પિલર્સના કલર પરથી મેટ્રોની લાઇનનો સરળતાથી ખ્યાલ આવી જશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલા મેટ્રોના ૨૫૦૦થી વધુ પિલર્સ પર પેઇન્ટિંગનું કામ પૂરું થયું છે. અર્બન બ્યુટિફિકેશન અંતર્ગત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા મેટ્રો નેટવર્કના ૮૬ ટકા પિલર્સ એક થીમ સાથે પેઇન્ટ કરવામાં આવ્યા છે.
મેટ્રો નેટવર્કના જુદા-જુદા માર્ગને એક ચોક્કસ રંગ સાથે જોડવામાં આવ્યા છે - રેડ લાઇન, ઍક્વા લાઇન. એ રીતે જુદા-જુદા રંગ દ્વારા મેટ્રો લાઇનને ઓળખવામાં સરળતા રહે છે. તેથી મેટ્રોના પિલર્સને અને બ્રિજ નીચેની લાઇનને એ જ રંગની થીમ સાથે રંગવામાં આવ્યા છે જેથી લોકોને ખ્યાલ રહે કે એ જગ્યાએથી કઈ મેટ્રો લાઇન પસાર થાય છે. મેટ્રો નેટવર્કમાં કુલ ૨૯૬૨ પિલર્સ ઊભા કરવામાં આવ્યા છે જેમાંથી ૨૫૩૭ પિલર્સ પર પેઇન્ટનું કામ થઈ ગયું છે, જ્યારે બાકીના પિલર્સ પર ચોમાસા પછી પેઇન્ટ કરવામાં આવશે એમ MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
કઈ મેટ્રો લાઇનમાં કેટલું કામ થયું?
લાઇન 2B (ડી. એન. નગર-મંડાલે) : ૬૫૩ પિલર્સમાંથી ૬૨૩ પિલર્સનું કામ પૂરું. આ લાઇનનું ૮૬ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે.
લાઇન 4 અને 4A (વડાલા-કાસારવડવલી-ગાયમુખ) : ૧૦૨૩ પિલર્સમાંથી ૮૪૧ પિલર્સનું કામ પૂરું. આ લાઇન 4નું ૮૧ ટકા અને લાઇન 4Aનું ૯૧ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે.
લાઇન 5 (થાણે-ભિવંડી-કલ્યાણ) : ૪૮૮ પિલર્સમાંથી ૪૩૦ પિલર્સનું કામ પૂરું. આ લાઇનનું ૯૧ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે.
લાઇન 6 (સ્વામી સમર્થનગર-વિક્રોલી) : ૪૨૨ પિલર્સમાંથી ૨૮૮ પિલર્સનું કામ પૂરું. આ લાઇનનું ૭૮ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે.
લાઇન 7A (અંધેરી ઈસ્ટ-ઍરપોર્ટ ) : બધા જ બાવીસ પિલર્સનું કામ પૂરું. આ લાઇનનું ૬૦ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે.
લાઇન 9 (દહિસર-ઈસ્ટ-મીરા-ભાઈંદર) : ૩૫૪ પિલર્સમાંથી ૩૨૮ પિલર્સનું કામ પૂરું. આ લાઇનનું ૯૭ ટકા સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે.


