવે-સ્ટેશન વચ્ચે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જોઈને અમારા એક કાર્યકરે સેન્ટ્રલ રેલવે સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. આવી પરિસ્થિતિમાં આવો મોટો અકસ્માત થઈ શકે છે એવો ભય પણ ત્યારે વ્યક્ત કર્યો હતો, પણ રેલવે વિભાગના અધિકારીઓને આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી કરવાનું જરૂરી જણાયું નહોતું એને કારણે જ આ અકસ્માત થયો છે. આવા અકસ્માતને રોકવા માટે અમે આજે વિશાળ મોરચાનું આયોજન કર્યું હતું જેમાં અમે રેલવે-અકસ્માતમાં જખમી થયેલા અને જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને પણ આમંત્રિત કર્યા છે.’

